બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે મા અંબા ભવાનીનો મેળો યોજાય છે. અંબાજીમાં દર પૂનમે મેળા જેવું વાતાવરણ હોય છે. દર પૂનમે માનવમેદની મા અંબાનાં દર્શને અહીં પધારે છે. ખાસ કરીને કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂર્ણિમાએ અહીં મોટો મેળો યોજાય છે. જેમાં ભાદરવી પૂનમનો મેળો ખૂબ મહત્ત્વ ધરાવે છે.
ભારતીય સંસ્કૃતિમાં મેળો એ લૌકિક અને લોકપ્રિય અંગ છે. આપણી સંસ્કૃતિમાં વર્ષભરમાં આવા અનેક તહેવારો ઉત્સવો પૂરી આસ્થા અને શ્રદ્ધાથી ઊજવાય છે. મેળો એટલે માનવમહેરામણ. આવા મેળામાં માણસ પોતાની નાત-જાત-ભેદભાવ ભૂલી જઈને, પોતાની કક્ષા ભૂલી જઈને મુક્તમને નાચતો-ગાતો એ સ્થાનમાં વિહાર કરતો જોવા મળે છે. આવા મેળામાં માનવોનું વિવિધરંગી વ્યક્તિત્વ નિખરે છે.
આપણા સહુનાં મગજમાં મેળો એટલો ચકડોળ, ખાણીપીણી, મોજ-મસ્તી જ યાદ આવે. પણ આ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો એ તો ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે.
મા અંબાના મેળાનો સમયગાળો અને મેળાનું વાતાવરણ
ભાદરવા સુદ બીજથી શરૂ કરીને મા અંબાનો પ્રાગટ્યદિન ભાદરવા સુદ પૂનમ (આ વર્ષે 17થી 29 સપ્ટેમ્બર) સુધી આ માનવમહેરામણ પગપાળા યાત્રા કરીને મા અંબા ભવાનીના સાંનિધ્યમાં પધારે છે. ખાસ કરીને ભાદરવા સુદ તેરસ-ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ લાખો શ્રદ્ધાળુઓ અને માઈભક્તો આ પવિત્ર વાતાવરણમાં દર્શન કરવા ઉમટી પડે છે. ઘણા માઈભક્તો તો પદયાત્રા કરીને પધારે છે અને મા અંબાના ચરણમાં માથું ટેકવીને ધન્યતા અનુભવે છે. પશ્ચિમ ભારતના સૌથી પ્રમુખ અને મોટા અંબાજી ધામમાં માત્ર ગુજરાતના જ શ્રદ્ધાળુઓ નહીં પરંતુ ભારતભરમાંથી વિવિધ પ્રાંતમાંથી સર્વ ધર્મ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ અને માઈભક્તો હજારોની સંખ્યામાં પદયાત્રા કરતાં કરતાં અહીં પધારે છે. એવો મોટો માનવમહેરામણ એટલે જાણે કે હૈયેહૈયું દળાતું ન હોય? એવો અહેસાસ થાય. કોઈ શ્રદ્ધાળુઓ તો દંડવત્ પ્રણામ કરતાં કરતાં અહીં પધારે છે. વિવિધ ક્ષેત્રના શ્રદ્ધાળુઓ માઈમંડળો માતાજીની ગરબી લઈને વાજતેગાજતે માની પુકાર કરતાં કરતાં અહીં પધારે છે. મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓના પગમાં વિશિષ્ટ જોમ હોય છે. અતિ ઉત્સાહમાં મનમાં, શરીરમાં, પગમાં એક અપ્રતીમ શક્તિ સાથે માના ગગનભેદી જયઘોષ. ‘બોલ મારી અંબે જય જય અંબે’ સાથે માના ચાચર ચોકમાં પધારે છે. કોઈ મંડળ તો રથમાં મા અંબાને પધરાવીને
અહીં અંબાજી પહોંચે છે. શ્રદ્ધાળુઓ અને માઈભક્તોના હાથમાં ફરકતી, લહેરાતી ધર્મ ધજા, કપાળે મા અંબાનો ખેસ, ગળામાં મા અંબાનો ખેસ ધારણ કર્યો હોય અને મુખમાંથી મા અંબાના નામનો જયઘોષ સમગ્ર માહોલને અતિ મનમોહક બનાવે છે. આ મેળામાં બાળકો, પતિ-પત્ની, વયસ્કો સહુ કોઈ માનાં દર્શન માટે આતુર થતાં નજરે પડે છે.
