લંડન: 1989માં ધરણા કરી રહેલી મહિલાઓને હટાવવા પોલીસ ત્રાટકી હતી. આ મહિલાઓ સડકો પર રેકડી લગાવીને રોજગાર મેળવતી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને સડકો પરથી હટાવવા માગતી હતી. કોર્પોરેશનના આ નિર્ણયને કારણે આ ગરીબ મહિલાઓની આજીવિકા છિનવાઇ રહી હતી. આ આંદોલનકારી મહિલાઓના યુનિયનના આગેવાને કોર્પોરેશનના અધિકારીઓ સાથે બે કલાક દલીલો કરી હતી. પોલીસ ભારતના સૌમ્ય ક્રાંતિકારી મહિલા એક્ટિવિસ્ટ સામે પગલાં લઇ રહી હતી.
ભારતને મહિલા શક્તિનો પરિચય કરાવનાર ઇલાબેન રમેશભાઇ ભટ્ટ નવેમ્બરના પ્રારંભે અનંતની સફરે ચાલી ગયાં. ગરીબ વર્ગની મહિલાઓ માટે સ્વનિર્ભર બનવાનો મંચ તૈયાર કરનાર ઇલાબેન ભટ્ટે સમાજમાં ગરીબીના ઉન્મૂલન માટે અથાક પ્રયાસો કર્યાં. મહિલા સશક્તિકરણના તેમના પ્રયાસોએ તેમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી. નેલ્સન મંડેલાથી માંડીને હિલેરી ક્લિન્ટન સુધીના વૈશ્વિક નેતાઓ તેમના પ્રશંસક રહ્યાં છે.
ઇલાબેન ભટ્ટનો જન્મ વર્ષ 1933માં ગુજરાતના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. જીવનના પ્રારંભિક કાળમાં તેઓ બ્રિટિશ સરકાર સામે ચાલી રહેલા સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થયાં. તેમણે સુરતમાં શાળા અને કોલેજ સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ અમદાવાદ આવીને કાયદાશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યું. તેમણે પોતાના સહાધ્યાયી અને વિદ્યાર્થી નેતા રમેશભાઇ ભટ્ટ સાથે લગ્ન કર્યાં હતાં. કાયદાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તરત તેઓ મજૂર સંઘની લીગલ ટીમમાં સામેલ થયાં અને કામદારોના અધિકારોની લડતમાં સામેલ થઇ ગયાં હતાં. 2010માં એક સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, તે સમયે અમે આપણા દેશનું પુનઃનિર્માણ કરી રહ્યાં હતાં અને સભ્ય સમાજની સ્થાપના ઇચ્છતા હતાં.
મજૂર સંઘ વતી અધિકારોની લડત દરમિયાન ઇલાબેનને અનુભૂતિ થઇ હતી કે મોટાભાગના કામદારો યુનિયનના સભ્યો નથી તેથી તેમને શોષણ સામે પુરતું સંરક્ષણ પ્રાપ્ત થતું નથી. આ અસંગઠિત સેક્ટરમાં મોટાભાગની મહિલાઓ સામેલ હતી જેઓ ઘરમાં જ હસ્તકલાનું કામ કરતી, સડકો પર રેંકડીઓ લગાવીને નાના વેપાર કરતી કે ખેતરોમાં કામ કરતી હતી. તેમની સ્થિતિમાં સુધારા માટે ઇલાબેને 1972માં સેલ્ફ એમ્લોય્ડ વિમેન્સ એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી હતી. આ દેશનું સૌપ્રથમ કામ કરતી મહિલાઓનું સંગઠન હતું. મહિલા કામદારો વ્યક્તિગત રીતે એકલવાયી અને નિઃસહાય હતી. ઇલાબેન કહેતાં હતાં કે યુનિયનની રચના કરીને મહિલાઓએ પહેલીવાર પોતે કામદારનો દરજ્જો ધરાવતો હોવાનો દાવો કર્યો હતો. એક દાયકામાં 6000 સભ્યો સેવામાં જોડાયાં હતાં પરંતુ આજે સેવા બે કરોડ 10 લાખ સભ્યો ધરાવતું ભારતનું સૌથી મોટું યુનિયન છે. સેવા દ્વારા મહિલાઓને આરોગ્યથી માંડીને તાલીમ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઇલાબેન ભટ્ટ બે દાયકા કરતાં વધુ સમય સેવાના મહાસચિવ રહ્યાં હતાં. તેમના અંતિમ સંસ્કારમાં હજારોની સંખ્યામાં સેવાની સભ્ય બહેનો અમદાવાદ પહોંચી હતી.
ઇલાબેન કહેતાં હતાં કે ગરીબોની તરફેણમાં સત્તાનું સંતુલન ઝૂકે તો તે સમાજના અમીર અને શક્તિશાળી લોકોને પસંદ આવતું નથી. તેના કારણે સેવાને સતત શ્રીમંત ખેડૂતો, શાહુકારો, કોન્ટ્રાક્ટરો, મોટા વેપારીઓ અને સરકાર તરફથી સતત તણાવનો સામનો કરવો પડતો હતો. ઇલાબેન અસંગઠિત સેક્ટરના કામદારોને માન્યતા આપવાનો ઇનકાર કરતા પુરુષોનું આધિપત્ય ધરાવતા યુનિયનો સાથે પણ સંઘર્ષમાં ઉતર્યાં હતાં.
ઇલાબેન સારી રીતે જાણતા હતા કે ગરીબી નાબૂદ કરવા માટે નાણા અત્યંત આવશ્યક છે. સ્વરોજગાર મેળવતા કામદારો બેન્ક ખાતાઓ કે આરોગ્ય વીમાના અભાવના કારણે શાહુકારોના શોષણનો ભોગ બની રહ્યાં હતાં. તેથી 1974માં સેવાએ મહિલા બેન્કની શરૂઆત કરી હતી. ઇલાબેન કહેતાં હતાં કે ગરીબ મહિલાઓ આર્થિક રીતે સક્રિય હોય છે તેથી તેઓ બેન્કમાં નાણા જમા કરાવી ન શકે તેમ માની લેવું જોઇએ નહીં. ઇલાબેન ભારપુર્વક કહેતાં કે મહિલાની આવકના નાણા તેમના પતિના સ્થાને તેના પોતાના હાથમાં જ રહેવા જોઇએ. જો તેમના હાથમાં નાણા રહેશે તો મહિલાઓ વધુ પરિણાલક્ષી બની શકે છે. સેવા બેન્કની લોનનો રિકવરી દર પણ 90 ટકા કરતાં વધુ રહેતો હતો. 1979માં ઇલાબેન વિમેન્સ વર્લ્ડ બેંકિંગના સ્થાપક સભ્ય બન્યાં હતાં. 1980ના દાયકાના મધ્યભાગમાં સ્વરોજગાર કરતી મહિલાઓના રાષ્ટ્રીય પંચના ચેરમેન બન્યાં ત્યારે ઇલાબેન તેમની સમસ્યાઓને ઉજાગર કરવામાં સફળ રહ્યાં હતાં. તેઓ કહેતાં કે ગરીબી માનવસર્જિત છે. ગરીબો માટે કામ કરો ત્યારે હંમેશા રાજકીય સવાલો સર્જાતાં હોય છે.
રાજકારણ ઇલાબેનને હંમેશા નડતરરૂપ રહ્યું હતું. 2005માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની સરકારે સરકાર દ્વારા ગ્રાન્ટ પ્રાપ્ત કરતા સેવામાં આર્થિક ગેરરિતીઓનો આરોપ મૂક્યો હતો. સેવાએ આ આરોપો નકારી કાઢતાં સરકાર પર હેરાન કરવાનો અને સેવાને બદનામ કરવાના આરોપ મૂક્યાં હતાં. ઇલાબેન ભટ્ટના મિત્ર અને શિક્ષણશાસ્ત્રી શિવ વિશ્વનાથન તેમને પીઢ વિદ્વાન તરીકે યાદ કરે છે. ઇલાબેન મોદી સરકારથી ઘણા નારાજ હતાં. ઇલાબેન નૈતિકતામાં માનતા. વિશ્વનાથન ઇલાબેનને આસૂરી શક્તિઓ પર વિજય હાંસલ કરનાર દેવી ગણાવે છે. મહાત્મા ગાંધી પ્રેરિત સાદગીને વરેલા ઇલાબેને મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવાઓ આપી હતી. ઇલાબેન ભારતીય શાસ્ત્રીય સંગીતના ચાહક હતાં. તેઓ કહેતાં કે સેવાના સભ્ય તરીકે હવે મહિલા તેનું નામ, સરનામુ, બેન્ક ખાતા નંબર, વીમા પોલિસી, પેન્શન પ્લાન ધરાવે છે. તે હવે સારી રીતે જાણે છે કે ગરીબી તેનું કિસ્મત નથી.