આયા શ્રાવણ ઝૂમકે... વ્રત, જપ, તપ અને ઉત્સવોનો અનેરો મહિનો.. જય ભોલે...

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 11th August 2021 04:13 EDT
 
 

સોમવાર, ૯ ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો. શ્રાવણ એટલે જપ, તપ અને વ્રતનો મહિનો, ભક્તિના રંગે રંગાવાનો પવિત્ર મહિનો. ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે દેવાધિદેવ મહાદેવને રીજવવાનો મહિનો, બમ બમ ભોલેના નાદ સાથે કાવડિયા પણ ગંગોત્રીથી ગંગાજળ લાવી કાશી વિશ્વનાથનો અભિષેક કરે છે. ભોલેનાથ શિવજી સાથે વિષ્ણુ અવતાર શ્રીકૃષ્ણનો પણ અનેરો મહિમા ગવાય છે. કુંવારી કન્યાઓ ગૌરીવ્રતનાં પારણાં કરે એ દરમિયાન શ્રીકૃષ્ણ ભક્તો મંદિરોમાં વિવિધ જાતના હિંડોળા સજાવી બાલગોપાલને પારણે ઝુલાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો વિવિધ જાતના મનોરથોનો મહિમા ગાતા ગાતા હિંડોળા શણગારે એ અતિ મનોહારી હોય છે.
આ શ્રાવણ મહિનામાંં ભારતના દરેક શહેરો-નગરોના શિવાલયો હરહર મહાદેવના નારાથી ગૂંજી ઊઠે છે, દરેક હિન્દુ ધર્મપ્રેમીઓ આ પવિત્ર મહિનામાં જળ, દૂધ, બિલ્વપત્ર, ફળ, ફૂલથી ભોલેનાથ પર શ્રધ્ધાભેર અભિષેક કરી શિવકૃપા મેળવે છે . શ્રાવણમાં ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય એની વચ્ચે શિવ ભક્તોનો જે મહેરામણ શિવાલયોમાં ઉમટે એ અમે નજરે દીઠો છે. શિવલીંગ પર અવિરત દૂધ, જળની ધારા સાથે જાત જાતનાં પુષ્પો, બિલ્વપત્રો અને કેળાં, ચીકુ, દ્રાક્ષ કે સાકરિયાના પ્રસાદ ભગવાન ભોલેનાથ સમક્ષ ધરાવ્યો હોય એની ઉપર સતત દૂધ-જળનો અભિષેક ચાલતો હોય, ફૂળ-ફુલ અને બિલ્વપત્રના ઢગ ઉપર માંખોનો જે રાફડો બમણતો હોય પણ ત્યાં બિરાજમાન ભોલેબાબા તો શાંતચિત્તે સમાધિષ્ટ અવસ્થામાં જ બેઠા હોય પણ સામે ગોખમાં બેઠેલાં મા પાર્વતી આ ગંદકી જોઇ મનમાં ચીડ અનુભવતાં જ હશે..!
 બે વર્ષ અગાઉ અમે શ્રાવણ મહિનામાં જ ગુજરાત ગયેલા ત્યાં અમારા ગુજરાત સમાચાર પરિવારની પરંપરા મુજબ અમે પહેલાં જ ભાદરણના મહાકાલેશ્વર મહાદેવમાં પૂજા કરવા ગયાં ત્યાં લાઇનબંધ ભૂદેવો રૂદ્રીપાઠ કરતા બેઠા હતા. પૂજા કરવા આવનાર ભક્તોને શિવાલય બહારથી જ પવાલી જેવા વાસણમાં ભરી રાખેલ દૂધનો અભિષેક કરવા પૂજારી નાનકડી લોટીમાં દૂધ આપતા હતા. ત્યાં અમારી સાથે આવેલા ડ્રાઇવરને એમ કે આ ભાંગનો પ્રસાદ હશે... પૂજારી પાસે જઇ એમણે લોટો ભરેલું દૂધ લીધું અને ત્યાંજ ઉભા ઉભા ગટગટાવી ગયા...! અમે અને પૂજારી બન્ને અચંબિત થઇ જોઇ રહ્યા....મેં કહ્યું, “અરર.. આ શિવલીંગ પર અભિષેક કરવા માટે દૂધ આપ્યું હતું... અને .. તમે ..! ગટગટાવી ગયા..! ત્યારે એ ભાઇએ જવાબ આપ્યો કે, “કાંઇ નહીં ભોલેબાબાએ મને કહ્યું તમે પીવો કે હું પીઉં બધું બરોબર...!! લ્યો.. સાંભળો… આપણા "બકાપ્રેમી" ગુજ્જુબંધુઓના હાજર જવાબ....!!
