ઉપપ્રમુખ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરાશે તો ઈતિહાસ રચાશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી લડનાર પહેલા ભારતીય-અમેરિકન, પહેલા આફ્રિકન-અમેરિકન અને પહેલા એશિયન-અમેરિકન મહિલા બનશે. તેઓ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા તો દેશના પહેલા મહિલા પ્રમુખ બનશે. 2016માં પહેલી વખત યુએસ સેનેટમાં ચૂંટાયેલા કમલાના માતા ભારતના તામિલનાડુના વતની છે તો પિતા જમૈકાના છે.
કમલા ઉપપ્રમુખ કેવી રીતે બન્યાં?
કમલાએ કરિયરની શરૂઆત અલામેડા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસથી કરી હતી. 2003માં સેન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની બન્યાં. ત્યારબાદ કેલિફોર્નિયામાં એટર્ની જનરલ બન્યાં. કમલા દેશના સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યમાં મુખ્ય વકીલ અને કાયદા અમલીકરણ અધિકારી આપનાર પ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ બન્યાં. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ‘ઊભરતાં સિતારા’ તરીકે ખ્યાતિ મેળવી અને 2017માં કેલિફોર્નિયામાં જુનિયર અમેરિકન સેનેટર તરીકે ચૂંટણી જીતી હતી. જોકે, 2020માં બાઈડેને 59 વર્ષીય કમલાને ઉપપ્રમુખપદની ટિકિટ આપીને તેમને ચર્ચામાં લાવી દીધાં.
2013માં કમલાના કોમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કામ કરનાર ગિલ ડ્યૂરાન કહે છે કે આ નિર્ણયે કમલાનું નસીબ પલટી નાખ્યું. તેઓ કહે છે, ‘ઘણાને ભરોસો ન હતો કે કમલા પાસે વ્હાઇટ હાઉસમાં પદ સંભાળવા માટે શિસ્ત અને ક્ષમતા છે. જોકે, લોકો માનતા હતા કે કમલામાં મહત્ત્વાકાંક્ષા અને સ્ટાર બનવાની ક્ષમતા હતી. એ તો સ્પષ્ટ છે કે તેમનામાં પ્રતિભા છે.’
બાઈડેન તંત્રમાં ઉલ્લેખનીય યોગદાન
કમલાએ વ્હાઇટ હાઉસના કાર્યકાળ દરમિયાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે બાઈડેન તંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમ કે, રાષ્ટ્રવ્યાપી ફાઇટ ફોર રિપ્રોડક્ટિવ ફ્રિડમ માર્ચ (ગર્ભપાતના અધિકારોની સ્વતંત્રતા માટે લડાઈ) યોજી. તેમનું નામ અમેરિકી સેનેટના ઇતિહાસમાં સૌથી વધુ ટાઈ-બ્રેકિંગ મતો આપનારાં ઉપપ્રમુખ તરીકે નોંધાયેલું છે. તેમના મતથી મોંઘવારી ઘટાડવાનો કાયદો અને અમેરિકન રેસ્ક્યુ પ્લાન જેવા બિલો પાસ થયા. રેસ્ક્યુ પ્લાન થકી કોવિડ રાહત ભંડોળ અપાયું હતું. કમલાના ટાઈ-બ્રેકિંગ મતને કારણે જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ બન્યા. જોકે, કમલાને અમેરિકનો વચ્ચે વ્યાપક સમર્થન હાંસલ કરવા સંઘર્ષ કરવો પડ્યો છે.
