૨૦૨૦ના ફેબ્રુઆરી-માર્ચથી દુનિયાભરમાં કોરોનાનું ગ્રહણ મંડરાઇ રહ્યું છે. ચીનથી આવેલા આ કાળમુખા કોરોનાના ખપ્પરમાં લાખ્ખો હોમાય ગયા અને હજુય એ ઘટમાળ સતત ચાલુ જ છે. આવા વખતે યુરોપથી છેડો ફાડી બ્રિટન 'બ્રેકઝીટ' કરી રહ્યું હતું એવા સમયે જ કોરોનામાંથી જન્મેલા નવા વાયરસે બ્રિટનને ભરડામાં લીધું. ડોવરના દરિયાકાંઠેથી યુરોપ તરફ જતી હજારો ટ્રકો ડોવર નજીક સ્થગિત થઇ ગઇ હતી. ટી.વી. સમાચાર માધ્યમો પર હજારો હરોળબંધ અટવાયેલી ટ્રકો અને એના ત્રાહીમામ થયેલા ડ્રાઇવરોની વિટંબણા જોઇ આપણા દયાળુ ગુજરાતીઓનો જીવ થોડો ઝાલ્યો રહે!!! ટી.વી. પર આ ન્યુઝ જોઇ આપણા અત્યંત લાગણીશીલ ગુજરાતીઓ ખાસ કરીને બહેનો ચોક્કસ બોલી જ હશે, 'અરરર…આવી કડાકાબંધ ઠંડીમાં બિચારા ડ્રાઇવરોની કેવી દશા! શું ખાતા હશે!!”
આવાં જ એક અત્યંત દયાવાન બહેનનો એ વખતે મને ફોન આવેલો. ઇલ્ફોર્ડમાં રહેતાં એ ચારૂબહેન (નામ બદલ્યું છે) આમ તો છે ડિગ્રીધારક. અટવાયેલી ટ્રકોના ડ્રાઇવરોની હાલાકી જોઇ ચારૂબહેને મને ફોન કરતાં કહ્યું, ‘તમારી પાસેથી પ્રીતિ પટેલનો ફોન મળશે! મેં પૂછ્યું કયાં પ્રીતિબેન? તો એ બહેને મને કહ્યું અરે… કોકિલાબેન મારે આપણા હોમ મિનિસ્ટર પ્રીતિ પટેલનો નંબર જોઇએ છે! પ્રીતિબેનનો ફોન?!! હા… હા.. આપણા પ્રીતિ પટેલ…! આશ્ચર્ય પામતાં મેં ચારૂબહેનને પ્રશ્ન કર્યો.. ‘તમારે વળી પ્રીતિ પટેલનું શું કામ પડ્યું?!!’ ત્યારે ચારૂબહેને ફોડ પાડતાં મને કહ્યું કે, ‘ડોવર નજીક આ ટ્રકો અટવાઇ ગઇ છે એના માટે મારે પ્રીતિ પટેલને સલાહ આપવી છે!!! મારી પાસે એનો આઇડિઆ છે!!” મેં કહ્યું, “ ચારૂબહેન, પ્રીતિ પટેલની ટીમમાં ઘણા સલાહકારો હોય જ. ઉપરાંત એ ખૂબ બુધ્ધિકુશળ મહિલા છે. એમણે જરૂર પડશે તો હું ચોક્કસ તમારૂ જ નામ સજેસ્ટ કરીશ ..હોં!!” એમ કહી મેં ફોન પતાવી દીધો પણ આખો દિવસ મનમાં આ ચારૂબહેનની સલાહ શું હશે એ વિચાર ઘૂમરાતો રહ્યો.