શ્રાવણ મહિનામાં કુંવારી કન્યાઓ સારો વર (પતિ) મળે અને પરણેલી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે એવી શ્રધ્ધા સાથે જયા પાર્વતી વ્રત, ફૂલ કાજરી, ચોખા કાજરી, કેવડા ત્રીજ,સોળ સોમવાર, ભાખરિયા સોમવાર, સાકરિયા સોમવાર, ગાયવ્રત એવાં જાતજાતનાં વ્રત ઉપવાસ કરી ભોલેનાથની અસીમ કૃપા મેળવવા શ્રધ્ધાભેર પૂજા કરતી હોય છે. ફૂલ કાજરીમાં શિવલીંગ પર પુષ્પોનો અભિષેક કરવો પડતો એ રીતે ચોખા કાજરીના વ્રતમાં એક પણ ચોખાનો દાણો તૂટેલો ના હોય એવા ચોખા ચડાવી વ્રત કરવાનું. કેવડા ત્રીજમા કેવડો ચડાવાતો. સોળ સોમવારમાં એક ટંક ખાઇને શિવજીની રોજ પૂજા-આરાધના કરવી પડે, સાકરિયા સોમવારમાં દર સોમવારે દિવસમાં એક જ વખત સાકરનો ફાકો મારી, પાણી પીને વ્રત કરવાનું, ભાખરિયા સોમવારમાં માત્ર ભાખરી ખાઇને જ સોળ સોમવાર કરવાના હોય. આવાં વ્રત, જપ અને તપથી સારો પતિ મળે એવી આપણી ધાર્મિક માન્યતા અને પરંપરાના જીગશોમાં માત્ર દિકરીઓને જ ગળથૂથીમાંથી આવા પાઠ કેમ શીખવાતા હશે..! એમાં દેવના દીધેલા દીકરાઓને કેમ બાકાત રખાયા છે…! કારણ... ! એમણે આ વ્રત, તપ અને જપની કઠિન પરીક્ષામાંથી પાસ થયેલી સુશીલ કન્યા ભવિષ્યમાં મળવાની જ છે.. એવું હશે..!? કેવો અન્યાય…! શ્રાવણ મહિનામાં વ્રતો સાથે અનેક તહેવારોની ભરમાળ ચાલુ થાય છે. શિવજી પર આખો મહિનો રૂદ્રી અભિષેક ચાલતો હોય ત્યાં શ્રાવણમાં બે શીતળા સાતમ આવે… એના આગલે દિવસે રાંધણ છઠ્ઠે ભાતભાતનાં ભોજન, ફરસાણ અને મીઠાઇ બનાવવામાં લગભગ આખો દિવસ બહેનો રસોડે જ વિતાવે… બીજા દિવસે શીતળામાની પૂજા કરી ઢેબરા, પૂરી, વડાં, ગળી પૂરી, તીખી પૂરી, ગળ્યા-તીખા શક્કરપારા, ઘારી, ઘેબર ને લાડુની જમાવટ થાય. એ પછી આવે ભાઇ-બહેનના અતૂટ સ્નેહનું પાવન પર્વ રક્ષાબંધન, એના પગલે ગોકુળીયામાં જન્મેલા ભગવાનશ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી… 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી'ના ગગનભેદી નારા સાથે નંદોત્સવ ઉજવાય.
 ધાર્મિક પર્વોમાં ઉપવાસનું મહત્વ
 આયુર્વેદ કહે છે કે ચોમાસામાં પાચન શક્તિ મંદ થાય છે, ભૂખ ઓછી લાગે. આયુર્વેદમાં ઉપવાસ દ્વારા શરીરમાંથી ઝેરી તત્વો કાઢવાની વાત કરવામાં આવી છે. સ્વાસ્થ્ય માટે આને સૌથી સારી ઔષધી માનવામાં આવે છે. ઉપવાસ શરીરને અસરકારક અમૃત માનવામાં આવે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઉપવાસનું વધારે મહત્વ છે. જોકે, દુનિયાના બધા જ દેશોમાં ઉપવાસનું મહત્વ હોય છે. પરમેશ્વરની આરાધના માટે કે ધાર્મિક આસ્થા માટે બધા ધર્મોમાં કોઈને કોઈ અલગ રૂપ ઉપવાસનું મહત્વ છે. જપ, તપ અને વ્રતોથી ભરપૂર આપણા આ શ્રાવણ મહિનામાં આપણે વ્રતો કરી ભગવાન ભોલેનાથ અને નંદગોપાલ શ્રીકૃષ્ણની કૃપા મેળવવા આપણે ઉપવાસ આદરીએ છીએ પણ મનમાં એક સવાલ થાય છે કે શું ખરેખર આપણે ઉપવાસ કરીએ છીએ ખરા?!!
