ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, ‘આ તમે મરી ગયેલાઓનો ભૂતકાળ શા માટે વાગોળો છો? વર્તમાનની વાતો કરોને?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો: ‘એ બધાં મારા પૂરતાં તો મરી નથી ગયાં. મર્યા હોય તો યે મારાં સ્વજનો બની ગયાં છે. સ્વજનો સાંભર્યા જ કરે છે. કોઈ પણ યુગ અન્ય યુગને નરી વર્તમાનની તુલાએ ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારો મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય, ઉદાર અને સાચો પ્રાણ દાખવનારી દૃષ્ટિ જરૂરી છે. યુગ એટલા વેગથી ધસે છે કે ગઇકાલ અને આજની વચ્ચે પણ દૃષ્ટિભેદના દરિયા ખોદાય છે. એટલે વેગીલી મનોદશાની સામે તો ભૂત-વર્તમાનનો કલ્યાણ-યોગ સંભવતો જ નથી, પણ આવાં ઇતિહાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે.’
પચાસ વર્ષ પહેલાં દેશમાં આંતરિક કટોકટી લાદવામાં આવી હતી. સેન્સરશિપને લીધે 37,000 પ્રકાશનોની અભિવ્યક્તિ પર ડૂચો લગાવી દેવાયો હતો. એકતરફી રહો અથવા ભોગવો આ સૂત્ર પ્રવર્તતું હતું. જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કટોકટીનો વિરોધ કર્યો તેઓ પર ચેતવણી, જપ્તી, જડતી અને જેલવાસનો રસ્તો અપનાવવામાં આવ્યો. 1 લાખ અને 10 હજાર નાગરિકોને ‘મિસા’ના અટકાયતી ધારા હેઠળ અનિશ્ચિત સમય સુધી કારાગારમાં ધકેલી દેવામાં આવ્યા તેમાં જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઇ દેસાઇ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, પીલુ મોદી, બાળાસાહેબ દેવરસ, ચંદ્રશેખર, બલરાજ મધોક, રાજમાતા વિજયારાજે, મહારાણી ગાયત્રીદેવી, દુર્ગા તાઈ ભાગવત, એસ.એમ. જોશી, મૃણાલ ગોરે, નાનાજી દેશમુખ વગેરે સામેલ હતા. દેશની કોઈ મુખ્ય જેલ ખાલી ના રહી.
સંવિધાનની જોગવાઇઓનો દુરુપયોગ કરીને ધારા 352ના ભાગ એક મુજબ રાષ્ટ્રપતિએ 25 જૂનની રાતે કટોકટીની જાહેરાત કરી અને 26મીએ સવારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેની જાહેરાત રાષ્ટ્રજોગ ઉદ્દ્બોધનમાં કરી. ખરેખર તો 12 જૂને અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ જગમોહન લાલ સિંહાએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે શ્રીમતી ગાંધીની ચૂંટણી ગેરકાયદે હતી, સરકારી મદદથી જીત મેળવી હતી એટલે સાંસદ તરીકે 6 વર્ષ સુધી ગેરલાયક અને અયોગ્ય જાહેર કર્યા હતા. 20મીએ સર્વોચ્ચ ન્યાયાલયે એટલી રાહત આપી કે અંતિમ ચુકાદા સુધી મતદાન સિવાય યથાવત્ રહી શકે. કોંગ્રેસનાં કેટલાક દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન બનવાના સપના જોવા લાગ્યા. અને શ્રીમતી ગાંધીએ સિદ્ધાર્થ શંકર રાય, ડી.પી. ધર, સંજય ગાંધી, આર.કે. ધવન વગેરેની વ્યૂહરચના પ્રમાણે કટોકટી જાહેર કરી દીધી!
તેની સામે લડનારા મોટાભાગના તો જેલોમાં હતા, છતાં દેશ-વિદેશમાં સંઘર્ષ ચાલુ રહ્યો. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ, કેનેડા, ઈટાલી, સહિત વિચારસ્વાતંત્ર્યની લડાઈ ચાલુ રહી. તેમાં મકરંદ દેસાઇ, રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, અંજલિ પંડ્યા, રંજન ગુહા, સુભાષ શર્મા, કૃષ્ણા પોતદાર, રવિ ચોપરા, ડો. મનોહર શિંદે, લોર્ડ નોવેલ બેકર, જગદીશ સુદ, પી.એન. લખનપાલ, રમણભાઈ અમીન, જે.પી. મિશ્રા, રજનીકાંત મિસ્ત્રી, ભરત શાહ, સંઘ-પ્રચારક ચમન લાલ, મુકુંદ મોદી, તનસુખ પોતા, અશ્વિન માંકડ, માણેકભાઈ લુગાની, રોક્સાના સ્વામી, રામનારાયણ કુમાર, કેદારનાથ સહાની, નયનતારા સહગલ, આનંદકુમાર, સંગઈયા આર. હિરેમઠ, શરણ નન્દી, કુમાર પોદ્દાર... આ બધાએ વિદેશોમાં પ્રચાર કર્યો, અખબારો પ્રકાશિત કર્યાં, સત્યાગહ અને પ્રદર્શનો પણ થયા. ‘ઈવનિંગ વ્યૂ’, ‘સ્વરાજ્ય’, ‘સત્યવાણી’, ‘સત્ય સમાચાર’, અને ‘ઇંડિયન ઓપિનિયન’. આમાંનું ‘સત્યવાણી’ જનસંઘની ટિકિટ પરથી વડોદરા મતવિસ્તારમાં ચૂંટાયેલા અને સરકારમાં વિદ્યુત મંત્રી મકરંદ દેસાઇએ પ્રકાશિત કર્યું. ગુજરાત સરકારના રાજીનામાના દિવસે જ ગાંધીનગરથી સીધા મુંબઈ પહોંચીને વિદેશની ધરતી પર પગ મૂક્યા. તેમના આ પ્રકાશનના અહેવાલો ‘સ્મગલર ઓફ ધ ટ્રુથ’ નામે પુસ્તકાકારે પ્રકાશિત થયા છે.
