વીતેલા સપ્તાહે આપની સાથે વાત કરીને ઘણો બધો આનંદ થયો. વિશેષ આનંદ તો એ વાતનો થયો કે જે અખબારમાં મેં દસકાઓ પૂર્વે કામ કર્યું હતું તે આજે તેની સ્થાપનાના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 50 વર્ષ... ખરેખર નાનોસૂનો સમય નથી. મને આજે પણ એ દિવસો યાદ છે જ્યારે હું આપના સંપર્કમાં આવ્યો હતો. હું આફ્રિકાથી યુકે આવ્યો હતો. મારા જેવા વસાહતી માટે દેશ પણ નવો હતો, અને કાયદાઓ પણ અલગ હતા. હું નવા દેશ - નવા લોકો વચ્ચે નવી જિંદગીની ઘરેડમાં સેટલ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આદરણીય સ્વામી કૃષ્ણાનંદજીના સંપર્કમાં આવ્યો. હું ગ્રાફિક્સનું કામ જાણતો હતો અને સ્વામીજી મારી કામગીરીથી વાકેફ હતા. તેમણે મારો પરિચય આપની સાથે કરાવ્યો અને હું એબીપીએલની ટીમમાં જોડાયો.
તે સમયે આપણું કાર્યાલય ચિઝિકમાં બેસતું હતું. સર્વશ્રી રસિકભાઇ, સુખલાલકાકા, નરેન્દ્રભાઇ, પ્રવીણાબહેન આ બધા સાથીદારોના નામ આજે પણ યાદ છે. અને હા, નરુભાઇ કેમ છે? ક્યાં છે તેઓ? તેમની સાથે કોઇ સંપર્ક ખરો?! આ ભાઇ દર શનિવારે પત્રકાર તરીકે લખવા આવતા હતા અને તમે તેમના લખાણના બહુ જ વખાણ કરતા હતા. આજે આ લખી રહ્યો છું ત્યારે બધું નજર સામે તરવરી રહ્યું છે.
મારી જિંદગીના સૌથી મહત્ત્વના તબક્કા દરમિયાન મેં આપની સાથે કામ કર્યું. જોબ બદલી અને આપની સાથેનો સંપર્ક તૂટી ગયો. આ વાતને આજે વર્ષોના વ્હાણા વીતી ગયા. વીતેલા વર્ષો દરમિયાન આપની સાથે ટચમાં નથી રહી શક્યો તે વાતનો બહુ અફસોસ છે, પરંતુ સાથે સાથે જ એ વાતનો વિશેષ આનંદ પણ છે કે આપની સાથે ફરી સંપર્ક સ્થપાયો છે. આપની સાથેની કામગીરી દરમિયાન જે જાણવા - શીખવા મળ્યું છે તે જિંદગીમાં બહુ કામ આવ્યું છે. મને સૌથી વધુ આનંદ તો એ બાબતનો છે કે જે અખબારમાં મેં પાયાની તાલીમ લીધી છે તે આજે સમાજ માટે સારું અને નક્કર કામ કરી રહ્યું છે. આપના નેતૃત્વમાં આપના બન્ને અખબારો જે પ્રકારે સમાજ સેવા કરી રહ્યા છો તે અદભૂત છે. આપ સહુ તો અભિનંદનના અધિકારી છો જ, પરંતુ હું વાચકોને પણ વધાઇ આપવા માગું
છું કે તેમને આટલા સરસ અખબારો વાંચવા મળી રહ્યા છે.
તે સમયના ગુજરાત સમાચાર અને આજના ગુજરાત સમાચારમાં જમીન-આસમાનનો ફરક જોવા મળે છે. આમ પણ સમય સાથે બધું બદલાતું જ હોય છેને? તે સમયનું ન્યૂ લાઇફ આજે એશિયન વોઇસ બન્યું છે. બન્ને સમાચાર સાપ્તાહિકના કલેવર ભલે ધરમૂળથી બદલાઇ ગયા હોય, પરંતુ તેમણે સામાજિક પ્રતિબદ્ધતામાં કોઇ બાંધછોડ કરી નથી.
એશિયન વોઇસ તો ખરેખર અદભૂત છે. નિખાલસતા સાથે કહું તો હું આમાંથી એક પણ અખબારનો સબસ્ક્રાઇબર નહોતો, પરંતુ હવે હું આ બન્ને અખબારનું વાર્ષિક લવાજમ ભરી રહ્યો છું.
મારું સ્પષ્ટ માનવું છે કે એશિયન વોઇસ મારા સંતાનોને બહુ જ ઉપયોગી બનશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા જે નીતનવા સમાજોપયોગી કાર્યો - અભિયાનો હાથ ધરાઇ રહ્યા છે તે ચાલુ જ રાખશો તેવી આશા સાથે વિરમું છું. વીતેલા વર્ષોમાં ભલે સંપર્ક ના જાળવી શક્યો, પરંતુ બહુ જલ્દી આપને ઓફિસમાં મળવા આવી રહ્યો છું...