કમલા એક, પણ ઓળખ અનેક
કમલાનો જન્મ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં એક ભારતીય માતા અને જમૈકન પિતાના ઘરે થયો હતો. પાંચ વર્ષનાં હતાં ત્યારે માતાપિતાએ છૂટાછેડા લીધા. તેમનો ઉછેર મુખ્યત્વે હિંદુ માતા શ્યામલા ગોપાલન હેરિસે કર્યો. માતા કેન્સર સંશોધક અને સામાજિક કાર્યકર્તા હતાં. તેઓ માતા સાથે ભારતપ્રવાસે પણ જતાં. જોકે, કમલા કહે છે, ‘માતાએ ઓકલેન્ડની અશ્વેત સંસ્કૃતિને અપનાવી અને બંને દીકરીને પણ તેમાં સામેલ કરી.’ કમલાએ આત્મકથા ‘ધ ટ્રુથ્સ વી હોલ્ડ’માં લખ્યું છે, ‘મારાં માતા સમજતાં હતાં કે તે બે અશ્વેત દીકરી ઉછેરી રહ્યાં છે. તેમને ખબર હતી કે અમેરિકા મને અને માયાને અશ્વેત છોકરી તરીકે જ જોશે. મારાં માતા સ્પષ્ટ હતાં કે અમે (કમલા અને માયા) આત્મવિશ્વાસથી ભરપૂર અને ગૌરવપૂર્ણ અશ્વેત મહિલાઓ બનીએ.’ કમલાના બાયરેસિયલ (આફ્રિકન અને ભારતીય) મૂળ અને ઉછેરને કારણે તેમની ઘણી અલગ-અલગ અમેરિકન ઓળખાણ છે. કમલા આ થકી અલગ-અલગ ઓળખાણ ધરાવતા લોકો સાથે જોડાઈ શકે છે. કમલા હોવર્ડ યુનિવર્સિટીમાં પસાર કરેલા સમયને જીવનના સૌથી રચનાત્મક અનુભવો પૈકીનો એક ગણાવે છે. હોવર્ડ દેશની પ્રમુખ અને ઐતિહાસિક અશ્વેત કોલેજ-યુનિવર્સિટીઓ પૈકી એક છે. 80ના દસકામાં હોવર્ડમાં અભ્યાસ વખતથી કમલાના મિત્ર લિટા રોસારિયો-રિચર્ડસન કહે છે કે તે સમયે વિદ્યાર્થી કેમ્પસમાં એકઠા થઈને રાજકારણ ને ફેશન જેવા વિષયો પર ચર્ચા કરતા ત્યારે મેં જોયું કે કમલામાં દલીલ કરવાની ધારદાર ક્ષમતા હતી.
જોકે, કમલા શ્વેત સમાજના લોકો સાથે પણ એટલી જ સરળતાથી કામ કરે છે. કમલા થોડાક વર્ષ કેનેડામાં પણ રહ્યાં છે. માતા કેનેડાની મેકગિલ યુનિવર્સિટીમાં નોકરી કરતાં ત્યારે કમલા અને નાની બહેન માયાએ મોન્ટ્રિયલ શાળામાં પાંચ વર્ષ અભ્યાસ કર્યો. કમલા કહે છે કે તેઓ હંમેશાં પોતાને ‘અમેરિકન’ તરીકે ઓળખાવે છે. રાજકારણીઓને ચામડીના રંગ કે બેકગ્રાઉન્ડના આધારે વર્ગીકૃત ન કરવા જોઈએ. ‘હું જેવી છું તેવી છું. મને આનાથી કોઈ તકલીફ નથી.’
કમલા, ‘મોમાલા’, ઇતિહાસ રચનારાં
કમલાએ 2014માં તત્કાલીન સેનેટર વકીલ ડગ એમહોફ સાથે લગ્ન કર્યાં અને તેમના બે સંતાનોનાં ઓરમાન માતા બન્યાં.
કમલાએ 2019માં ઓરમાન માતા બનવાનાં અનુભવ પર લેખ લખ્યો હતો જે બાદમાં ચર્ચામાં છવાઈ ગયો. ‘ડગ અને મારાં લગ્ન થયાં ત્યારે (સંતાનો) કોલ, એલા અને હું એક વાતે સંમત હતાં કે અમને ‘ઓરમાન માતા’ શબ્દ પસંદ નથી.’ આના બદલે તેમણે ‘મોમાલા’ શબ્દનો ઉપયોગ કર્યો.
આ શબ્દ આધુનિક અમેરિકન મિશ્ર પરિવારના પ્રતીકરૂપે રજૂ થયો. એક એવી છબિ કે જેનો મીડિયાએ પણ સ્વીકાર કર્યો. આ વિશે કેટલીક કોલમ પણ લખાઇ કે આપણે મહિલા રાજકારણી વિશે કેવી રીતે વાત કરીએ છીએ.
કમલા હેરિસની ઉપપ્રમુખપદે થયેલી જીત ઐતિહાસિક છે, પરંતુ તે જીત તેમના એકલાંની નથી. તે જીત અસંખ્ય અશ્વેત મહિલાઓની છે.