ઉત્તર પ્રદેશ સરકારે કાકોરીના 101 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, કેટલાંક વર્ષોથી ભુલાયેલા ઈતિહાસને વંદન-અભિનંદન સાથે યાદ કરાઇ રહ્યો છે, તે સાંસ્કૃતિક ચેતનાની નિશાની છે. જેમ દાંડી ઐતિહાસિક ઘટના અને જગ્યા છે, તેવું સરદારનું બારડોલી છે. જૂનાગઢ મુક્તિની આરઝી હકૂમત છે, સુદૂર ઇમ્ફાલમાં મોઈરાંગ નેતાજી સુભાષની આઝાદ હિન્દ ફોજે 1943માં મુક્ત કરેલું સ્થાન છે.
જલિયાવાલા જો અંધાધૂંધ ગોળીબારોથી માર્યા ગયેલાઓની બલિદાન ભૂમિ છે, તો ગુજરાતનાં માનગઢ અને પાલચિતરિયા પણ વનવાસીઓની રક્તરંજિત ભૂમિ છે. સોમનાથ અને અયોધ્યા તેવી પૂર્વ કથાના તીર્થો છે. લાલ કિલ્લો 1857માં બહાદુરશાહ ઝફર અને 1944માં આઝાદ હિન્દ ફોજના સેનાપતિઓ પર ચાલેલા મુકદ્દમાનો સાક્ષી છે. ભગતસિંહની ફાંસી અને ભગવતી ચરણ વોહરાના બલિદાનનું સ્થાન પાકિસ્તાનમાં છે, અને માસ્ટર દા સૂર્યસેન અને પ્રીતિલતા વછેદાર હાલના બાંગ્લાદેશમાં ભવ્ય મૃત્યુને વર્યા હતા. માંડલે લોકમાન્ય તિલક અને સુભાષબાબુની કારાવાસ ભૂમિ છે અને સોહનલાલ પાઠક તેમજ આપણા ગુજરાતી ક્રાંતિકાર છગન ખેરાજ વર્માની ફાંસીની જગ્યા છે.
લંડનમાં એવા સંખ્યાબંધ સ્થાનો છે, ઈન્ડિયા હાઉસ, વિકટોરિયા રેલ્વે સ્ટેશન, ઇંપિરિયલ સભાખંડ, પેંટોન વિલા જેલ એ 1905થી આરંભાયેલા ક્રાંતિના પુરોધા શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, સાવરકર, મદનલાલ ધિંગરા, મેડમ કામા અને સરદાર ઉધમસિંહની સ્મૃતિ સાથે જોડાયેલી જગ્યાઓ છે. સરદારસિંહ રાણા પેરિસમાં જે સ્થાને રહેતા હતા તે 46, rue Lafayette તે ક્રાંતિપ્રવૃત્તિનું સ્થાન બની ગયું હતું. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવા બહુશ્રુત ક્રાંતિકારને રશિયામાં સાઈબેરિયાની જેલમાં મારી નંખાયો હતો. લાલા હરદયાલે સાન ફ્રાન્સિસ્કોમાં ‘યુગાંતર આશ્રમ’ની સ્થાપના કરી હતી, આ સ્મારક આજેય છે. વિષ્ણુ ગણેશ પીંગલે, બળવંત સિંહ કેનેડીયન, ઇન્દરસિંહ સોવાર, કરતારસિંહ સરાબા, સંતોકસિંહ, હરનામ સિંહ કહરી, દફેદાર લછમનસિંહ દફેદાર... આ બધા ગદર ચળવળમાં ફાંસીના માચડે ચડ્યા હતા, તે જેલો સ્મારકમાં બદલી શકાય કે નહીં? મેડમ કામાએ જર્મનીના સ્ટ્રૂટગાર્ટમાં ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઇરાનમાં સૂફી અંબાપ્રસાદે ફાંસી પૂર્વે સમાધિ લીધી હતી.
જિનિવા સ્થિત સેંટ જ્યોર્જ સ્મશાન ગૃહમાં પંડિત શ્યામજી વર્મા અને તેમના પત્ની ભાનુમતિને અગ્નિસંસ્કાર અપાયા હતા ત્યાં સમાધિ પર તેમના નામ અંકિત છે. સોરબોન યુનિવર્સિટીમાં ગ્રંથાલયને તેમણે મૂલ્યવાન પુસ્તકો આપ્યા હતા તે ખંડમાં શ્યામજીનું તૈલચિત્ર પણ છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી જિનિવા જઈને અસ્થિ કુંભ લાવ્યા હતા તેના સ્થાપન સાથેનું ભવ્ય ક્રાંતિતીર્થ માંડવી પાસે મસ્કા ગામે છે. લંડન જવા અસમર્થ નાગરિકો અહીં ઈન્ડિયા હાઉસની ઇમારત જોઈ શકે છે. જીએમડીસીએ હવે તેનું પ્રેરક પુન: નિર્માણ કરીને મ્યુઝિયમ, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણો ઉમેર્યા છે.