આવો જ એક બહેન વેમ્બલીમાં રહેતાં રત્નાબહેન (નામ બદલ્યું છે)ને હું વીસેક વર્ષથી ઓળખું છું. એમના માતુશ્રીની દેખભાળ માટે ખાસ કેરર તરીકે તેઓ ચરોતરના એક ગામમાંથી યુ.કે. આવીને વસ્યાં છે. ગત માર્ચમાં એક રવિવારની વહેલી સવારે રત્નાબહેને મારા ઘરનો ડોર બેલ વગાડ્યો. સવારે ૭.૦૦ વાગ્યે કોણ હશે?! એ વિચારતાં મેં બેડમાંથી ઉઠી બારીમાંથી જોયું તો ચહેરો ઓળખીતો દેખાયો. નીચે આવીને મેં ડોર ખોલ્યું તો સામે રત્નાબહેન ઉભેલા. આશ્ચર્ય સહ મેં પૂછ્યું, “અરે.. સવારે સવારે કેમ આન્ટી યાદ આવ્યાં? ઉચાટભર્યો ચહેરો જોઇ મેં રત્નાબેનનેે આટલી વહેલી સવારે આવવાનું કારણ પૂછ્યું? એમનો જવાબ હતો, “આન્ટી તમે પેપરમાં જર્નાલીસ્ટ છો તો મોદીનો કોન્ટેક્ટ તમારી પાસે તો હશે?! મારે એમનો ફોન નંબર જોઇ છે!!’ એ બહેનની ડિમાન્ડ સાંભળી મનમાં થયું કે આ મારી ભ્રમણા છે કે હું કંઇક ખોટું સાંભળી રહી છું!! મેં ચોખવટ કરવા એ બહેનને ફરી પૂછ્યું. “કયા મોદીનો નંબર જોઇએ છે?” ત્યારે એ બહેને કહ્યું, “અરે.. આન્ટી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો!!” મેં પૂછ્યુ, ‘તારે મોદીજીનું એવું તે શું અર્જન્ટ કામ પડ્યું? ત્યારે અમારાં રત્નાબહેને રજૂ કરેલી વિટંબણાને સાંભળવા જેવી છે.
આવો એમના જ શબ્દોમાં વાતને રજૂ કરું.. “ગામડેથી ૨૫ વર્ષની ઉંમરે મારા પતિ અને દીકરાને મૂકી હું મારી માની હેલ્પર બની અહીં આવી. ફાજલ સમયમાં મેં પાર્ટટાઇમ નોકરી કરી પૈસા ભેગા કર્યા અને ૧ પાઉન્ડના ૯૦ના હસાબે મેં દર મહિને પતિને પૈસા મોકલી ગામમાં મોટો બંગલો બનાવ્યો. હું અહીં કરકસર કરી બ્રેડ-દૂધ ખાઇને પૈસા ભેગા કરીને ઇન્ડિયા મોકલું છું અને મારો પતિ ત્યાં મારાં માસીસાસુની વહુ સાથે પ્રેમલીલા કરે છે, પેલીને એ ભેટમાં સોનાનાં ઘરેણાં આપે છે..બોલો..!! હવે મારો પતિ અહીં આવવા તૈયાર થયો છે તેણે મારે અહીં આવતો અટકાવવો છે!! આ વાત મારે મોદીને કહેવી છે!!” મેં રત્નાબહેનને શાંત કરતાં કહ્યું, “આમાં મોદીજી શું કરી શકે?! જુઓ.. બહેન મોદીજીને દેશના રાજકીય, સામાજિક અને સુરક્ષા અંગે અનેક પ્રશ્નો છે, મોદીજી આવા ઘરેલુ મામલાને સોલ્વ કરવા જાય તો કયાં પાર આવે?!! મોદીજીને બદલે મેં જ વણમાગી સલાહ આપતાં કહ્યું કે, ‘બહેન તેં જ જાતે કાંડા કાપી આપ્યાં છે, પતિને દર મહિને થોકબંધ રૂપિયા મોકલી સંપૂર્ણ સુખ સુવિધા પૂરી પાડી હોય તો એ બિચારો નવરો જુવાનિયો કરેય શું?”