યુકેમાં ગુજરાતથી આવેલા અને વસેલા લોકોની સંખ્યા ખુબ મોટી છે અને તે પૈકી કેટલાય લોકો અને તેમના બાળકો આજે પણ મુખ્ય ભાષા તરીકે ગુજરાતી બોલે છે. જે પેઢી ગુજરાતથી આવેલી તેમને ગુજરાતી વાંચતા લખતા પણ સારી રીતે આવડે છે. જે લોકો આફ્રિકા અને ત્યાંથી આવ્યા તે લોકોને પણ ગુજરાતી પર સારી ફાવટ છે. પરંતુ ત્યારબાદની પેઢીમાં ઓછા લોકો ગુજરાતી ભણ્યા છે અને એટલા માટે તેઓ સારી રીતે બોલી જાણે છે, સમજી શકે છે પરંતુ વાંચી કે લખી શકતા નથી તેવું સામે આવી રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતી ભાષાનું યુકેમાં ભવિષ્ય કેટલું અને કેવું? આ પ્રશ્ન અંગે ગંભીરતાથી વિચાર થવો જોઈએ. જે લોકો લખી વાંચી નથી શકતા તેમને પણ ભાષા પ્રેમ તો છે જ અને તેઓ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકે અને તેના સંપર્કમાં રહી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. કેવી રીતે આ શક્ય બની શકે તેના ઉપાયો વિચારવા પડશે.
આવું ખાસ કરીને યુવાનોમાં બની રહ્યું છે અને તેમને ભાષાજ્ઞાન આપવાની જરૂર છે. તેઓ ઈચ્છે છે કે ગુજરાતી સાથે તેમનું તાદાત્મ્ય વધારે મજબૂત બને. પરંતુ કેવી રીતે? જે સામાજિક કાર્યક્રમો યોજાય છે તેમાં મોટા ભાગે વૃદ્ધો અને મધ્યસ્થ વયના લોકો જોવા મળે છે. યુવાનોને આવા મેળાવડામાં રસ નથી અને તેઓને કંટાળો આવે છે. વડીલો તેમને ઠપકો આપે છે કે તેઓ સંસ્કૃતિ અને માતૃભાષા ભૂલી રહ્યા છે પરંતુ ન્યાયિક રીતે વિચારીએ તો આ યુવાનોની માતૃભાષા ગુજરાતી નથી કેમ કે તેઓ યુકેમાં જ જન્મ્યા છે અને ભલે તેમના માતા-પિતા ગુજરાતી બોલતા હોય પરંતુ તેમની શાળામાં અભ્યાસનું માધ્યમ અંગ્રેજી રહ્યું છે. ઘરમાં ગુજરાતી અને શાળામાં અંગ્રેજી બોલાતું હોવાથી બાળક પર વધારે પ્રેશર પડે છે તે વાત પણ તાર્કિક છે અને તેમ છતાંય તેઓ બંને ભાષા જાળવી શક્યા તેની ક્રેડિટ આ બાળકોને આપવી જોઈએ.
ફરીથી મૂળ પ્રશ્ન પર આવીએ કે આ સમસ્યાનો વ્યવહારિક ઉકેલ શું છે અને તે કેવી રીતે લાવી શકાય? આ માટે કોઈએ તો વિચારવું પડશે. ઉકેલ લાવવા માટે એક ઉપાય એ હોઈ શકે કે યુવાનોને જે માધ્યમમાં ફાવટ છે અને રસ પડે છે તે માધ્યમથી ભાષા શીખવવામાં આવે. આ પેઢી ગુજરાતી સાંભળી અને સમજી શકે છે એટલે જો ઓડિયો અને વીડિયો દ્વારા તેમને ગુજરાતીનું જ્ઞાન આપવામાં આવે તો સરળ પડે. વાંચવું અને લખવું આજના અને આવનારા જમાનામાં જરૂરી નહિ હોય. વાંચવા માટે પણ ખરેખર હવે લિપિ શીખવી જરૂરી રહી નથી કેમ કે ટેક્સ્ટ ટુ સ્પીચ જેવા સોફ્ટવેર મફતમાં ડાઉનલોડ થાય છે. આજકાલ તો આમેય વોટ્સએપમાં લોકો અંગ્રેજી લિપિનો ઉપયોગ કરીને ગુજરાતી લખતા હોય છે તો શા માટે કોઈને ગુજરાતી લિપિ શીખવાની ફરજ પાડવી? અને જે લોકોને લિપિ ન આવડે તેમને ભાષા સમૃદ્ધિથી શા માટે વંચિત રાખવા? જોકે ગુજરાતી વિષે જાણ્યા પછી ધીમે ધીમે લોકો જાતે લિપિ શીખવા તરફ પ્રેરાય તે શક્ય છે અને ત્યારે ભાષા શીખવવાના સરળ રસ્તાઓ અંગે વિચાર કરી શકાય.
આખરે એક વાત યાદ રાખવી જોઈએ કે ગુજરાતી તો એક ભાષા છે અને તે ચિરંજીવી છે માટે ચિંતા ભાષાની નથી પરંતુ એ લોકોની છે જે લોકો તેના અમૂલ્ય ખજાનાથી વંચિત રહી જશે. આપણે લોકો માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, ભાષા માટે નહિ એ બાબત સ્પષ્ટ હોવી જોઈએ. કેમ કે જો ભાષાને કેન્દ્રમાં રાખીને કામ કરીશું તો જોડણી, વ્યાકરણ અને માળખાની ચિંતામાં એટલા અટવાઈ જઈશું કે તેને લોકભોગ્ય નહિ બનાવી શકીએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)