ભારતીય સંઘર્ષશીલોએ વિદેશોમાં લોકશાહી-પ્રેમી આગેવાનો, લેખકો, પત્રકારો, નેતાઓ અને અખબારોનો સંપર્ક કર્યો. 80 જેટલા નોબલ વિજેતાઓએ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં એક પાનાની જાહેરાતમાં સહીઓ કરી. સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ, ઈંડિયન્સ ફોર ડેમોક્રસી, ફ્રી જે.પી. કેમ્પેઇન, ઇંડિયન ફ્રીડમ ફર્સ્ટ, ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા સોસાયટી, ઇંડિયન વર્કર્સ એસોશિએશન.. અને બ્રિટન, અમેરિકા, ફ્રાન્સના મુખ્ય અખબારોએ કટોકટીની વિરુદ્ધ લેખો, અભિપ્રાયો અને અહેવાલો છાપ્યા. ભારત સરકારે આમાંના ઘણા પત્રોના ભારત ખાતેના સંવાદદાતાઓને દેશમાં રહેવાની મંજૂરી આપી નહોતી, અને ઘણાના માન્યતા પત્ર રદ કર્યાં હતા. પણ આ દેશોમાં અનેકોનું સમર્થન સંઘર્ષને મળ્યું, તેવા કેટલાક નામોને યાદ કરી લઈએ.
લોર્ડ નોએલ બેકર, મિલોવાન જીલાસ, હેમ જોમેલ્સચેક, જેક એન્ડરસન, મેરી ટેલર, એમ.એસ. હેરિસન, આર્થર એશ, રીગર બોર્ડન, રામસે ક્લાર્ક, લીનસ પોલિંગ, દોરોથી નોર્મન... આ બધાએ શ્રીમતી ગાંધીની ખિલાફ સક્રિયતા દાખવી. મેરી ટેલર તો ભારતની જેલમાં કેદી તરીકે રહ્યાં હતાં. ડોરોથી નોર્મન શ્રીમતી ગાંધીના નિકટવર્તી રહ્યાં હતાં. આવાં અનેક ક્ષેત્રોના 400 આગેવાનોએ કટોકટી પાછી ખેંચી લેવાની અપીલ કરી હતી. ફિજી સંમેલનમાં 13 વિદેશોએ તેના 700 સભ્યોએ ભાગ લીધો. ઈંગ્લેન્ડના બધા નગરોમાંથી 2000 લોકો આવ્યા. ઉપરાંત સિંગાપુર, કેન્યા, ટાન્ઝાનિયા, મોરિશીયસ, ઝામ્બિયા, પશ્ચિમ જર્મની, ડેન્માર્ક, કેનેડા, ટ્રિનીદાદના પ્રતિનિધિઓએ ભાગ લીધો. ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાઇટી ઇંટરનેશનલની વિશ્વભરમાં 52 શાખાઓ સ્થાપિત થઈ.
... તો આ હતી 1975ની કટોકટી કથાનો એક ભાગ. એક જ ભાગ? હા, મારી અગાઉ પ્રકાશિત સ્મરણકથા ‘મિસાવાસ્યમ્’માં આમાંની ઘણી સામગ્રી છે, પણ કટોકટીની અર્ધ શતાબ્દી આ વર્ષે છે ત્યારે બીજી ઘણી વિગતોનો અંદાજ આપતી ‘એક મિસાવાસીની જેલ-કથા’ લખી રહ્યો છું, તેમાં એ સમયના અંધારપટમાં ખોવાઈ ગયેલા રહસ્યો ઉકેલવાનો પ્રયાસ છે. કારણ માત્ર એટલું જ કે એક યા બીજી રીતે કોઈ સત્તાવાદી આપણી અસ્મિતાને સમાપ્ત કરવા પ્રયાસ કરે ત્યારે આ પાછલી સંઘર્ષ કથા પ્રેરિત કરે.