એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન દિવસ હતો જ્યારે તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા બનવાનું બહુમાન હાંસલ કર્યું હતું. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ અગ્રસ્થાન ધરાવતી સંસ્થામાં વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટાઈ આવવું તે વાસ્તવમાં અપ્રતિમ સિદ્ધિ ગણાવી શકાય. જોકે, હું એવા તારણ-નિર્ણય પર આવ્યો છું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી ભારતવિરોધી અને હિન્દુવિરોધી સંસ્થા બની ગઈ છે. આ યુનિવર્સિટીમાં કશુંક અનુચિત-ખરાબ થઈ રહ્યું હોવાનું માનવા પ્રેરે તેવું તત્વ શું હોઈ શકે?
થોડા પાછળ જઈએ, એપ્રિલ ૨૦૧૫માં બ્રિટિશ બોર્ડ ઓફ હિન્દુ સ્કોલર્સ દ્વારા ‘Contrarian’ નામે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નામ સૂચવે છે તેમ વિશ્વની સમસ્યાઓ કે મુદ્દાઓ પરત્વે પ્રવર્તમાન વિચારધારા એટલે કે યુનિવર્સિટી શિક્ષણના મૂળભૂત અર્ક-તર્કને પડકારી અનોખાં પરિપ્રેક્ષ્યમાં તેમને નિહાળવાના હતા. ચાવીરુપ આંતરરાષ્ટ્રીય વક્તાઓમાં વિશ્વપ્રસિદ્ધ ભારતીય પાર્લામેન્ટેરિયન ડો. સુબ્રમણ્યમ સ્વામી અને પ્રસિદ્ધ હિન્દુ લેખક શ્રી રાજીવ મલ્હોત્રાનો સમાવેશ થતો હતો. કાર્યક્રમ થવાનો હતો તેના થોડાં દિવસ અગાઉ, ભારતવિરોધી પરિબળોએ એકસંપ થઈ કાર્યક્રમ રદ કરવાની માગણી કરી હતી. તેમણે ડો. સ્વામી અને આયોજકો વિરુદ્ધ અયોગ્ય આક્ષેપો કર્યા હતા. સર્જાયેલી ઉશ્કેરણીમાં કેટલાક એકેડેમિક્સે પણ બળતામાં ઘી હોમ્યું અને તેઓ સંયુક્તપણે આ કાર્યક્રમ રદ કરાવવામાં સફળ નીવડ્યા. બોલો, આ કહેવાય છે વાણી સ્વાતંત્ર્ય!
મેં ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે મને માહિતી આપી કે તેઓ તેમની યુનિવર્સિટી અને કેટલાક એકેડેમિક્સ-વિદ્વાનો ભારતવિરોધી અને હિન્દુવિરોધી હોવાનું જાણે જ છે. મારે કહેવું જોઈએ કે મને આની શંકા તો હતી જ પરંતુ, મને ખરેખર આઘાત લગ્યો. મેં તેમને પ્રશ્ન કર્યો કે તેમણે આનો સામનો કેમ ન કર્યો. તેમનો ઉત્તર પણ ખરે જ રસપ્રદ હતો. આ વિદ્યાર્થીઓને ડર હતો કે જો તેઓ મોઢું ખોલશે તો તેમના પ્રોફેસર્સ તેમને ઓછાં માર્ક્સ આપશે અને કદાચ નાપાસ પણ કરશે. તમના માતાપિતાએ તેમના અભ્યાસ પાછળ જે જંગી રકમ ખર્ચી છે તેને ધ્યાનમાં રાખી તેમણે હેરાનગતિ કે કનડગત અને ભયના વાતાવરણમાં રહેવા સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.
આજે હું રશ્મિ સામંત માટે અવાજ ઉઠાવું છું જેના માટે ચિંતા દર્શાવવા ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અસમર્થ છે.
હવે આપણે અભિજિત સરકાર નામની વ્યક્તિની વાત કરીએ જે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ પર પોતાની ઓળખ ‘બ્રિટિશ એકેડેમી પોસ્ટડોક્ટરલ રીસર્ચર’ તરીકે આપે છે. મૂળભૂતપણે તે યુનિવર્સિટીનો હિસ્સો છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા મારફત રશ્મિ સામંત પર જોરદાર હુમલો કર્યો છે. મારા મતે તેને હેરાનગતિ, દાદાગીરી અને ધાર્મિક કિરસ્કાર માટેની ઉશ્કેરણીની સમકક્ષ ગણાવી શકાય. તેણે અન્ય સંસ્થાઓ સાથે મળીને રશ્મિ પર એવું જોરદાર આક્રમણ ચલાવ્યું કે આખરે રશ્મિએ પોતાનું આરોગ્ય બચાવી રાખવા માટે રાજીનામું આપી દેવાનું જ વધુ સારું હોવાનો નિર્ણય લેવો પડ્યો.
મને ભારે નવાઈ લાગે છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભિજિત સરકાર જેવી વ્યક્તિ છે જે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર ઘૃણાજનક ઉશ્કેરણી કરે છે. એક બખાળામાં તે કહે છે,‘ ઝી ન્યૂઝને કહી દો કે ઓક્સફર્ડના વિદ્યાર્થીઓ હજુ ‘સનાતની’ માટે તૈયાર નથી. હવે તમે જરા વિચારો કે ‘સનાતની’ના બદલે તમે ‘મુસ્લિમ્સ’ શબ્દ ગોઠવો તો શું થાય? ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ઘૂંટણીએ પડી દયાની ભીખ માગવાની નોબત આવી જાય. હવે તમે ‘સનાતની’ના બદલે તમે ‘જ્યુઝ’ શબ્દ ગોઠવી જુઓ. તમે મારું કહ્યું માની લો કે ખુદ વાઈસ ચાન્સેલર પાસે પણ રાજીનામું આપવા સિવાયનો કોઈ વિકલ્પ ન રહે.
પરંતુ, આ શબ્દ તો ‘સનાતની’ જ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીને લાગેવળગે છે ત્યાં સુધી – આ અભિજિત સરકાર હિન્દુઓની અવમાનના કરી શકે છે અને તેનો કોઈ વાંધો જ નથી. શું ઓક્સફર્ડ યુનિવર્સિટી આવા રેસિઝમને દરગુજર કરી લેશે? શું તે પોતાના જ લોકો દ્વારા ધાર્મિક તિરસ્કારને સપોર્ટ કરે છે? અને પોલીસ શું કરી રહી છે? વાસ્તવમાં આ તમામ બાબત ૨૦૧૦ના ઈક્વલિટી એક્ટનું ઉલ્લંઘન કરે છે. હું ઓક્સફર્ડ યુનિવર્સિટીના સત્તાધારી લોકોને અલ્પેશ પટેલની ૬ માર્ચની કોલમ અવશ્ય વાંચી લેવાની ભલામણ કરું છું . તેમણે કેટલાક ધ્યાનાકર્ષક નિરીક્ષણો કર્યા છે.
આથી સમગ્ર વિશ્વમાં મહિલા દિનની ઉજવણી કરાઈ રહી હતી તે સપ્તાહમાં આપણી અગ્રેસર શિક્ષણસંસ્થા ઘેરી ત્વચાની યુવાન મહિલાની કારકિર્દી રોળી નાખવાના વિવાદમાં ફસાઈ છે તે કેવું વિચિત્ર છે.