ઈ.ટી.જી. કંપની એની કોર્પોરેટ ઓફિસ સિંગાપોરમાં ધરાવે છે. શ્યામવર્ણી આફ્રિકાના ૪૫ દેશો અને ભારતમાં ય તેની ઓફિસ છે. કંપનીના ૨૦૧૨-૧૩ના છાપેલા વાર્ષિક અહેવાલમાં તેણે ૩૨ લાખ ટન અનાજ અને બીજી વસ્તુઓનો કરેલો વેપાર ૧૯૦ કરોડ ડોલરનો હતો. ૨૦૧૪માં કંપનીનું ટર્નઓવર ૨૫૦ કરોડ ડોલરે પહોંચ્યું, પછી વધતું રહ્યું છે. અનેક દેશોમાં તેની પાસે પથરાયેલાં મોટાં અદ્યતન ગોડાઉનોની સંખ્યા ૩૫૦ છે. કંપની પાસે સંખ્યાબંધ આફ્રિકી દેશોમાં ત્યાંની સરકારો પાસે મેળવેલી હજારો એકર જમીન છે. એની પાસે બારેક હજાર કર્મચારી છે. આમાં ૨૫૦થી ૩૦૦ જેટલા ભારતીય હશે. આવી મોટી કંપનીના માલિક મહેશભાઈ પટેલનું મૂળ વતન ચરોતરનું વડદલા. મહેશભાઈ ૧૯૫૫માં નૈરોબીમાં જન્મેલા. હાલ તેમનું કાયમી નિવાસસ્થાન ટાન્ઝાનિયાના દારે સલામમાં છે. તેમને દર મહિને ત્રણથી ચાર વાર પરદેશ જવાનું થાય છે.
મહેશભાઈની એક વાત વિદેશવાસી સૌ ગુજરાતીઓ ગાંઠે બાંધે તો ક્યાંય તે અણગમતા ના બને. મહેશભાઈ કહે છે, ‘પહેલાં લોકો વિદેશમાંથી કમાઈને વતનમાં પાછા જતા. કાયમ માટે વિદેશ ના રહેતા પણ અમે અહીં જ રહેવાના છીએ. આ અમારો દેશ છે. એની પ્રગતિમાં જ અમારી પ્રગતિ છે. ભારત અમારી પિતૃભૂમિ અને સંસ્કારભૂમિ છે.’
મહેશભાઈ સાદગી, શાલીનતા અને પરગજુપણાથી ભર્યાંભર્યાં છે. આ નમ્રતાના કારણમાં યોગીબાપાના આશીર્વાદને એ કારણરૂપ માને છે. યોગી ગીતાના એ ચાહક છે જેમાં યોગીબાપાએ માણસને માણસ બનાવવાનો રાહ ચીંધ્યો છે. યોગીબાપાની સૌનું ભલું કરવાની વાત એમણે સ્વીકારી છે. ૧૯૭૦માં નૈરોબીમાં વસતા રાવજીભાઈ ૧૫ વર્ષના પુત્રને લઈને યોગીબાપાના દર્શને ગયા. બાપાએ ધબ્બો મારીને મહેશને કહ્યું, ‘સાધુ થવાનો છે.’ આ પછી મહેશને બાપા પ્રત્યે ભક્તિ જન્મી. સાથે રમતા કેટલાક મિત્રો સાધુ પણ થયા. મહેશભાઈ સાધુ ન થયા પણ સફેદ કપડે સાધુ જેવું જીવન જીવતા થયા. સ્વામીનારાયણ સંપ્રદાયના સંત પ્રત્યે ભક્તિ અને પ્રીતિ જન્મ્યાં. પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી, ડો. સ્વામી, ઈશ્વરચરણદાસ સ્વામી સૌના લાડીલા બન્યા. આહારવિહાર અને આચારે સ્વામીનારાયણી બન્યા. શાકાહાર પ્રસરે એવો વ્યવસાય સ્વીકાર્યો. સ્વામીનારાયણ સંપ્રદાય માનવહિતનો હામી છે. આ ખ્યાલમાં રાખીને તેમણે આફ્રિકન પ્રજાને આર્થિક રીતે પગભર કરવાની પ્રવૃત્તિ અપનાવી છે.
ઈ.ટી.જી. કંપની મહેશભાઈની સૂઝ, પરિશ્રમ અને સાથીઓ તથા કર્મચારીઓ પાસેથી પ્રેમપૂર્વક કામ લેવાના ગુણથી સમગ્ર શ્યામવર્ણી આફ્રિકામાં પ્રથમ નંબરે છે. આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં એમનાં ખરીદકેન્દ્રો છે. ખેડૂતો અહીં તેમની પાસે થોડો જથ્થો હોય તો પણ વાજબી ભાવે અને રોકડેથી વેચી શકે છે. બાકી પાંચ-પંદર કિલોગ્રામ વજન રસ્તા અને જરૂરી વાહનવ્યવહારના અભાવ ધરાવતા પ્રદેશમાંથી વેચવા માટે મોટા શહેરમાં જાય તો સોના કરતાં ઘડામણ મોંઘુ થાય તેવું બને.
આફ્રિકનોના બાળકો આવતીકાલની દુનિયાને અનુરૂપ તાલીમ મેળવે માટે તેમણે સંખ્યાબંધ આફ્રિકન દેશોમાં આઈ.ટી. સ્કૂલો શરૂ કરી છે. આ શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ ભણી ગયા છે. આના લીધે કેટલાક દેશોમાં સરકારી રેકોર્ડ કોમ્પ્યુટરમાં દાખલ કરતાં જમીન, મિલકત, મકાનના હક્કના પુરાવા જોઈએ તો મળી રહે છે. આને કારણે તુમારી તંત્ર અને લાંચરુશ્વત ઘટ્યાં છે.
આફ્રિકાના જંગલો અને શિકારીજીવન ઘટતાં માંસ-મચ્છી મોંઘા થયાં તે ગરીબોને ના પોષાય. મહેશભાઈએ સોયાબીન અને મકાઈ ભેગાં દળીને સોયાકેક બનાવવાની ફેક્ટરી શરૂ કરી. આને કારણે સસ્તો પ્રોટીનયુક્ત ખોરાક સુલભ બનતાં, મહેશભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના શાકાહાર પ્રચારના નિમિત્ત બન્યા. આથી ગરીબો માટે સસ્તો અને પોષણક્ષમ આહાર શક્ય બનતાં આરોગ્ય ક્ષેત્રે સુધારો થયો. વધારામાં આહારથી આરોગ્ય વધતાં શ્રમ કરવાની શક્તિ વધતાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થયો.
મહેશભાઈ પિતૃભૂમિ ભારતમાંથી વધુ યુવકો આફ્રિકામાં આવે તેવું ઈચ્છે છે. કહે છે, ‘આફ્રિકામાં બધાં ક્ષેત્રો કામ કરી શકે તેવા કુશળ માણસોની તંગી છે. આથી આફ્રિકાનો વિકાસ થાય અને ભારતમાં બેકારી ઘટે. જો ભારતીય લોકો નહીં આવે તો આફ્રિકામાં ચીની લોકો આવતાં તેમની વસ્તી વધશે. લાંબા ગાળે તેમનો આફ્રિકામાં પ્રભાવ વધતાં ભારતના હિતો જોખમાશે.’
શિક્ષાપત્રી મુજબનું જીવન જીવતા મહેશભાઈ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં મોટા દાતા છે. તક્તિ વિનાનાં તેમના દાન બીજાને ખબર જ ન પડે. ઉપરાંત આફ્રિકામાં અને ભારતમાં બીએપીએસના મંદિરોમાં તેમનાં લાખો ડોલરનાં દાન છે પણ એ પોતે યશ લેવાથી આઘા ભાગે છે.