ફરજ પ્રત્યે કર્મચારીઓની પ્રતિબદ્ધતા કેટલી છે તે સંગઠનની સફળતા નિર્ધારિત કરે છે. કર્મચારીઓની પ્રતિબદ્ધતા માપવાનો અને જાણવાનો સમય વર્ક ફ્રોમ હોમથી વધારે સારો બીજો કયો હોઈ શકે? જો કર્મચારીઓ સેલ્ફ-મોટીવેટેડ હોય અને પોતાનું કામ પોતાની જાતે સમયસર પૂરું કરવામાં માનતા હોય તો સુપરવાઈઝર અને મેનેજરને વર્ક ફ્રોમ હોમ સરળ થાય. પરંતુ જો તેમના કામ પર સતત દેખરેખ રાખવી પડતી હોય, લોકો પોતાના કામ કરવાના સમયે બહાર ફરતા હોય, ફોન ન ઉપાડે અને ઇમેઇલના જવાબ ન આપે તો વર્ક ફ્રોમ હોમ કેવી રીતે થઇ શકે? આ પ્રશ્ન ઘણા સંગઠનોમાં મેનેજરોને ભોગવવો પડ્યો છે.
એક તરફ તો કર્મચારીઓ એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેમનો ઓફિસ અને ઘરના સમય વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે અને ઓફિસનું કામ હવે સાંજે, રાત્રે અને સપ્તાહના અંતે પણ ચાલ્યા કરે છે. આ વાત સાચી છે. મોટાભાગના લોકોએ આ ભોગવ્યું છે અને તેને પરિણામે લોકો ઇચ્છવા મંડ્યા છે કે વર્ક ફ્રોમ હોમ કરતા તો ઓફિસે જઈને કામ કરવું સારું. જેથી કરીને એક વાર તાળું મારીને નીકળ્યા એટલે કામ પૂરું થાય. પરંતુ રોજ રોજ સાંજે, રાત્રે અને રવિવારે ફોન વાગ્યા કરે, ઇમેઇલના રિપ્લાઈ આપવા પડે અને કેટલીય વાર અર્જન્ટ ન હોય તેવા કામ પણ વીકેન્ડમાં કરવા પડે તે હવે લોકોને પરવડે તેવું રહ્યું નથી.
જેમ કહેવત છે કે સાંકળની મજબૂતી તેની સૌથી નબળી કડી જેટલી. તેવી જ રીતે સંગઠનની ક્ષમતા તેના સૌથી ઓછું કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતા જેટલી. જો લોકો કામ પ્રત્યે કટિબદ્ધ ન રહે અને તેને પોતાની જવાબદારી સમજીને ન કરે તો બાકીના લોકોને તેના ન કરેલા કામનો બોજ ઉઠાવવો પડે. આવું લગભગ બધા જ ઓર્ગેનાઇઝેશનમાં બનતું હોય છે. જો સૌ પોતાનો પગાર લેતા હોય, પોતાના હક માંગતા હોય તો કામ પ્રત્યે વ્યક્તિગત આત્મીયતા કેળવીને શા માટે ન કરી શકે? લોકો નોકરીને પોતાનો ધંધો સમજીને કરે, તેના સંગઠનને થતા નફા-નુકસાનને પોતાનું અંગત ગણે તો સંગઠનની પ્રગતિ થાય.
પહેલા એવું કહેવાતું કે કંપની કે પેઢી પ્રત્યે વફાદાર રહેવું અને જ્યાં કામ કરતા હોય ત્યાં જ લગભગ આખી જિંદગી કાઢવામાં આવે તેવી પરંપરા હતી. પરંતુ ધીમે ધીમે મેનેજમેન્ટ અને કરિઅર ગ્રોથના નવા નિયમો લાગુ પડવા લાગ્યા. કર્મચારીઓ એવું માનવા લાગ્યા છે કંપની કે પેઢીને નહિ પોતાના કરિયરને વફાદાર રહેવું જોઈએ. એક કંપની છોડીને પગારમાં વધારો મળે ત્યારે બીજી કંપનીમાં જોડાઈ જવાનો ટ્રેન્ડ બન્યો અને પરિણામે કેટલાક લોકો તો વર્ષે વર્ષે કંપની બદલવા લાગ્યા. તેનાથી કંપનીઓને પણ નુકસાન થયું અને કર્મચારીઓની પણ અસ્થિરતા વધી. પરંતુ છતાંય આ ટ્રેન્ડ ચાલ્યા કર્યો. આજે પણ ચાલી રહ્યો છે.
આવા એકબીજા પ્રત્યે કોઈ લગાવ વિનાના આ એમ્પ્લોયર-એમ્પ્લોયીના સંબંધોમાં આજે વફાદારી અને પોતાનાપણું બચ્યું નથી. માત્ર પોતાના કરીઅર પર ધબ્બો ન લાગે એટલા માટે કે જયારે પ્રમોશનના ચાન્સ હોય ત્યારે જ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાની વૃત્તિને કારણે હવે ભાગ્યે જ એવું બને છે કે કોઈ કર્મચારીને કામ સોંપીને મેનેજર શાંતિથી બીજા કામ પર ધ્યાન આપી શકે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)