મને યાદ છે મારાં સાસુમા બારેય મહિનાની અગિયારસ અને જન્માષ્ટમીનો અચૂક ઉપવાસ કરે પણ એ કેવો રૂડો!! અમારે ત્યાં એ દિવસે સવારથી રસોડે ફરાળી રાજભોગ તૈયાર કરવા મંડી પડવાનું…! એ ફરાળમાં બટેટા ને પીનટ નાખેલી સાબુદાણાની ખીચડી, સિંધવ ને લીલાં મરચાં નાખેલું બટેટાનું શાક, દહીં, સાબુદાણાનાં વડાં, રાજગરાનો શીરો, સિંગોડાની પૂરી, શીખંડ, મોરીયો ને સાથે ભરપૂર દહીં સાથે મહાભોગ આરોગવાનો મળે. આ બપોરના ભાણે બરોબર ઝાપટયું હોય એ પછી ભરેલા પેટને પગ ઉપાડવાની મનાઇ કરે એટલે બે-ચાર કલાક આડા પડવાનું. ચારેક વાગ્યે ઉઠી ચ્હા પીવાની અને સાંજે ઉપવાસી અમારાં પૂજ્ય બા સાબુદાણા કે બદામ-પીસ્તાં સાથે ઉકાળેલું દૂધ ગટગટાવે...! સાથે એકાદ જુગુપાક (મગફળી પાક) કે માવાયુક્ત બરફીનું ચકતુંય અડાડે...!! બોલો કેવો મસ્ત મજાનો, આનંદદાયક ઉપવાસ કહેવાય..!
અરે...બા'ની વાત છોડો... અમે ૧૦-૧૨ વર્ષના હતા ત્યારથી જ અમને અમારી બા ગૌરીવ્રત કરાવતી અને એ પાંચ વર્ષે પૂરા થાય પછી જયાપાર્વતી વ્રત કરાવતી. એમાં પાંચ દિવસના ઉપવાસમાં અમને મોજ પડી જતી. મારી બા બિચારી...! અમે ભૂખ્યા (?) રહેવાના હોવાથી પાંચ દિવસ રોજ નવી નવી ફરાળી આઇટમો બનાવતી. એ એકટાણા વ્રતમાં બપોરે ફરાળી આઇટમોમાં રસ-પૂરી, શ્રીખંડ-પૂરી, શીરો, લાપસી, ગુલાબ જાંબુ, રસગુલ્લાં, રોટલી અને કયારેક તો દરિયાઇ ખારી ભાજીનાં મરી નાંખેલા ભજીયાં ય ખાવા મળતાં. એ બપોરે ખાઇને નાના બાળકની જેમ ઉભા થયા વગર ઘસરણિયાં કરીને ચાર-પાંચ વગાડવાના અને ફરી પાંચેક વાગ્યે ગળીપૂરી કે ગળી ભાખરી સાથે ચ્હા પીને ઉભા થવાનું...!! એ વ્રતોના ઉપવાસ દરમિયાન આખો દિવસ અખરોટ, કાજુ, મગફળી, રાજગરાની સીંગ, આલુ, ખારેક આરોગવાના મળે એ જુદા…! બોલો… મજા આવે કે નહિ...!!?
આ શ્રાવણ મહિનો શરૂ થયો એના આગલે દિવસથી જ સોશ્યલ મિડિયા પર અમને અમારા એક સ્નેહીજને એકટાણા ઉપવાસની ફરાળી આઇટમોની રેસીપી મોકલી આપી છે. આવી આઇટમો કદાચ ભૂલથી કૈલાસ નિવાસી કે વૈકુંઠવાસી સુધી પહોંચી જશે તો હર ને હરિ બન્ને આ દંભી માનવજગતની હાંસી ઉડાવી કહેશે કે આ પૃથ્વીલોકના માનવી બહુ ઉસ્તાદ...! ભૂખ્યા રહેવાનો ડોળ કરી આપણને ઉલ્લુ બનાવતા લાગે છે. એમાંય ભોળપણમાં ભોળવાઇ જતા ભોલેનાથ તો તમને ખબર છે…. ને?! ઉપવાસી (?) ભકતની સજળ આંખ ને કરૂણ મુખાક્રૃતિ જોઇ તરત જ તથાસ્તુના આશીર્વાદ આપી દેતા હોય છે. પણ વાંસલડીધારી આપણો કાનુડો કોઇનાથી બને નહિ હોં, શ્રાવણમાં વિવિધ જાતના હિંડોળે ઝુલતો ઝુલતો એ સાકર-મિશરી આરોગતો હશે અને ઉપવાસી ભક્તોની આવી કષ્ટદાયક તપશ્ચર્યા જોઇ મંદ મંદ મૃદુ સ્મિત વેરતો હોય એવું લાગે..!
