એક જમાનામાં લગભગ અડધી દુનિયા પર બ્રિટીશ રાજની આણ વર્તાતી હતી. એ બ્રિટનની શાખ અને શાન આજેય જગતભરના લોકમાનસ પર છવાયેલી છે એટલે આજેય બ્રિટન ફરવા આવનારા સહેલાણીઓ બ્રિટીશ શાહી ઠાઠની ઝલક નિહાળવા બકિંગહામ, વિન્ડસરકાસલ, કેન્સીંગ્ટન ઇત્યાદિ સ્થળોએ અચૂક જાય છે. બ્રિટીશ નાગરિકો એમના રાષ્ટ્રગાનમાં "ગોડ સેવ ધ કવીન" ગાઇને શાહી પરિવારનાં મહારાણીને ઇશ્વર સુરક્ષિત રાખે એવી શુભકામના કરે છે. બ્રિટીશ પ્રજાજનો માટે સર્વોત્તમ ગણાય એ મહારાણી અને એમના શાહી પરિવાર પર જાણે વિવાદનું વાવાઝોડું ત્રાટક્યુ હોય એવું લાગે.
ગઇકાલે (સોમવારે) સાંજે ૯.૦૦ વાગ્યે ITVઉપર મહારાણીની નાની પૌત્રવહુ મેઘન માર્કેલે અમેરિકામાં બેઠાં બેઠાં જે રીતે શાહી કુટુંબ પર માછલાં ધોયા એ જોઇને આપણું પેલું ગીત યાદ આવ્યું "વહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ વગોવ્યાં મોટા ખોરડા રે લોલ". કેલિફોર્નિયાના લોસએન્જલિસ ખાતે મેઘન માર્કેલે અમેરિકન જગપ્રસિધ્ધ ટીવી પર્સનાલિટી ઓપરા વિનફ્રેને એટલી નાટકીય ઢબે ઇન્ટરવ્યુ આપ્યો કે એ જોનારા મોટાભાગના બ્રિટીશરોનાં ભવાં ઉચાં થઇ ગયાં. મંગળવારે સવારે બ્રિટીશ ટી.વી, રેડિયો અને સમાચારપત્રોમાં મેઘન અને એના "હેન્ડપેક" હસબન્ડ હેરીના વિસ્ફોટક નિવેદન બદલ આક્રોશ વ્યક્ત થયો. મહારાણી સહિત સમગ્ર શાહી પરિવારે જેને આનંદભેર આવકાર્યા હતા એ મેઘન માર્કેલે શાહી પરિવાર પર રંગભેદનો આરોપ મૂકયો એ સમજી શકાય પણ જેમાં શાહીપરિવારનું લોહી વહે છે, જેની પરવરીશ જ શાહી કુટુંબ વચ્ચે પરંપરા મુજબ થઇ છે એનો જ રાજકુંવરે પણ પત્ની માર્કેલના આરોપને પુષ્ટિ આપી સાચો ઠેરવ્યો!! અમેરિકન પત્નીના હાથમાં હાથ પરોવીને બેઠેલા હેરીના મોઢેંથી થઇ રહેલા આરોપ સાંભળી મહારાણી, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ સહિત સમગ્ર પરિવાર સ્તબ્ધ બન્યો છે, આવા નિવેદનથી શાહી પરિવાર અને બ્રિટનની ઇમેજને બટ્ટો લગાડ્યા જેવું થયું છે.
અમેરિકન ડિવોર્સી એકટ્રેસ મેઘન માર્કેલ સાથે પ્રિન્સ હેરીના લગ્ન વિન્ડસર કાસલ ખાતે શાહી ઠાઠથી થયાં એ તો દુનિયાભરના લાખ્ખો લોકોએ ટી.વી પર નિહાળ્યાં હશે. શાહી પરંપરા મુજબ પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ એન્ડ્રુ, પ્રિન્સ એડવર્ડ, પ્રિન્સ વિલિયમનાં જે ઠાઠથી લગ્ન થયાં હતાં એવી જ જાહોજલાલીથી પ્રિન્સ હેરીએ મેઘન સાથે લગ્ન કર્યાં હતાં. એ વખતે મહારાણી અને એમનો સમગ્ર શાહી પરિવાર ખુશખુશાલ લાગતો હતો. કયાંય કોઇના ચહેરે અણગમો દેખાતો નહતો. રેડિયો, ટી.વી. પર જે રીતે આ ઇન્ટરવ્યુની ચર્ચા ચગડોળે ચડી છે, જે રીતે મોટા રાજકારણીઓ પણ રંગભેદ બાબતે ખોટા આરોપને નકારી કાઢે છે અથવા શાહી કુટુંબનો કયો સભ્ય રંગભેદી વિચારધારા ધરાવે છે એ અંગે તપાસ કરી માર્કેલ અને હેરીને જડબાતોડ જવાબ આપવા સૂચવે છે.
ઇન્ટરવ્યુ જોનારા કેટલાકનું માનવું છે કે આ અમેરિકન એકટ્રેસ મેઘન, હેરી કરતાં ઉંમરમાં મોટી છે, એ ઇન્ટરવ્યુમાં બોલી કે મને હેરીનાં દાદીમા મહારાણી છે એ ખબર નહોતી!! લોસએન્જલિસના હોલીવુડમાં બિનધાસ્ત પાર્ટીઓમાં ફરનારી એકટ્રસને આ શાહી પરિવારનું શિસ્તબધ્ધ, રજવાડી ઢબનું "પાંજરૂ" કયાંથી પરવડે. તેણી હેરીના પ્રથમ બાળકની મા બનવાની હતી ત્યારે શાહી પરિવારના સભ્યોને એના બાળક અંગે ડર હતો કે આવનારુ બાળક બ્લેક હશે તો તેને પ્રિન્સ નહી બનાવાય! એટલે એનો પાંચ મહિનાનો પુત્ર ગર્ભમાં હતો ત્યારે માનસિક તનાવ અનુભવતાં તેણે આપઘાત કરવાના વિચારો આવતા.
આપણા સમાજમાં દેરાણી-જેઠાણી વચ્ચે રાહુ-કેતુ જેવા સંબંધો હોય એમ મેઘન અને કેટ ( પ્રિન્સ વિલિયમની પત્ની) વચ્ચે પણ તનાવભર્યા સંબંધો હતા. પારકે ઘેરથી આવનારીઓ વચ્ચે પાડાખાર હોય એટલે ભાઇ-ભાઇ વચ્ચે ગમે તેટલો સ્નેહ હોય પણ એ "પત્ની પ્રેમ" આગળ ફીક્કો પડી જાય એમ લેડી ડાયેનાના આકસ્મિક મૃત્યુ પછી વિલિયમ અને હેરી વચ્ચે ખૂબ આત્મીયતા દેખાતી. વિલિયમ નાનાભાઇ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હોય એવું જોઇ શકાતું હવે એ જ ભઇલો હેરી બધુ ત્યજી અમેરિકન પત્નીને પડખે જઇ ભરાયો છે એટલું જ નહિ પણ મેઘનની જ ભાષા બોલી રહ્યો છે ત્યારે માત્ર મહારાણી કે એમનો પરિવાર જ સ્તબ્ધ બન્યો છે એટલું જ નહિ પણ સમગ્ર બ્રિટનને ધક્કો લાગ્યો છે.
આધુનિક વિચારધારા ધરાવનાર આપણી યુવાપેઢીમાં લગ્નજીવન પછીની વાર્તા જ જુદી હોય છે. પરણ્યા એટલે પારકા બહેની, ચાલો આપણે ઘેર જઇએ, હવે એ બદલાઇને "પરણ્યા એટલે પારકા ભઇલું, જાવ તમારે સાસરીયે". મોટાભાગે દીકરો પરણે એટલે પઢાયેલા પોપટ જેવો, ડાર્લિંગની ભાષા જ બોલતો હોય છે. બરોબર એવું જ હેરીના જીવનમાં બન્યું, મેઘનબેનની પક્કડ એટલી જબરજસ્ત હતી કે રામ જેવા ભાઇ વિલિયમને લક્ષ્મણ જેવા હેરીનો ત્યાગ કરવો પડ્યો. શું થાય આ તો પ્રેમ છે.