આજકાલ સાવરકર ફિલ્મ વિષે ચર્ચા ચાલે છે. નિર્માતા રણજીત હુડ્ડાની પીઠ થાબડવા જેવી આ ફિલ્મ છે એવું ઘણા દર્શકો પાસેથી સાંભળવા મળ્યું. અગાઉ સરદાર અને ગાંધી વિષેની ફિલ્મો પણ અસરકારક બની હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝના કોલકાતાથી બ્રિટિશ સરકારની આંખમાં ધૂળ નાખીને કરેલો ઐતિહાસિક પ્રવાસ શ્યામ બેનેગલની ફિલ્મમાં ભારે કુશળતાથી દર્શાવ્યો છે. “મૈં અટલ હૂઁ,”ના સમૂહ માધ્યમો પર જાહેરાતના ટુકડા જોતાં તો એવું લાગે છે કે આ એકદમ બેકાર વ્યાવસાયિક ફિલ્મ હશે, જેમાં થોડાક ઉપરછલ્લા બનાવો લઈને ફિલ્મ બનાવવામાં આવી છે. એક તો જે અભિનેતાએ ભૂમિકા ભજવી છે તે તદ્દન હાસ્યાસ્પદ અભિનય કરીને સાચુકલા અટલજીના પ્રખર વ્યક્તિત્વને અન્યાય કરે છે. વાજપેયીજીની જીવની અને મારા નિકટના સંબંધના આધારે આ વાત કરવી પડે છે.
આ દરમિયાન સાવરકરની એક અમર રચના દિમાગ પર છવાયેલી રહી છે, જેના વિષે હજુ ખાસ કશું કહેવાયુ નથી, તે છે “અનાદિ મિ...” લખાઈ હતી મરાઠીમાં. બ્રિટિશ સરકારે લંડનમાં ઈન્ડિયા હાઉસમાં રહીને ભારતીય સ્વાતંત્ર્ય માટે વિચાર અને કર્મ બંનેના માધ્યમથી પ્રવૃત્ત સાવરકરને રાજદ્રોહ અને બ્રિટિશ સામ્રાજ્યની સામે સશસ્ત્ર વિપ્લવ કરવાના આરોપી તરીકે લંડનથી ભારત લઈ જવા નિર્ણય કર્યો. કેટલાક ઉદારવાદી અંગ્રેજોએ, વિદ્યાર્થીઓ, ભારતીયોએ તેનો વિરોધ કર્યો કે કોઈ આરોપ હોય તો અહીની અદાલતમા ચલાવો.પણ બ્રિટિશ સત્તાનો ઇરાદો માત્ર મુક્દ્દ્માનો નહોતો, બીજા ક્રાંતિકારોને બોધપાઠ આપવાનો હતો. શ્યામજી કૃષ્ણવર્મા અને તેના ઈન્ડિયા હાઉસ તેમ જ અખબાર ઇંડિયન સોશિયોલોજિસ્ટને લીધે યુરોપ અમેરીકામાં વિસ્ફોટ થવા માંડ્યા હતા. મદનલાલ ધિંગરાએ જાહેરમાં કર્ઝ્ન વાયલીને ઠાર કર્યો અને તેને ફાંસી મળી, ન્યુયોર્કમાં બીજું ઈન્ડિયા હાઉસ સ્થાપિત થયું, સ્ટૂટગાર્ટની આંતર રાષ્ટ્રીય પરિષદમાં ઈંગ્લેન્ડના વિરોધની બાવજૂદ મેડમ કામાએ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, પેરીસમાં ઇન્ડો-પેરિસ પરિષદ, ઈજીપ્તમાં ઈજિપ્ત-ભારત પરિષદ, બર્લિનમાં વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની બર્લિન કમિટી બની, કેનેડામાં ગદર પાર્ટી ઊભી થઈ, લાલા હરદયાલે ગદર અખબાર (ગુજરાતી સહિત) વિવિધ ભાષાઓમાં પ્રકાશિત કર્યા, ભાઆરટીમાં ક્રાંતિકારોને શસ્ત્રો મોકલવામાં આવ્યા, બ્રિટિશ સેનાના ભારતીયોને વિપ્લવ માટે પ્રેરિત કરાયા, સિંગાપુરમાં એવા વિસ્ફોટક પ્રયત્નો થયા, પંજાબમાં ઘરેઘરે પગડી સંભાલ જટ્ટા ગીત અને વિપ્લવનો માહોલ રચાયો.
આ બધાનું એક કેન્દ્ર ખુદ બ્રિટિશ ભૂમિ પર લંડનમાં હતું, શ્યામજી તો લંડનથી પેરિસ છટકી ગયા હતા, એટ્લે વારો સાવરકરનો હતો. થોડા દિવસો પેરિસમાં સાથીદારો શ્રી રાણા, મેડમ કામા અને શ્યામજી સાથે વિમર્શ કરવા રહ્યા. બધાની લંડન ના જાય તેવી દલીલ હતી. પણ તેઓ નીકળ્યા અને લંડનની વિકટોરિયા રેલવે સ્ટેશને પેરિસથી આવતી ટ્રેનમાં પકડાયા. સાથે દાદાભાઈ નવરોજીની પૌત્રી (જેનો જેએનએમ માંડવી કચ્છમાં ડોક્ટર પિતાને ત્યાં થયો હતો) પેરીન પણ હતી. 13 માર્ચ, 1910 ના ધરપકડ. મુકદ્દમો ભારતમાં ચાલશે એવો નિર્ણય થયો. અદાલતે તેને મંજૂર રાખ્યો એટ્લે જેબ એવેન્યુ પર આવેલી બ્રિક્સટન જેલમાં રખાયા, ઘણા ક્રાંતિકારો મળવા આવ્યા. પિંજર બંધ સાથીને છોડાવવા સાહસ પણ કર્યા,આઈરિશ મિત્ર ડેવિડ ગાર્નેટ તેમાં સૌથી વધુ સક્રિય રહ્યો, પણ તે સફળ થયા નહિ. સાવરકર ભારતમાં સ્વજનોને પત્રો લખતા રહ્યા તેમાંનો એક “મૃત્યુ પત્ર” તો ઉત્તમ સાહિત્યનો નમૂનો છે.
પહેલી જુલાઈ જ્યારે સાવરકરને બરાબર ઇંગ્લેન્ડમાં 4 વીઆરએસએચ પૂરા થતાં હતા તેજ દિવસે પી.ઑ.એસ.એસ.મોરિયા જહાજમાં ભારત જવા પોલીસ અને સેનાના પહેરા હેઠળ નીકળ્યા. એક અઠવાડિયું સમુદ્રમાં વીત્યું, જહાજમાં કોઈ ખરાબી હતી એટ્લે નક્કી થયું કે ફ્રાંસના માર્સેલ્સ બંદરગાહ પીઆર ઉતરાણ કરવું. 8 જુલાઈ, 1910. હજુ કિનારો દૂર હતો અને સાવરકર વહેલી સવારે શૌચાલય પોર્ટ હૉલમાથી મુશ્કેલી પૂર્વક પાર થઈને સમુદ્રમાં છલાંગ લગાવી (આ જાણીતા સમુદ્ર-ભૂસકાનું નામકરણ ચોરવાડ સમુદ્ર તરણ સ્પર્ધા માટે સંત શ્રી મોટાએ કર્યું હતું. થોડાં વર્ષ તો ચાલ્યું પણ પછી ગાયબ કરી દેવામાં આવ્યું! આજે તરણ સ્પર્ધા તો ચાલે છે પણ સાવરકર તરણ સ્પર્ધા નથી! સરકારના તંત્ર પણ આસાનીથી આ વાત ભૂલી ગયું હોય તેવું લાગે છે. )
યોજના તો એવી હતી કે સાવરકર ફ્રાન્સની ભૂમિ પર પહોંચી જાય, પેરિસ નિવાસી સાથીદારો થોડાક મોડા પડ્યા, ફ્ર્રેંચ પોલીસે સાવરકરને પકડીને બ્રિટિશ હવાલે કર્યા. ફ્રાંસ પણ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સાથી હતું એટ્લે “ન્યાય” “સ્વતંત્રતા” જેવા શબ્દો પોથીમાં રહ્યા.
હવે આરોપી સાવરકરને શારીરિક-માનસિક રીતે જુલમ કરવાનો બ્રિટિશ પોલીસને મોકો મળી ગયો. લંડનથી એડન અને ત્યાંથી એસ.એસ. ષષ્ટિ નામે જહાજમાં ભારત તરફ લઈ જવાયા ત્યારે જ ભવિષ્યની આંદામાનની સજાનું રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું.
હાથ વેંત છેટા મોત જેવા દમનનો સામનો સાવરકરે કેવી રીતે કર્યો?
આ કહાણી રૂવાડા ઊભા કરી દે તેવી છે.
સાવરકરે શબ્દનું ભવ્ય હથિયાર ઉપાડયું. મરાઠીમાં લખાયેલા આ કાવ્યનો હિન્દી અનુવાદ કુસુમ તાંબેએ કર્યો છે. (કુસુમ તાંબે ખ્યાત કોંગ્રેસી નેતા વસંત સાઠેના બહેન થાય). આ ગીતને સ્વર અને સૂરમાં બાંધ્યા લતા મંગેશકર અને સુધીર ફડકેએ. (આ સુધીર પોતે મહાન ગાયક હતા. સાવરકર પર પ્રથમ ફિલ્મ બનાવી હતી. તેમના મુખે આ ગીત સાંભળવાનો મને મોકો મળ્યો હતો. )
આ બંધન અવસ્થામાં મૃત્યુ-વિજયનું આ ગીત-
અનાદિ મૈં, અનંત મૈં, અવધ્ય મૈં, મહાન,
માર સકે કૌન મુઝે શત્રુ શક્તિવાન?
ધર્મ ધારણાર્થ અટ્ટહાસ કર ખડા,
મૃત્યુ કે સમક્ષ મૈં ડટા રહા ખડા,
ખડગ સે મરા ન મૈં ન અગ્નિ સે જલા,
ભીરૂ મૃત્યુ છોડ યુદ્ધ ભાગતા ચલા,
શત્રુ ભી બડા વિચિત્ર મૂર્ખ હૈ મહા,
મૃત્યુ-દંડ સે મુઝે અરે ડરા રહા.
કેવી અજેય ભાવનાનું સામર્થ્ય હતું આ ક્રાંતિકારોમાં?