મરુ, મેરું અને મેરામણના પ્રદેશ કચ્છનું નવું વર્ષ અષાઢી બીજે (આ વર્ષે પહેલી જુલાઇ) આવી રહ્યું છે. અષાઢી બીજે નવું વર્ષ ઊજવવા પાછળ ઘણી કથાઓ છે, પરંતુ પ્રચલિત માન્યતા પ્રમાણે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિથી કચ્છી પંચાંગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઊજવાય છે. કચ્છી પંચાંગની વિશેષતા એ છે કે એ પંચાંગમાં ભારતના પ્રમાણ સમય ઉપરાંત કચ્છના સ્થાનિક સમયની નોંધ પણ રહે છે.
અષાઢી બીજનું વરસાદ, ધાર્મિક પરંપરા, કચ્છી કેલેન્ડર અને કચ્છના રાજવંશ સાથે મહત્ત્વ જોડાયેલું છે. કહેવાય છે કે રાજાશાહીના સમયે અષાઢી બીજના દિવસે કચ્છી પંચાંગ બહાર પાડવામાં આવતું હતું. ટંકશાળમાં નવા સિક્કાઓ બનાવવાનું કામ પણ શરૂ કરાતું હતું.
વળી, કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું જરૂર ઇચ્છે છે. કચ્છીઓમાં અષાઢી બીજે વરસાદને લઈને કહેવત પડી ગઈ છે કે, ‘અષાઢી બીજ વંડર કા વીજ’ અહીંના લોકોની માન્યતા છે કે જો અષાઢી બીજના દિવસે મેઘરાજાની પધરામણી થાય તો વર્ષ શુકનવંતું ગણાય છે. કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થવા પાછળ અનેક કથાઓ ઇતિહાસકારોએ નોંધી છે.
એક કથા પ્રમાણે કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામ લાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે આ ધરતીનો છેડો ક્યાં હશે? મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડયા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું, વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યુંફાલ્યું હતું, જળાશયો પાણીથી ભરેલાં હતાં. પોતાની માભોમને લીલીછમ્મ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા એ દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ એ દિવસને નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડયું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું.
કચ્છની સ્થાપના ખેંગારજી પહેલાએ સંવત 1605માં માગશર સુદ પાંચમે કરી હતી, પરંતુ કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી ગણવાનું અને એની ઉજવણી કરવાનું જાડેજા શાસનકાળમાં યથાવત્ રહ્યું હતું.
કચ્છનાં મહત્ત્વનાં શહેરો જેમ કે મુંદ્રા, ભુજ, અંજાર, માંડવી સહિત દુનિયાભરમાં જયાં પણ કચ્છી માડુંઓ વસે છે ત્યાં અષાઢી બીજે નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. મુંબઈ જઈને વસેલા કચ્છી માડુંઓ ત્યાં પણ નવા વર્ષની ઉજવણી કરવાનું નથી ચૂકતાં. લોકો આ દિવસે સ્નાનાદિકાર્યથી પરવારી, નવાં કપડાં પહેરી, દેવદર્શન કરીને એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. કારીગરો પોતાનાં ઓજારોની પૂજા કરે છે. કચ્છના દરિયાખેડુઓ એ દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણોની પૂજા કરાવે છે. ભૂતકાળમાં વેપારીઓ, વહીવટદારો, શ્રેષ્ઠીઓ રાજાને શુભેચ્છા આપીને કીમતી ભેટ આપતાં. કચ્છમાં તે સમયે કેરી થતી. તેથી તે દિવસે બાળકોને કેરી વહેંચવાની પ્રથા પણ હતી. એવુંય કહેવાય છે કે કચ્છના નાગર જ્ઞાતિના લોકો ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ સિંહ અને હાથીનાં ચિત્રો અષાઢી બીજના દિવસે ફરીથી દોરાવતા હતા. તે દિવસે લાપસી રાંધીને ખાવાની પરંપરા પણ છે.