આ કહેવા પાછળ અમે આપણા ધર્મ કે સંપ્રદાયની માન્યતાઓ, પરંપરાની અવહેલના કે અપમાન કરવા માંગતા નથી પણ આપણા ધર્મશાસ્ત્રોમાં જે સૂચવ્યું છે એનો બરોબર મર્મ, અર્થ સમજી,વિચારી પૂજા કે એકટાંણા ઉપવાસ કરીએ જે આયુર્વેદિક દ્રષ્ટિએ હિતાવહ ગણાય. સોશ્યલ મિડિયા પર ગુજરાતથી ડાયરેક્ટ અમને મળેલી કેટલીક ફરાળી વાનગીઓનું અચંબિત કરે એવું લીસ્ટ મળ્યું છે એમાં ફરાળી હાંડવો, કેળાંના પકોડા, મોરૈયાના દહીંવડાં, રાજગરાનાં વડાં, સુરણની ખીચડી, ફરાળી પાતરાં, ફરાળી માલપુવા, ફરાળી સેવપુરી, પનીર ડ્રાય-ફ્રૂટ રોલ, સાબુદાણાની કટલેસ, ફરાળી પુરણપોળી, સાબુદાણાનાં વડાં….!! વાંચક વડીલો, ભાઇ-બહેનો મોંઢામાં પાણીના ઝરા ફૂટ્યા ને..! તો લ્યો બહેનો… આ બધી ફરાળી આઇટમોની રીત વાંચો અને શ્રાવણ મહિનામાં રોજ બનાવવા માંડો. એ વાંચી તમને ચોક્કસ એકટાણું કરવાનું મન થઇ જ જશે..! સૌને જય બમ..ભોલે.. જયશ્રીકૃષ્ણ..
તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગીનો ખજાનો
શ્રાવણ માસમાં ઉપવાસ કરો અને આપણાં સૌના ઈષ્ટ દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરો
• ફરાળી હાંડવો
*સામગ્રી:* બટાકા ની છીણ એક કપ, પલાળેલા સાબુદાણા, રાજગરો અડધો કપ, શિંગોડા નો લોટ અડધો કપ, સિંગદાણા નો ભૂકો ૨ ચમચી, ૧ ચમચી દહીં, ખાંડ, આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી, લાલ મરચું, અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો, સ્વાદાનુસાર મીઠું.
*રીત:* ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું, હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું, ૧ ચમચી તલ નાખવા, લીમડો નાખવો પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું, ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે.
• મોરૈયાના દહીંવડા
*સામગ્રી:* - ૧૦૦ ગ્રામ બાફેલો મોરૈયો, ૩ ચમચી શિંગોડા નો લોટ, ગ્રીન ચટણી, ખજુર-આંબલી ની ચટણી, મસાલા વાળું દહીં,
*રીત:* બાફેલો મોરૈયો લઇ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્ષ કરી તેના ગોળા વાળવા, તેલમાં ચમચા થી લઇ તળી લેવા , પ્લેટ માં ઠંડા કરવા, પછી સહેજ દબાવવા, પછી તેમાં ગ્રીન ચટણી (સિંગ, કોથમીર, લીલા મરચા, લીંબુ અને ખાંડ) નાખવી, તેના પર ખજુર-આંબલી ની ચટણી નાખવી, પછી તેમાં મસાલા દહીં (મીઠું-મરચું -ખાંડ) નાખવું. કોથમીર નાખી સર્વ કરવું.
• કેળાના પકોડા
*સામગ્રી:* - ૨ પાકા કેળા, અડધો કપ શિંગોડા નો લોટ, મીઠું, શેકેલું જીરા પાવડર અડધી ચમચી, આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી, દહીં ૨ ચમચી,
*રીત:* પાકા કેળા ના ટુકડા કરી, બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવી દેવા, હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
• રાજગરાના વડા
*સામગ્રી:* - રાજગરા નો લોટ ૧ બાઉલ, મસળેલા કેળા ૪ નંગ, આદુ-મરચા ની પેસ્ટ, તલ-કોથમીર-લીંબુ નો રસ, દળેલી ખાંડ,
*રીત:* રાજગરા ના લોટ માં ઉપરની સામગ્રી મિક્ષ કરી કઠણ લોટ બાંધવો, થેપી ને વડા કરવા. કડાઈ માં તેલ મૂકી, લાલાશ પડતા મીડીયમ તાપે તળવા. ડીશ માં તળેલા મરચા , બટાટા ની વેફર કે કાતરી સાથે સર્વ કરવા.
• સુરણની ખીચડી
*સામગ્રી:* - ૨૫૦ ગ્રામ સુરણ છોલીને છીણેલું, (પાણી માં ૧ કલાક રાખવું ) લીલા મરચા, લીમડા ના પાન, સિંગ નો ભૂકો ૫૦ ગ્રામ, ખાંડ, મીઠું,
*રીત:* - કડાઈ માં ૪ ચમચી તેલ મૂકી ગરમ કરવું, જીરું નો વઘાર કરવો, લીમડો નાખવો તેમાં ૨ લીલા મરચા, તથા લવિંગ-તજ નો ભૂકો નાખવો. પછી તેમાં છીણેલું સુરણ નાખવું, સિંગ નો ભૂકો નાખવો. મીઠું અને પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું. ચડવા આવે એટલે ખાંડ ૧ ચમચી નાખવી, અને છેલ્લે લીંબુ નો રસ ૧ ચમચી નાખવો, ડીશ માં કાઢી દહીં સાથે સર્વ કરવું.
• ફરાળી પાતરા
*સામગ્રી:* - રાજગરા નો લોટ ૧ બાઉલ, મોરૈયા નો લોટ ૧ બાઉલ, દોઢ ચમચી લીંબુ નો રસ, લાલ મરચું ૨ ચમચી, ખાંડ, અળવી ના પણ ૩ નંગ, મીઠું
*રીત:* - ૧ બાઉલ માં રાજગરા નો લોટ, મોરૈયા નો લોટ મિક્ષ કરી તેમાં લીંબુ નો રસ, મીઠું, લાલ મરચું, અને ખાંડ નાખી ખીરું તૈયાર કરવું . અળવી ના પાન ઉપર તે ખીરું ચોપડવું પછી તેના રોલ વાળી બાફવા, ઠંડા પડે પછી કાપવા. કડાઈ માં તેલ મૂકી જીરું, તલ, લીલા મરચા નાખી પાતરાને વઘારવા. નીચે ઉતાર્યા પછી તેના પર દાડમ ના દાણા, અને કોપરા ની છીણ નાખી સર્વ કરો.
• સાબુદાણાના વડા
*સામગ્રી:* - બાફેલા બટાકા નો માવો (૬ બટાટા), શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો અડધો બાઉલ, કોથમીર-મરચા ની પેસ્ટ ૨ ચમચી, દોઢ ચમચી લીંબુ નો રસ, મીઠું, આઠ થી દસ કલાક પલાળેલા સાબુદાણા ૧ બાઉલ,
*રીત:* - બટાટા ના માવા માં શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો, કોથમીર-મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ, મીઠું, મિક્ષ કરી દેવું, છેલ્લે પલાળેલા સાબુદાણા ૧ બાઉલ નાખવા, હાથથી થેપી ને ગોળ વડા તૈયાર કરી તળવા.
• ફરાળી માલપુવા
*સામગ્રી:* - સાબુદાણા નો લોટ, મોરૈયા નો લોટ, શિંગોડા નો લોટ, રાજગરા નો લોટ, (દરેક લોટ ૪ ચમચી) શેકેલો દૂધ નો મોળો માવો ૩ ચમચી, એલચી પાવડર ૨ ચમચી, કાજુ પાવડર ૨ ચમચી,
*રીત:* - બઘા લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું. પછી સ્ટફિંગ તૈયાર કરવા, શેકેલો દૂધ નો મોળો માવો, એલચી પાવડર, કાજુ પાવડર મિક્ષ કરો, કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું, થોડીવાર પછી ઉથલાવવું, ઉથલાવ્યા પછી તેના પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી જે તૈયાર કરેલો માલપુવો છે તે મૂકી દેવો. હળવા હાથે સહેજ દબાવવું, હવે તેને ઉતારી બદામ-પીસ્તાની કતરણ નાખી સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter