આ સપ્તાહે જગદીશ જોષી
• જન્મઃ 9-10-1832 • નિધનઃ 21-9-1978
મુંબઈમાં જન્મેલા આ કવિ જીવવાની ઉંમરે અવસાન પામ્યા. પ્રણયનો વિષાદ એમની કવિતાનું કેન્દ્ર છે. ‘આકાશ’, ‘વમળનાં વન’ અને ‘મોન્ટા કોલાજ’ એમના કાવ્યસંગ્રહો. ‘ધારો કે એક સાંજે આપણે મળ્યાં’ એમની સમગ્ર કવિતાનો સંગ્રહ. ઉત્તમ અનુવાદક હતા. ‘વમળનાં વન’ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો મરણોત્તર પુરસ્કાર મળ્યો હતો.
એક હતી સર્વકાલીન વારતા
ધારો કે એક સાંજે આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું ને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
•••