આ અને આવા સ્થાનો પર આપણો ઇતિહાસ રચાયો છે. બલિદાનોની કથા આલેખાઈ છે. એકલા ગુજરાતમાં 1857થી 1947 સુધીના 101 ક્રાંતિસ્થાનો છે, જ્યાં યુદ્ધ ખેલાયા, ક્રાંતિકારો જન્મ્યા, 1857માં ભાગ લીધો, તોપના ગોળે ઉડાવી દેવાયા, આંદામાનની જેલોમાં ધકેલાયા. તો પછી દેશઆખામાં કેટલા હશે? ભવિષ્યની પ્રજાને અંદાજ તો જ આવે કે ત્યાં નાનું કે મોટું સ્મારક બનાવવામાં આવે. થોડા સમય પહેલા અમિત શાહે પોતાની જન્મભૂમિ નજીક સમૌમાં 1857ના શહીદોની ખાંભીને સ્મારકમાં ફેરવી હતી. આવી કેટલી જગ્યાઓ? વડોદરા સ્ટેશનથી મુસાફરોની આવન-જાવન હોય છે, આ સ્ટેશન પર ક્રાંતિકારી (યોગી તો પછી બન્યા) અરવિંદ ઘોષ અને એવા જ ક્રાંતિકારી સન્યાસિની ભગિની નિવેદિતાનું ઐતિહાસિક મિલન થયું હતું, શું દીવાલ પર તેનું આલેખન અને નોંધ હોવી ના જોઈએ? ચાણોદ કરનાળી શ્રાદ્ધ માટેનું સ્થાન છે, તેની સાથે ગંગનાથ મંદિર અને વિદ્યાલયમાં બારીન્દ્ર, જતીન, ઉપેન જેવા ક્રાંતિકારો - જેમને આંદામાનની સજાઓ થઈ હતી - ક્રાંતિનું મોટું કેન્દ્ર બનાવવા માગતા હતા અને ત્યાં રહ્યા હતા.
થોડાંક જ સ્થાનોની યાદી જાણવા જેવી છે, જ્યાં કોઈને કોઈ રીતે સ-શસ્ત્ર સ્વાતંત્ર્ય જંગ ખેલાયો અથવા ત્યાંથી ક્રાંતિકારો નીકળ્યા: સારંગપુરનું વિઠ્ઠલ મંદિર, દ્વારિકા, ઓખા, કડી, વડોદરા, મીયાગામ, સોનગઢ, અમદાવાદ લશ્કરી કેંટોનમેંટ, અનલગઢ, શિપોર, આણંદ, પ્રતાપપુરા, નાંદોદ, ચાંપાનેર, સંતરામપુર, દાહોદ, પાટણ, ડીસા, લીમડી, ગોધરા, જાંબુઘોડા, છોટાઉદેપુર, ચિખલી, વાઘોડિયા, ડભોઇ, ખેડા, મહીકાંઠા, સંખેડા, અલીરાજપુર, કંબોઇ ધામ, માનગઢ, મહી કિનારે ફાંસિયો વડ, લોટિયા ભાગોળ, વડનગર, વીજાપુર, રાજ પીપલા, ચાન્ડુપ, સંખેડા, ઉમેઠા, ભાદરવા, ખાનપુર, નવસારી, શિહોર, સુરત, મગદલ્લા, માછરડા, વછોડા, ગંગનાથ ટેકરી, ટંકારા, જેતલસર, જુનાગઢ, કનરાનો ડુંગર, સુરતના ઘાંચીવાડી, ફ્રેંચ ગાર્ડન, ઘીકાંટા વાડી, શેઠ તૈયબજી મસ્કતીનો બંગલો, બાલાજીનો ટેકરો, દશા લાડ વણિક વાડી મોતીબાગ, મહિધર પૂરા, (આ બધા 1907માં તિલક મહારાજ, અરવિંદ ઘોષ, હદપાર થયેલા સરદાર અજીત સિંહ વગેરે કોંગ્રેસને આજીજી અને અરજીનો પક્ષ ના બને તે માટે આવ્યા, ભાષણો કર્યા, ‘અરવિંદ ઇન સુરત’ પુસ્તકમાં તેની વિગતો છે), અમદાવાદમાં મહિપતરામ આશ્રમની સામે કાપડીવાડ (અહીં લોર્ડ મિન્ટની શોભાયાત્રા પર બોમ્બ ફેંકાયો હતો, 1909માં) પોરબંદર (ગુજરાતનો એકમાત્ર ક્રાંતિકારી પત્રકાર છગન ખેરાજ, જેને બર્મામાં ફાંસી આપવામાં આવી), માંડવી, કંથારીયા, હરીપુરા (જ્યાં સુભાષ રાષ્ટ્રીય મહાસભાના પહેલા, સૌથી યુવાન પ્રમુખ બન્યા, 1938માં) આરઝી હકૂમતના સ્થાનો જૂનાગઢ, કુતિયાણા, બાબરિયાવાડ, માણાવદર, સરદારગઢ, બાંટવા, નડિયાદ, કરમસદ, ધંધુકા, રાણપુર, ચોટીલા, સીપોર, ઇડર, લોદરા, રીદરોડા, સમી, આજોલ, પીલવાઈ, ઠાસરા, ખંભાત, વડતાલ, ઉનાવા, ભાલોદ, કોરલ, સામરખા, પાલ... આ છે થોડાંક નામો. નામો નહીં ભારેલા અગ્નિનો અનુભવ કરાવી ચૂકેલા સ્થાનો. આ બધા સ્મારક સ્મૃતિ સ્થાનોના અધિકારી છે.