ભારત તો છે જ ઉત્સવોનો દેશ. આ દેશમાં લગભગ દર સપ્તાહે નહિ તો પખવાડિયે એક - બે મોટા ઉત્સવો ઉજવાય છે. ૨૦મી માર્ચે પારસીઓનો તહેવાર નૌરુઝ હતો. નૌરુઝનો તહેવાર ઈરાનમાં લગભગ ૩૦૦૦ વર્ષથી ઉજવાય છે. આ તહેવારની ખાસિયત એ છે કે તે પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. આ સમયે દિવસ અને રાત એકસરખા થઇ જાય છે. બંને બાર બાર કલાક. શિયાળાનો અંત આવીને બહાર, વસંતની શરૂઆત થાય છે. ઠંડા દિવસોને બદલે ઉષ્માભર્યા દિવસો આવે છે. લોકોમાં ઉત્સાહ અને તાજગી આવે છે. ભારતમાં પણ પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા અને ત્યારબાદ સ્થાયી થયા ત્યારથી આ તહેવારનું મહત્ત્વ વધ્યું છે. પારસીઓનો આ મુખ્ય તહેવાર પરંતુ ઈરાન અને તેની આસપાસના બધા જ વિસ્તારના લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ દિવસ ઇરાનના કેલેન્ડરનો પ્રથમ દિવસ છે અને તેનાથી નવું વર્ષ શરૂ થાય છે. સામાન્ય રીતે આ તહેવાર ૨૧ માર્ચના રોજ આવે છે.
આવો જ બીજો તહેવાર ભારતમાં ૨૮મી માર્ચે આવી રહ્યો છે - હોળી. ફાગણ મહિનો આવી જશે અને કેસુડાના ફૂલો ખીલી ઉઠશે. ફાગુ રાગ ગાઈને યુવતીઓ પોતાના પ્રેમીને યાદ કરશે. રંગનો માહોલ જામશે અને લોકોમાં ખુશી અને ઉલ્લાસ ફેલાશે. આ તહેવાર પણ પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. એક રીતે તો પ્રતીકાત્મક છે કે આપણે હોળી સળગાવીને જે ઉષ્મા ફેલાવીએ છીએ તે શિયાળાની ઠંડીને ધકેલીને વસંતની, ઉનાળાની શરૂઆત કરે છે. આ તહેવારને તો સૌ નાચ, ગાન અને રંગથી ઉજવે જ છે. તેના ઉપર તો કેટલીય ફિલ્મો અને પ્રોગ્રામ્સ પણ બને છે. હોળી પર તો કેટલાય બોલીવુડના ગીત પણ ગવાય છે.
હોળી જશે કે તરત જ વૈશાખી પણ આવી જશે. આ તહેવાર ઉત્તર ભારતમાં ઉજવાય છે અને તે પણ પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. ખેડૂતો પોતાના પાકની પહેલી લણણી લાવે છે ત્યારે લોકો સાથે મળીને તેની ઉજવણી કરે છે. પંજાબ જેવા ખેતી પ્રધાન વિસ્તારમાં તો તેનું અનેરું જ મહત્ત્વ છે. લોકગીતો ગવાય છે, નૃત્ય થાય છે અને મિજબાનીઓ ગોઠવાય છે. સૌ આનંદમય બનીને ઉજ્જવળ સમયને આવકારે છે. સમૃદ્ધિને આવકારે છે. પોતે કરેલી મહેનતના મળેલા રૂડા પરિણામને ઉજવે છે. વૈશાખ મહિનાનો પહેલો દિવસ, હિન્દૂ કેલેન્ડરનો - સૂર્ય આધારિત કેલેન્ડરનો - પ્રથમ દિવસ. સામાન્ય રીતે વૈશાખીનો તહેવાર ૧૩ કે ૧૪ એપ્રિલના દિવસે આવે છે.
આવા ઉલ્લાસમય તહેવારોનો સમય આવી રહ્યો છે ત્યારે આપણે યુકેમાં પણ ૨૯મી માર્ચથી અનલોકના બીજા તબક્કામાં આવી રહ્યા છીએ. આ દિવસથી આપણે ઘરમાં પણ બે પરિવાર મળી શકશે અને બહાર ૬ લોકો મળી શકશે. હવે તો ઠંડી પણ ઓછી થઇ ગઈ છે અને બહારનું વાતાવરણ ખુબ સુંદર બન્યું છે. કૂંપળો અને ફૂલો ખીલ્યા છે. નવા નવા આવેલા હરિયાળા પાંદડા વૃક્ષને શોભાવી રહ્યા છે ત્યારે આપણા માટે એક તહેવાર જેવી જ ખુશી છે.
જોકે કોઈ પણ તહેવાર હોય, તેની ખુશી સાથે સાથે તે કોઈક સંદેશ લઈને જરૂર આવે છે. નૌરુઝનો સંદેશો અને વૈશાખીનો સંદેશો એ છે કે ઠંડીનો સમય પૂરો થયો અને હવે ગરમ દિવસોની શરૂઆત થાય છે. હોળી પણ લગભગ કૈંક એવો જ સંદેશ લાવે છે. આપણે આ અનેરા સમયને વધાવવાની સાથે સાથે એક સુરક્ષાનો સંદેશો પણ ધ્યાનમાં રાખવાનો છે. ખુબ સારી રીતે તહેવાર ઉજવીએ, મિત્રો અને સગા-સંબંધીઓને મળીએ પરંતુ તેમની અને પોતાની સુરક્ષા માટે સાવચેતી જરૂર રાખીએ.
તહેવારોની શુભેચ્છાઓ અને સુરક્ષા જાળવવાની સલાહ સાથે, હેપી નૌરુઝ, હેપી હોળી અને હેપી વૈશાખી. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)