આશા રાખીએ... આપણેય અવકાશમાંથી પૃથ્વીમાતાની ઝાંખી કયારેક તો કરીશું !!

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Tuesday 22nd June 2021 04:28 EDT
 
 

હમણાં સ્થાનિક રેડિયો પર જાવેદ અલીએ ગાયેલું ફિલ્મ ગીત સાંભળ્યું "આસમાન પર અક્ષર તુમ્હારે પૈરો કે નિશાન દેખતે હૈ…" લ્યો.. પ્રેમીને વગર અવકાશયાને પ્રેમિકા આકાશમાં ફરતી દેખાય છે !! બીજું હિન્દી ગીત "આસમાન કો છૂ કર મૈં ચાંદ લે આઉંગા, તેરે માથે પે સજાઉંગા" ત્યારે સામે પ્રેમિકા કહે છે "મૈ તારે તોડકર માલા બનાઉંગી ઓર તેરે ગલમેં પહેનાઉંગી" લ્યો.. બોલો…! આ પ્રેમલા-પ્રેમલી જાણે ચાંદો ને તારા અેમના ઘરની છત પર લટકતા હોય એવી સહજતાથી હ્દયભાવ રજૂ કરતા હોય છે, જેમાં કાંઇ દમ જ ના હોય, નર્યો દંભ જ હોય. આવા ગીતો લખનાર કવિઓના માનસપટ પર આકાશનો ચાંદો અને તારા કેટલા નજીક તરતા હશે!! કહેવાય છે ને "જયાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ"
આવા એક અમેરિકન અરબપતિએ બાળપણ કે યુવાવસ્થામાં આવાં કોઇક હિન્દી સોંગ્સ સાંભળ્યા હશે એટલે એ હવે એમનું સપનું સાકાર કરવા પૃથ્વી માથે અવકાશમાં જવાની તૈયારી કરી રહ્યા છે. એમનું નામ છે જેફરી પ્રેસ્ટન બેઝોસ. જેફ બેઝોસ પોતાના બાળપણના સપનાને સાકાર કરવા જુલાઇની ૨૦મીએ પોતાની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટથી અંતરિક્ષની યાત્રાએ જશે. બેઝોસ સાથે એમનો ભાઇ માર્ક પણ અંતરિક્ષયાત્રામાં જોડાશે. જેફ અને માર્ક બેઝોસ સાથે જનાર બીજા બે ક્રૂ મેમ્બર જોડાઇ સ્પેસક્રાફ્ટમાં શૂન્યાવકાશમાં ફલોટ (તરશે) થશે અને ૧૧ મિનિટ સુધી પૃથ્વીને નિહાળશે.
જેફરી પ્રેસ્ટન એટલે આ ભઇલો આપણા લેંકેશાયરવાળા પ્રેસ્ટન નગરમાં જન્મેલો નથી. એમના દાદા પરદાદા કદાચ પ્રેસ્ટનથી વર્ષો પૂર્વે અમેરિકા જઇને સેટલ થયા હોય તો કહેવાય નહિ… હોં! એ માટે આપણે ઇતિહાસ ઉથામવો પડે કે વહિવંચો વાંચવો પડે.મળતા સમાચાર મુજબ આ જેફરી બેઝોસ અમેરિકાના આલ્બાકાર્કીમાં જન્મેલા, હ્યુસ્ટનમાં ઉછરેલા અને પ્રિન્સ્ટન યુનિ.માં ભણેલા છે. જેફરી ઉર્ફે જેફ બેઝોસ એ એમેઝોન કંપનીના સ્થાપક અને CEO છે અને મીડિયા પ્રોપરાઇટર (વોશિંગ્ટન પોસ્ટના માલિક) પણ છે.
ગયા શનિવારે જેફ બેઝોસે એમની આ અવકાશી યાત્રાના સહપ્રવાસી બનવા ૨૮ મિલિયન ડોલરની ટિકિટના ઓકશનની જાહેરાત કરતા એક જણે ૨૦ મિલિયનમાં એક ટિકિટ ખરીદી. બ્લુ ઓરિજિનમાં ચાર સીટો છે હજુ એક અવકાશયાત્રીની પસંદગી ૨૦ જુલાઇ પહેલાં થશે. પૃથ્વીના આવરણમાંથી બ્લુ ઓરિજિનને અવકાશમાં લઇ જવા માટે રીયુસેબલ રોકેટ શેપર્ડનો ઉપયોગ કરાશે. એસ્ટ્રોનટ એલન શેપર્ડના નામ પરથી આ ફરી વાપરી શકાય એવું રોકેટ શેપર્ડ બનાવાયું છે.
