સિંધી હિન્દુઓએ ધર્મ બચાવવા ૧૯૪૭ પછી ભારતની વાટ પકડી. જોખમો વહોર્યાં પણ ધર્મને વળગી રહ્યા. સિંધી હિંદુઓની હિંદુ ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને મહેનતુ સ્વભાવ જાણીતો છે. ભારતમાં મને કોઈ સિંધી ભિક્ષુક ભેટ્યો નથી. હાથેપગે આવેલા કેટલાય સિંધી આજે કરોડપતિ છે. તેમણે જે ધંધો ફાવ્યો તે સ્વીકાર્યો. સ્વીકાર્યા પછી ના ફળ્યો તો બીજો ધંધો. એમની હામ અને હાથ મજબૂત છે.
એક કરોડની વસતિ ધરાવતું જાકાર્તા ઈન્ડોનેશિયાનું પાટનગર. ત્યાં સિંધી વેપારીઓ ખૂબ સમૃદ્ધ છે. કેટલાક મોટા મોલમાં અલંકારો, પોશાક, પગરખાંની મોટી દુકાનો સિંધીઓની છે. સિંધી કાપડ બજાર પણ છે. આ કાપડ બજારમાં વાયા વાયા ઓળખાણે એક ત્રિ-મજલી મોટી દુકાનમાં પ્રવેશ્યો. દુકાન હતી પેન્ટ અને શર્ટના કાપડની. દુકાનના સિંધી માલિક રાજુ ઐલદાસાણી. દુકાનમાં ભગવાન ઈસુ અને મધર મેરીના મોટા ફોટો જોયા. મને થયું, ‘દૂધમાં સાકરની જેમ ભળી જવા, સર્વધર્મ સમભાવ માટે આ ફોટા હશે, બાકી હિંદુ સિંધી આવા ફોટા કેમ રાખે?’
વાતોમાં રાજુ, તેના પત્ની દમયંતી અને પુત્રી નીતા બેઠાં. નીતા સોહામણી, ગ્રેજ્યુએટ અને પિતાને ધંધામાં મદદરૂપ થતી દીકરી. થોડી વારમાં નીતા કહે, ‘માફ કરજો. મારે ચર્ચમાં જવાનું મોડું થાય છે. હું જઈશ.’
રાજુને મેં પૂછ્યું, ‘ચર્ચમાં કંઈ આપવા કે લેવા જવાનું છે?’ રાજુ કહે, ‘ઈન્ડોનેશિયા આવીને હું ખ્રિસ્તી બન્યો છું.’ વધારે વાતચીતમાં રાજુએ જણાવ્યું, ‘ઈન્ડોનેશિયામાં ધર્મના નામે પાકિસ્તાન જેવા અત્યાચાર થતા નથી. હું હનુમાનજીનો પાક્કો ભક્ત હતો. ગુરુ, શુક્ર અને શનિ - એ ત્રણ દિવસ રોજ ફક્ત એક વાર સૂર્યાસ્ત પહેલાં જમી લેતો. લસણ અને કાંદા તે દિવસોમાં ના ખાતો. એક દિવસ હું હનુમાનજીના મંદિરે જવા નીકળ્યો ત્યારે એક ખ્રિસ્તી પાદરી કહે કે તમે કોઈ દિવસ ચર્ચમાં ગયા છો? મેં ના પાડતાં કહે, ‘તમે ચર્ચનો ય અનુભવ લો.’ હું ચર્ચમાં ગયો. મને ખૂબ શાંતિ થઈ. છતાં હનુમાનજીના મંદિર જવાનું ચાલુ રાખ્યું. પણ રોજ ચર્ચની શાંતિ યાદ આવે. કંઈક ખૂટતું લાગે. પગ આપોઆપ ચર્ચ તરફ દોરી જાય. અંતે હનુમાનજી મંદિર છોડીને કાયમ અહીં આવતો થયો અને હું ખ્રિસ્તી બન્યો. દમયંતી અને નીતા પણ ખ્રિસ્તી થયાં.
૧૯૪૭ પહેલાં ભોજરાજ સિંધમાં ઘડીયાળ રિપેર કરતા. ભારત આવીને મધ્ય પ્રદેશના મઉમાં સ્થિર થવા મથ્યા. તેમના દીકરા મોતીરામ મણિનગરમાં રેલવે કોલોનીમાં રહે. મોતીરામના ચાર દીકરામાં મોટો રાજુ ૧૯૫૮માં જન્મ્યો. રાજુએ એસ.એસ.સી. થઈને દુબઈમાં કાપડની એક કંપનીમાં નોકરી લીધી. કંપનીએ પછીથી તેમને ૧૯૮૨થી ’૮૫ યુગાન્ડા મોકલ્યા. અહીં ઈદી અમીન સામે અસંતોષ વધતો હતો. રહેવામાં જોખમ લાગતાં પાછાં અમદાવાદ આવીને ખોખરા-મહેમદાવાદમાં નાની-મોટી ચીજોનો સ્ટોર અને સાયકલની દુકાન કરી. ચાર વર્ષમાં ધંધામાં જામ્યા. એવામાં ઈન્ડોનેશિયાના જાવાના મેડિયન નગરમાં વસતા ભેરુમલ આસવણીની દીકરી દમયંતી સાથે લગ્ન થતાં રાજુને ઈન્ડોનેશિયા આવવાનું થયું.
રાજુને કાપડના વ્યવસાયનો અનુભવ હોવાથી અહીં તેણે તે જ વ્યવસાય પસંદ કર્યો. આજે તે ચીન, કોરિયા, ઈટલી, ઈંગ્લેન્ડ વગેરેથી મોટા જથ્થામાં ગરમ કાપડ મંગાવીને વેચે છે. આ ઉપરાંત પોલિએસ્ટર કાપડની પણ આયાત કરે છે. દુકાનમાં ૩૫ માણસ કામ કરે છે.
રાજુ પાસે સ્ટીલના રોડ બનાવવાની ફેક્ટરી છે. કાર, ટ્રક, રીક્ષા, મોટર સાયકલ વગેરેમાં આ રોડ વપરાય છે. ફેક્ટરી મહિને ૨૦૦૦ ટન રોડ બનાવે છે, તેમાં ૨૫ માણસ કામ કરે છે. આ ઉપરાંત પોતાના સાળા સાથે ભાગીદારીમાં કોલસાનો વેપાર કરે છે. સ્થાનિક ફેક્ટરીઓને તે કોલસો પૂરો પાડે છે.
રાજુએ ઈન્ડોનેશિયામાં સમૃદ્ધિ મેળવી છે. ૬૦ માણસોને સીધો પગાર ચૂકવે છે. અહીં બીજો ત્રાસ નથી છતાં રાજુ અમદાવાદનાં સ્મરણો અને ગુજરાતી મિત્રોની યાદ દિલમાં ભરીને જીવે છે અને ગુજરાતી મળતાં રાજી થાય છે.