મા અંબાના મેળામાં સગવડ
ભાદરવી પૂનમ મા અંબાના પ્રાગટ્યદિનના મેળામાં શ્રદ્ધાળુઓ અને માઈભક્તો માટે અહીં ઘણી ઘણી સગવડ ઊભી કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતભરમાંથી અહીં પધારવા માટે ઘણાં સ્થળેથી બસ સુવિધા ઊભી થાય છે. યાત્રિકોના વિશ્રામ માટે હંગામી ધોરણે વિશ્રામસ્થળ અને પંડાલ ઊભા કરાય છે. ભોજન પ્રસાદ માટે પણ ઘણી સેવાભાવી સંસ્થાઓ વ્યવસ્થા ઊભી કરે છે. સેવાભાવી સંસ્થા અને ટ્રસ્ટીઓ વતી હેલ્થ સેન્ટર પણ થોડાં થોડાં અંતરે ઊભાં કરાય છે. મા અંબાના આ મેળામાં શ્રદ્ધાળુઓ યાત્રિકો અને માઈભક્તોને જરા પણ અગવડ જણાતી નથી.
મેળામાં ધાર્મિક વાતાવરણ
મા અંબાજીના આ મુખ્ય મંદિરમાં કોઈ મૂર્તિ નથી. અહીં વિસાયંત્રની પૂજા-આરાધના કરવામાં આવે છે. મંદિર ઉપર સુવર્ણજડિત કળશોથી માની શોભા અપરંપાર જણાય છે. વિસાયંત્રને છત્ર, આભૂષણ મુગટ અને વિવિધ ફૂલોના શણગાર કરી શોભાયમાન કરવામાં આવે છે. આ મંદિરમાં સવારમાં બાળા, બપોરે યુવતી અને સાંજે વૃદ્ધા એમ ત્રણ સ્વરૂપનાં દર્શન થાય છે. સાત દિવસનાં જુદાં જુદાં વાહનો જેમાં વાઘ, નંદી, ઐરાવત હાથી, હંસ, ગરૂડ, સિંહ અને નીચી સૂંઢનો હાથી આ રીતે માતાજીની સવારીનાં દર્શન થાય છે.
ભૂદેવો બહુ ઊંચા સ્વરમાં શક્રાદય સ્તુતિનું પઠન કરી માની પ્રાર્થના કરે છે. ઘણા બ્રાહ્મણો, શ્રદ્ધાળુઓ દુર્ગા સપ્તશતિના પાઠ કરે છે. વિશ્વંભરી સ્તુતિ અને માના ગરબાઓનું ગુંજન આ મેળામાં કાને સંભળાય છે. ચાચર ચોકમાં અનેક મંડળો દ્વારા ગરબા ગાયન અને ગરબા રમવાનાં વિશિષ્ટ આયોજનો થાય છે. વિવિધ સંઘો દ્વારા ભવાઈ તથા રાસ-ગરબાનાં આયોજનો પણ થાય છે. ઢોલ-પખવાજ, ત્રાંસા શરણાઈ અને તબલાના તાલે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ ગરબે ઝૂમે છે. ગામના લોકો આ મેળા દરમિયાન પોતપોતાનાં ઘરો-દુકાનો અને મુખ્ય માર્ગો પર શણગાર અને રોશની કરીને અંબાજી ગામને શણગારે છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં ભાદરવી પૂનમનો આ અંબાજીનો મેળો આસ્થા - શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓ, માઈભક્તો આ મેળામાં જઈને મા અંબાનાં ગુણગાન ગાઈને, મા અંબાના સાંનિધ્યમાં રહીને ધન્યતા અનુભવે છે.