રાજેશ ખન્નાની ફિલ્મ ‘સચ્ચા જૂઠા’નું એક પ્રખ્યાત ગીત છે:
‘દિલ કો દેખો, ચહેરા ન દેખો
ચહેરેને લાખો કો લૂંટા
દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા’
તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં એવું તારણ નીકળ્યું છે કે આપણે વાસ્તવિક ચહેરા કરતા વધારે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ચહેરાને સાચા માની લઈએ છીએ. આ અભ્યાસમાં કેટલાક વાસ્તવિક વ્યક્તિના ચહેરાના ફોટો અને બીજા કેટલાક કોમ્પ્યુટરના પ્રોગ્રામનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા ચહેરાના ફોટો એકસાથે મૂકવામાં આવેલા અને પછી અભ્યાસાર્થીઓને જણાવાયું હતું કે તેઓ વાસ્તવિક ચહેરા અને કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી તૈયાર થયેલા ચહેરાને અલગ ઓળખી બતાવે. આ અભ્યાસમાં અડધાથી વધારે લોકો વાસ્તવિક ચહેરા ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા.
જે લોકોએ અભ્યાસ કર્યા તેમનું એવું કહેવું છે કે જેમ જેમ કોમ્પ્યુટરના ડેટાબેઝમાં વધારે ચહેરાના નમૂના ફીડ કરવામાં આવે તેમ તેમ આ પ્રોગ્રામની ક્ષમતા વધતી જાય છે. ધીમે ધીમે એ પ્રોગ્રામ વાસ્તવિક દેખાય તેવા જ આંખ, નાક, કાન, ગાલ વગેરે તૈયાર કરી શકે છે. જે પ્રમાણે કોમ્પ્યુટરમાં આજ્ઞા આપવામાં આવે એ પ્રમાણે તે અલગ અલગ અંગોની પસંદગી કરીને ચહેરો તૈયાર કરી આપે છે. આ પ્રયોગમાં એવું જોવામાં આવેલું કે શ્વેત વ્યક્તિઓના ચહેરા વધારે વાસ્તવિક લાગતા હતા કારણ કે કોમ્પ્યુટરના પ્રોગ્રામમાં વધારે શ્વેત ચહેરા ફીડ કરવામાં આવેલા. એશિયન અને આફ્રિકન લોકોના વધારે ચહેરા ફીડ કરીને તેની ચોક્કસાઈ પણ વધારી શકાશે અને પરિણામે કોઈ પણ ક્ષેત્રમાંથી આવતા, કોઈ પણ રંગ, જાતિ કે પ્રદેશના વ્યક્તિનો ચહેરો આ પ્રોગ્રામ તૈયાર કરી શકશે.
સમાજમાં આમેય લોકો કેટલાય ચહેરા પહેરીને ફરતા હોય છે, તેમાંથી એકાદ ચહેરો જ ખરો હોય છે, બાકી તો બધા મુખૌટા જ હોવાના. લોકોમાં નીતિમતા અને પ્રામાણિકતાનું સ્તર સતત નીચું જઈ રહ્યું હોવાની ચિંતા જયારે આપણને સતાવી રહી છે ત્યારે આવા કોમ્પ્યુટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રોગ્રામથી વધારે ભય લાગી શકે છે. આવા ચહેરાઓનો ઉપયોગ ખાસ કરીને પોર્ન બનાવવામાં, કોઈને બ્લેકમેઇલ કરવામાં કે પછી કોઈને ડેટિંગ સાઈટ પર કે બીજી કોઈ રીતે ભરમાવીને બાટલીમાં ઉતારવામાં થઇ શકે છે. આજે જયારે લોકો વાસ્તવિક મુલાકાત કરતા વધારે આભાસી મુલાકાતો દ્વારા કામ પાર પાડવાના આદિ બની ગયા છે ત્યારે કોને ખબર કે આ આભાસી વ્યક્તિઓ કે જેની સાથે આપણે પ્રથમ વાર જ સંપર્કમાં આવતા હોઈશું તેમના ચહેરા કેટલા વાસ્તવિક હશે. તેઓ ખરેખર પોતાનો ચહેરો બતાવતા હશે કે પછી કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચહેરાનો ઉપયોગ કરી રહ્યા હશે. આવા છેતરામણા કોમ્પ્યુટરના પ્રોગ્રામ તૈયાર કરીને કોઈ ગેંગ ભોળા લોકોને ભરમાવે, કપટ કરીને પૈસા પડાવી લે કે પછી બીજી કોઈ રીતે ખાડામાં ઉતારી દે તેવો ખતરો સામે આવીને ઉભો છે. અત્યાર સુધી તો લોકો ખોટા ફોન કરીને છેતરપિંડી કરતા, પરંતુ હવે તો ચહેરા પણ કૃત્રિમ રીતે બનાવીને વાસ્તવિક વ્યક્તિ તરીકે કોઈને ભોળવી લેવામાં આવે તેવું બનવાની શક્યતાઓ ઘણી વધારે છે.
પ્રશ્ન એ છે કે આવા પ્રોગ્રામનો સદુપયોગ થશે કે દુરુપયોગ? આવો પ્રશ્ન તો દરેક નવી ટેક્નોલોજીનો આવિષ્કાર થાય ત્યારે ત્યારે ઉભો થાય જ છે પરંતુ તેનું પરિણામ ટેક્નોલોજીનો ઉપયોગ કરનારના હાથમાં હોય છે. એટલે એવું કહી શકાય કે તે સિક્કાની બે બાજુ જેવી દલીલ બની રહેશે. એટલા માટે જ આ કૃત્રિમ
ચહેરા કરતા વધારે તેની પાછળ છુપાયેલા જે વાસ્તવિક ચહેરા હશે તેની નીતિમતા અને પ્રામાણિકતા જ નક્કી કરશે કે આ ટેક્નોલોજીનો ઉપયોગ લોકોના અને સમાજના ભલા માટે કરવામાં આવશે છે કે પછી છેતરપિંડી માટે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)