દુનિયાના સૌથી મોટા પૈસાદાર બેઝોસની પાસે ૧૯૦ અરબ ડોલરની સંપત્તિ છે. તે ઈચ્છે તો પોતાના ઝડપી ચાલતાં પ્રાઈવેટ જેટની મદદથી આખી દુનિયાને માપી શકે છે. બેઝોસની પાસે આલીશાન યોટ છે. જેની મદદથી તે ઈચ્છે ત્યારે દુનિયાના કોઈપણ સમુદ્રમાં મુસાફરી પર નીકળી શકે છે. બેઝોસ પોતાના પરિવાર અને દોસ્તો માટે એક આખો ટાપુ ખરીદી શકે છે. અને ત્યાં એશો-આરામથી જિંદગી વિતાવી શકે છે. આ બધી સંભાવનાઓ હોવા છતાં જેફ બેઝોસ માત્ર ૧૧ મિનિટની મુસાફરી માટે આ મોટું જોખમ લઈ રહ્યા છે. તેમાં બેઝોસનો જીવ પણ જઈ શકે છે.
આપણને હેરત પમાડે એવી વાત તો એ છે કે ૭ જૂને સમાચાર માધ્યમોમાં જેફ બેઝોસે એમની અંતરિક્ષ યાત્રા વિષે જાહેરાત કર્યા પછી તરત ૫૬૦૦૦થી વધુ લોકોએ આ પૃથ્વી પરના કુબેરભંડારી સામે પીટીશન કરી છે કે જેફ બેઝોસ અંતરિક્ષમાં ગયા પછી પૃથ્વી પર પાછા ના આવે!! અરરર… દુનિયા કેવી છે?! એક ગેરેજમાં નાના પાયે બીઝનેસ શરૂ કરનાર જેફની બુધ્ધિકુશળતાએ એને પૃથ્વી પરનો સૌથી ધનિક બનાવ્યો… એના સ્વાશ્રયે શ્રી અને સિધ્ધિ વર્યાં.. એમાં પીટ્યા અસંતુષ્ટોના પેટમાં શેની બળતરા થતી હશે તે બિચારાને પૃથ્વી પર પાછો ના આવે એની પ્રાર્થના કરતા હશે!!
જેફ બેઝોસની આ અવકાશ યાત્રા સફળ રહી તો સમજો એક નવાયુગનો આરંભ થશે. તમે વિચારો ૬૦ના દાયકામાં ટેલિવીઝન આવ્યાં એ પછી ૮૦ના દાયકામાં કમ્પયુટર યુગ શરૂ થયો ત્યારે આપણે આ નવા પરિમાણો જોઇ કેવા અચંબિત થતા હતા! એવું આ અવકાશ યાત્રાનું થશે. આઠ-દશ વર્ષ જવા દો પછી આ જેફભાઇની અવકાશી યાત્રા રંગ લાવશે. વખત જતાં ચાર ને બદલે વધારે સીટો વાળું રોકેટ ઉડશે.. અને એમાં આપણેય .. એટલે કે ગૌરવવંતા ગુજરાતીઓય કયારેક તો જઇશું ખરા ને?!
અત્યારે લંડનથી અમદાવાદની ફલાઇટમાં આપણે જઇએ ત્યારે નર્યા ગુજરાતી સહપ્રવાસીઓ સાથે ગામગપાટા મારતા કેવા જોતજોતામાં અમદાવાદ પહોંચી જઇએ છીએ? એ પ્રવાસ દરમિયાન આપણા માસીલોક રસ્તામાં ખાવા માટે ઘરેથી કેવી ગુજરાતી આઇટમો લઇ આવે છે? એમના હેન્ડલગેજ નહિ પણ હાથના થેલા જેવા પર્સમાથી ઢેબરાં, થેપલાં, ઓઢવો, તીખી-ગળી પૂરીઓ અને સાથે ગોળકેરીનું અથાણું ને છૂંદાની મોજ માણવા મળે.. એવું સમજો કે દશ-બાર વર્ષ પછી આ જેફભાઇની અવકાશી યાનની યાત્રા દરમિયાન જોવા મળશે. અત્યારે તો ૧૧ મિનિટ અવકાશમાંથી પૃથ્વીનું દર્શન થાય છે પણ એ આવનારા નવાયુગમાં કલાકેક અવકાશી યાત્રા કરતા હોઇશું એ દરમિયાન કદાચ કલાકેકનો સમય લઇને અવકાશયાન આપણને પૃથ્વીમાતાની પ્રદક્ષિણા કરાવેય ખરું…! શૂન્યાવકાશને લીધે અવકાશયાનમાં ઉડતા ઉડતા ફૂલ-ચોખા વડે પૃથ્વી માતાને અને પૂૃ્ર્ણિમાનો ચંદ્ર દેખાતો હશે તો એને પણ ભક્તિભાવથી વધાવીશું અને પ્રસાદ રૂપે મેવા-મિઠાઇ સાથે આપણી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓની મોજ અવકાશી સહપ્રવાસીઓને ય કરાવીશું.
આપણે સૌ ૨૦ જુલાઇની રાહ જોઇએ અને જેફભાઇને વેસ્ટ ટેકસાસના બેઝ પરથી ચાર સીટવાળા બ્લુ ઓરિજિનમાં અવકાશ તરફ જતા જોઇએ. એમનું બ્લુ ઓરિજિન ન્યુશેપર્ડ રોકેટ દ્વારા રણમાંથી ઉડશે અને ૧૧ મિનિટમાં ટેકસાસના રણમાં પરત ફરશે એ ટી.વી પર નિહાળીશું. ગૂડ લક જેફભાઇ અને અમારા સૌ માટેય આગળ વિચારતા રહેજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter