હિન્દ મહાસાગરના ઉત્તર ભાગમાં અનેક વખત સમુદ્રી ચક્રવાત - સાઈક્લોન - આવે છે અને તેનાથી કિનારાના દેશોને જાનમાલનું નુકશાન થાય છે. ચક્રવાત એટલે નીચું દબાણ ધરાવતા કેંદ્રબિન્દુની આસપાસ અતિશય ગતિથી ફરતો પવન. તે હંમેશા ઉચ્ચ દબાણથી નીચ દબાણ તરફ ગતિ કરે છે. આમ તો આ કોલમ ભૂગોળ માટે નથી, પરંતુ અત્યારે જયારે આપણે સૌ કોરોનાની ભયંકર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ અને આપણી અંદર ચક્રવાત સર્જાયેલા છે, તોફાન મચેલા છે ત્યારે આપણને ભારતીય મહાસાગરમાં અવારનવાર આવતા ચક્રવાત વિષે થોડી માહિતી મેળવવી ગમશે તેવું વિચારીને આ લેખ લખ્યો છે.
ચક્રવાત ઓછા દબાણવાળો વિસ્તાર છે અને ત્યાં આસપાસના પવનો ધસી આવે છે. ચક્રવાતની આંખ - કેન્દ્રની આસપાસ તેઓ વર્તુળાકારે ફરે છે. કોરોલિસના સિદ્ધાંતને અનુસરીને ઉત્તર ગોળાર્ધમાં આવતા ચક્રવાતોમાં પવનની ગતિ ઘડિયાળના કાંટાની દિશામાં હોય છે જયારે દક્ષિણ ગોળાર્ધમાં આવતા ચક્રવાતના પવનો ઘડિયાળના કાંટાની ઉલ્ટી દિશામાં ફરે છે.
હિન્દ મહાસાગરના ઉત્તરી ભાગોમાં આવતા ચક્રવાતો અંગે અભ્યાસ કરીએ તો ૨૦૨૦ના મે મહિનામાં આવેલ આંફાન નામનો ચક્રવાત ખુબ શક્તિશાળી હોવાથી તેમાં ૧૧૮ જેટલા લોકોના જીવ ગયેલા. ભારતના પૂર્વી કિનારાના રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ આ ચક્રાવાતથી નુકશાન થયેલું.
વર્ષ ૨૦૧૯માં ભારત, ઓમાન, યુનાઇટેડ આરબ અમીરાત અને સોમાલીયાને નુકશાન પહોંચાડતો ચક્રવાત 'ક્યાર' આવેલો જેમાં ૧૭૩થી વધારે લોકોના જીવ ગયેલા.
વર્ષ ૨૦૧૮માં ઓમાન, સોમાલિયા અને યમાનને નુકસાન પહોંચાડતો ચક્રવાત મેકુનું તે વર્ષનો સૌથી વધારે શક્તિશાળી ચક્રવાત હતો અને તેને ૩૪૦થી વધારે લોકોના જીવનો ભોગ લીધેલો.
વર્ષ ૨૦૧૭ દરમિયાન તો ખુબ પાવરફુલ ચક્રવાત ઓખી - જેનો અર્થ આંખ થાય છે - આવેલો અને તેનાથી ૮૫૦ જેટલા લોકોના મૃત્યુ થયાનું નોંધાયું છે. તેણે દક્ષિણ ભારત ઉપરાંત શ્રીલંકા અને માલદીવ્સને પણ નુકશાન કરેલું.
ચક્રવાત વરદાહ ૨૦૧૬નો સૌથી વધારે વિનાશક ચક્રવાત હતો અને તેનાથી થાઈલેન્ડ, સુમાત્રા, મલેશિયા, આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ, શ્રીલંકા અને દક્ષિણ ભારતમાં ખુબ જાનમાલનું નુકશાન થયેલું અને ૪૦૦થી વધારે લોકોના જીવ ગયેલા.
વર્ષ ૨૦૧૫માં ચાંપલા નામનો ચક્રવાત ઓમાન, સોમાલિયા અને યમનના ૩૬૩ લોકોનો જીવ લઈને ગયેલો અને તેના પહેલા ૨૦૧૫માં નિલોફર નામનું સાઈક્લોન ઓમાન, ભારત અને પાકિસ્તાનના ૧૮૩ લોકોને ભરખી ગયેલું. વર્ષ ૨૦૧૩માં ફેલિન ભારતના ૩૨૩ લોકોને અને ૨૦૧૨માં નીલમ દક્ષિણ ભારત અને શ્રીલંકાના ૧૨૮ લોકોને ભોગ બનાવે છે.
થાને નામનો ચક્રવાત ૨૦૧૧માં ભારતના ૩૬૦ લોકો અને ગિરી નામનો ચક્રવાત ૨૦૧૦માં મ્યાનમારના ૪૦૦થી વધારે લોકોનો ભોગ લે છે તે પણ નોંધપાત્ર છે.
આ છેલ્લા દશ વર્ષમાં ઉત્તરી હિન્દ મહાસાગરમાં આવેલા સૌથી શક્તિશાળી ચક્રવાત છે અને તેમનાથી થયેલું નુકશાન પણ પારાવાર છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)