અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે મિલ્વાઉકી નેશનલ કન્વેન્શન દરમિયાન ઓહિયોના સેનેટર જે.ડી. વાન્સને ઉપપ્રમુખપદ ઉમેદવાર તરીકે જાહેર કર્યા તો વાન્સની સાથે સાથે તેમના પત્ની ઉષા પણ સમાચાર માધ્યમોમાં છવાઇ ગયાં હતાં. વાત એમ છે કે સાન ફ્રાન્સિસ્કોમાં સિનિયર લોયર તરીકે કાર્યરત ઉષા ચિલુકુરી ભારતવંશી છે. તેમનાં માતાપિતા આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા પમારુ ગામના રહેવાસી છે. કેલિફોર્નિયામાં જન્મેલા ઉષા ચિલુકુરી હિંદુ છે, જ્યારે તેમના પતિ વાન્સ રોમન કેથલિક છે.
ઉષાએ મને ઉત્કૃષ્ટ બનાવ્યોઃ વાન્સ
38 વર્ષનાં ઉષા ચિલુકુરી-વાન્સની સ્ટોરી ન માત્ર તેની પોતાની સિદ્ધિઓની છે, પણ વાન્સના સંઘર્ષોની પણ છે. વાન્સ પોતે કહે છે કે મને શ્રેષ્ઠ માણસ બનાવવામાં ઉષાનું યોગદાન છે. વાન્સે આત્મકથામાં ઉષા સાથે તેના સંબંધોને ખાસ ગણાવ્યા છે. ઉષા વાન્સ પોતે એક શ્રેષ્ઠ વ્યક્તિ છે. તેઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટસનાં ક્લાર્ક તરીકે પણ કામ કર્યું છે. તેઓ હવે અમેરિકાનાં ભાવિ સેકન્ડ લેડી બનશે તેવી પૂરી સંભાવના છે.
માત્ર 39 વર્ષના વાન્સ આગામી દિવસોમાં અમેરિકાનું ઉપપ્રમુખપદ સંભાળશે તેવું ઓપિનિયન પોલના તારણો કહે છે. જો આમ થયું તો અમેરિકાના ઈતિહાસમાં સૌથી નાની વયે, ઉપપ્રમુખ બનનારાઓમાં તેઓ બીજા ક્રમે હશે. જે.ડી. વાન્સ પોતાને અમેરિકાના નીચલા મધ્યમ વર્ગના ચેમ્પિયન તરીકે દર્શાવે છે. તેના ઉત્કર્ષ માટે તેઓ પ્રયત્નો કરવાના છે. તેઓ પોતે જ તે વર્ગમાંથી આવે છે.
ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના માહોલમાં ઉછેર
વાન્સના કહેવા અનુસાર ઉષાની હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા - ધાર્મિક માન્યતાઓને જોઈને તેમનું પણ ખ્રિસ્તી ધર્મ પ્રત્યેનું જોડાણ વધ્યું. ઉષા વ્યવસાયે વકીલ છે અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે. ઉષાનો જન્મ અને શાળાકીય શિક્ષણ સાન ડિએગોમાં થયાં છે. માતા-પિતા આંધ્ર પ્રદેશથી અમેરિકા આવીને વસ્યાં હતાં. જોકે અમેરિકામાં વસવાટ છતાં માતા-પિતાએ પશ્ચિમી વિચારોથી પ્રભાવિત થયા વિના દીકરીને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અનુસાર શિક્ષણ અને સંસ્કાર આપ્યા. પતિ વાન્સ પણ તેના આ સંસ્કારોથી પ્રભાવિત છે. ઉષાનાં માતા એક બાયોલોજિસ્ટ છે અને પિતા એન્જિનિયર. ઉષા કહે છે કે તેમણે તેનાં માતા-પિતાના આદર્શોને ધ્યાનમાં રાખીને જ શિક્ષણ મેળવ્યું છે.
જીવનનો ટર્નિંગ પોઇન્ટઃ યેલમાં પ્રેમ પાંગર્યો
યેલ યુનિવર્સિટીમાંથી બેચલરની ડિગ્રી મેળવ્યા પછી ઉષાએ ગેટ્સ કેમ્બ્રિજ સ્કોલરશિપની મદદથી કેમ્બ્રિજથી માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે ફરી યેલ લો સ્કૂલમાં પ્રવેશ લીધો. જ્યાં તેની મુલાકાત વાન્સ સાથે થઈ. આ મુલાકાત તેના જીવનનો મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયો. આ સ્ટડી દરમિયાન, બંને મિત્રો બન્યાં. જે ધીમે-ધીમે પ્રેમમાં પરિવર્તિત થયો. વાન્સ કહે છે તેમ તેઓ સૌપ્રથમ ઉષાના ક્લાસ અસાઈનમેન્ટથી પ્રભાવિત થયા હતા.
હિન્દુ પરંપરા અનુસાર લગ્નબંધને બંધાયા
વાન્સ અને ઉષાએ તેમના સંબંધને વધુ મજબૂત બનાવવાનું નક્કી કર્યું અને 2014માં લગ્ન કર્યા. ઉષા અને વાન્સે કેન્ટકીમાં હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છેઃ બે પુત્ર - ઇવાન અને વિવેક તેમજ પુત્રી મિરાબેલ. ઉષાએ જજ બ્રેટ કવાનુધ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ માટે ક્લાર્ક તરીકે કામ કર્યું. તેમણે મંગેર, ટોલ્સ એન્ડ ઓલ્સન નામની લો ફર્મમાં પણ કામ કરેલું છે. સિવિલ લિટિગેશનના કેસો ઉકેલવામાં તે નિપુણ છે.
ઉષા એક સમયે ડેમોક્રેટ સમર્થક હતાં
એક સમયે ઉષા વાન્સ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પાર્ટી ડેમોક્રેટિકનાં સમર્થક રહ્યાં છે. તેમણે 2014માં ડેમોક્રેટ્સના રૂપમાં પોતાનું નામ પણ નોંધાવ્યું હતું. જોકે, 2018 પછી તેમણે પોતાનો રાજનીતિક સપોર્ટ બદલ્યો. ઉષાએ હંમેશા તેમના રાજનીતિક વિચારોને વ્યક્તિગત રાખ્યા છે, પણ તેઓ તેમના પતિની રાજકીય સફરમાં એક મહત્ત્વપૂર્ણ સહારો બની રહ્યાં છે.
વાન્સ અને વિવેક ખાસ મિત્ર
ઉલ્લેખનીય છે કે ઉપપ્રમુખપદના ઉમેદવાર વાન્સ અને એક સમયે પ્રમુખપદની રેસમાં ઝૂકાવનારા વિવેક રામાસ્વામી ક્લાસમેટ રહી ચૂક્યા છે. બંને લો સ્કૂલમાં ગાઢ મિત્રો હતા. વાન્સ દંપતીએ વિવેકના નામ પરથી જ તેમના એક સંતાનનું નામ પણ વિવેક રાખ્યું છે. આના પરથી બંનેની મિત્રતાનો અંદાજ આવી જાય છે.
મારા પતિ ભારતીય રસોઈ સરસ બનાવે છે: ઉષા
ઉષાએ મિલ્વાઉકી અધિવેશનમાં પતિ વાન્સની ઘણી વાતો કરવાની સાથે સાથે ભરપેટ પ્રશંસા પણ કરી હતી. ઉષાએ પોડિયમ ઉપરથી તેમના પતિએ યેલ યુનિવર્સિટીમાં કરેલા ગ્રેજ્યુએશન અને ત્યાં જ બંને વચ્ચે થયેલી મુલાકાતની યાદ તાજી કરી હતી. આ સાથે તેમણે પતિ વાન્સે કઈ રીતે શુદ્ધ શાકાહારી ભોજન અપનાવ્યું અને પોતાને મદદરૂપ થવા માટે કઇ રીતે ભારતીય રસોઈ શીખ્યા તેની પણ વાત કરી હતી.
વાન્સની ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદગી થઇ છે ત્યારે ઉષા કહે છે કે પોતાનાં નાનીમા (માતાનાં માતા)ને ત્યાં અસામાન્ય સંજોગો વચ્ચે ઉછરેલી એક વ્યક્તિ આજે અનેક પડકારોનો સામનો કરી રહેલા દેશને દોરવણી આપવા માટે આગળ વધી રહી છે તે સમજવું જ મુશ્કેલ છે.