એન્ટાર્કટિકા પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા : મેહર મૂસ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 12th June 2024 08:20 EDT
 
 

ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. કહેવાય છે કે તેનો સૌપ્રથમ ઉપયોગ ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ દ્વારા ૩૫૦ ઈ.સ. પૂર્વેની આસપાસ કરવામાં આવ્યો હતો. તેણે આ પ્રદેશનું નામ ગ્રીક એન્ટાર્કટિકોસ પરથી, ‘ઉત્તર તરફ મુખ રાખીને’ -‘ઉત્તર ધ્રુવની સામે’ રાખ્યું.... આ પ્રકારની માહિતી તમે વાંચી કે સાંભળી હશે, પણ ઍન્ટાર્કટિકા પર પહોંચેલી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી એ જાણો છો ?
એનું નામ મેહર મૂસ. લાડકું નામ મૈગેલન મૂસ. પચાસ વર્ષમાં એકસો એંસી દેશની યાત્રા કરનાર મેહર મૂસ ૧૯૭૬માં ઍન્ટાર્કટિકા પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે આફ્રિકામાં પ્રસિદ્ધ સ્વીડીશ-અમેરિકી સંશોધક, લાર્સ એરિક લિંડબ્લૈડ સાથેની એક આકસ્મિક મુલાકાતને પગલે ઍન્ટાર્કટિકા માટે રવાના થઈ રહેલા જહાજ પર એમની ટીમમાં મેહરને આમંત્રિત કરાયેલી. પણ એ સમયે આફ્રિકામાં રાજકીય ઊથલપાથલ ચાલી રહેલી. એથી મેહરને પોતાના વીઝા અને પાસપોર્ટ ઉપર મહોર લગાડાવવાનું મુશ્કેલ થઈ ગયું. પણ ખાસ્સી દોડાદોડીના અંતે આખરે મેહરને પાસપોર્ટ અને વીઝા મળી ગયા. પરંતુ અભિયાનના આરંભસ્થળ માડાગાસ્કર લઇ જતા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ. છતાં મેહરે હાર ન માની. એણે કેપ ટાઉનથી જહાજ પકડ્યું અને અંતે ઍન્ટાર્કટિકા પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બનવાની સિદ્ધિ મેળવી.
મેહરનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રમાં. ૧૯૬૫માં ૨૧ વર્ષની ઉંમરે એર ઇન્ડિયામાં એરહોસ્ટેસ તરીકે જોડાઈ ગઈ. સાત વર્ષ સુધી મેહર હવાઈ માર્ગે નાયરોબી-જાપાન-ન્યૂયોર્કના રૂટ પર ઉડાન ભરતી રહી. દરમિયાન યાત્રાનું એને વળગણ થઈ ગયું. પણ પ્રવાસપ્રેમી મેહર મૂસે એરલાઈન્સના પર્યટન વિભાગમાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો.
મેહર દિલ દઈને કામ કરતી, પણ એની પ્રવાસભૂખ વધતી જતી હતી. જોકે પોતાનો શોખ પૂરો કરવા મેહર મૂસ નોકરી છોડી શકે એમ નહોતી. નોકરીમાંથી થતી આવકનાં નાણાં બચાવીને એ રકમમાંથી યાત્રા કરવી સંભવ હતું. આ પ્રકારે યાત્રા કરતાં કરતાં મેહર મૂસ વરિષ્ઠ પર્યટન અધિકારી બની ગઈ. મેહર કાંગોમાં પિગ્મીઓ સાથે રહેતી, ઇસ્તર દ્વીપો પર ડેરાતંબૂ તાણતી અને પાપુઆ ગિનીના સેપિક નદીના ક્ષેત્રમાં પગપાળા ચાલી રહેલી. એમેઝોનનાં વર્ષાવનોના જંગલોથી માંડીને કેરેબિયન દ્વીપોની ઉષ્ણકટિબંધીય સુંદરતા સુધીનું કુદરતી સૌંદર્ય મેહરે માણ્યું છે. એણે સિનાઈ રણપ્રદેશમાં એક આખો દિવસ ગાળ્યો છે, પેરુમાં માચૂ પીચૂના પ્રાચીન ખંડેરોનું અવલોકન કર્યું છે અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના નાનકડા દ્વીપ વાનુઅતુમાં સળગતા જ્વાળામુખીનું ટ્રેકિંગ કર્યું છે. મેહર આફ્રિકાના પાંત્રીસ દેશમાં રહી છે. મધ્ય એશિયામાં સમરકંદ અને બુખારાથી માંડીને સાઈબેરિયા, માંગોલિયા અને વિશાળ ગોબી રણ સુધીની રોમાંચક યાત્રા કરી છે.
દીવામાંથી દીવો પ્રકટે એમ યાત્રામાંથી યાત્રા પ્રકટતી ગઈ. ૧૯૭૨માં મેહરે સ્કૈંડિનેવિયાના ત્રણ લેપલેન્ડનો પ્રવાસ કર્યો. ત્યાર પછી સહરાના રણમાં થઈને ટિમ્બકટૂ પહોંચી. બોલિવિયામાં દુનિયાની સૌથી ઊંચી ગણાતી ટિટિકાકા ઝીલ પાર કરી, અફઘાનિસ્તાનમાં બામિયાન બુદ્ધના સ્મારક પર ચડી ગઈ અને ઇક્વાડોરની રાજધાની ક્વિટોમાં ભૂમધ્ય રેખા પર ખડી થઈ ગઈ. આ રેખાની વિશેષતા એ છે કે એ ભૂમધ્ય હોવાથી, એના પર ઊભા રહેવાથી એક પગ ઉત્તર ગોળાર્ધમાં અને બીજો પગ દક્ષિણ ગોળાર્ધમાં મૂકી શકાય છે. મેહરનો પણ એક પગ ઉત્તર ગોળાર્ધમાં અને બીજો પગ દક્ષિણ ગોળાર્ધમાં હતો.... આવા તો કેટલાંયે સંભારણાં સંઘરાયાં છે મેહરની પ્રવાસપોથીમાં!
પ્રવાસપ્રેમી મેહરને યાત્રાઓ માટે જેટલો પ્રેમ છે, એટલો જ પ્રેમ ભોજન પ્રત્યે પણ છે. ભોજન બનાવવું અને ખાવું બેય એને પસંદ છે. એકસો એંસી દેશની યાત્રાઓ દરમિયાન એણે જાતભાતનાં એવાં વ્યંજનોનો સ્વાદ લીધો છે. ખાવાપીવાનો ચટાકો જેને હોય એવાઓ પણ જે ખાતાં કતરાય એવી વાનગીઓ મેહરે ટેસથી આરોગી છે.
ઉદાહરણ તરીકે પેરુમાં એમેઝોન નદીના વૃક્ષની છાલમાંથી નીકળેલા કીડા, કેમેરૂનમાં વાંદરાનું મસ્તક, નોળિયો અને અજગર, દક્ષિણ આફ્રિકામાં શાહમૃગ, લેપલેન્ડમાં હરણ અને હિમપોષિત પાર્મિગન, મેક્સિકોમાં ગુઆકામોલ સોસમાં લાલ કીડા, પાપુઆ ન્યુ ગિનીમાં મગરમચ્છ, નાઇજિરિયામાં વિશાળ ખેતરોમાં જોવા મળતા ઉંદર અને બીજું ઘણું બધું... મેહર ખાવાની શોખીન ખરી, પણ પ્રવાસ અને ભોજન, એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય તો એ પસંદગીનો કળશ પ્રવાસ પર જ ઢોળે છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter