૨૬ જાન્યુઆરી આપણા ભારત દેશનો પ્રજાસત્તાકદિન છે એ તો આપણે સૌ જાણીએ છીએ. એની ઉજવણી પણ દેશવિદેશમાં વસતાં ભારતીયો ગૌરવભેર કરે છે. મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યના અતીતમાં એક ડોકિયું કરીએ. લોકજીભે ચડેલ કવિતાઓ "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની...", "તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો...", "હા... પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે..." વગેરે આપણને બાળપણના સંસ્મરણોની યાદ અપાવે છે. આજે ય ગુજરાતના અભ્યાસક્રમમાં કવિ કલાપીની કવિતાઓનો સમાવેશ કરાયેલ છે જે એની મહત્તા અને લોકપ્રિયતાનું દ્યોતક છે. આ કવિતાઓના રચયિતા કવિ કલાપીનો જન્મ દિવસ પણ ૨૬ જાન્યુઆરી છે એની આપને ખબર છે? એ નિમિત્તે ચાલો આપણે એમના સર્જનની યાદ તાજી કરીએ. આયખું માત્ર ૨૬ વર્ષનું નાનું પણ સર્જન ઘણું. ગુજરાતી સાહિત્યને કવિ કલાપીએ આપેલ અણમોલ કાવ્યોની ભેટથી તેઓ પ્રણય કવિ તરીકે અમર બની ગયા. ગુજરાતી સાહિત્યનો એ પંડિત યુગ. વરિષ્ઠ સાહિત્યકારોના એ મિત્ર. સૌરાષ્ટ્રના કાઠી રાજ્યના એ રાજવી પરંતુ માહ્યલો તો સંવેદનાસભર સર્જક જીવ.
૧૮૯૨-૧૯૦૦ સુધી એમણે લખેલ પ્રણય કાવ્યોનો એમનો સંગ્રહ “કલાપીનો કેકારવ"નું મરણોત્તર પ્રકાશન કવિ કાન્તના હસ્તે ૧૯૦૩માં થયું હતું. અન્ય પુસ્તકોમાં "કલાપીનો કાવ્ય કલાપ", હમીરજી ગોહિલ (દીર્ઘ કાવ્ય), "કાશ્મીરનો પ્રવાસ" અને "સ્વીડન વર્ગનો ધર્મ વિચાર" આદીનો સમાવેશ થાય છે.
ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિનો જન્મ સૌરાષ્ટ્રના લાઠી (અમરેલી જિ.) રાજ્યના રાજવી પરિવારમાં થયો હતો. એમનું નામ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. રાજકોટની રાજકુમાર કોલેજમાં ઇંગ્લીશ મીડીયમમાં પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ ખાનગી શિક્ષણ મેળવી અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, ઉર્દૂ ભાષાઓનો અભ્યાસ કરી સાહિત્યિક રૂચિ કેળવી. અંગ્રેજીના જાણીતા સાહિત્યકારો વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટીક કવિતાઓનો પ્રભાવ એમની રચનાઓમાં જોવા મળે છે. આ કવિઓના કેટલાક કાવ્યોના ભાવાવાહી રૂપાંતર કે અનુવાદો પણ કર્યા છે. એમના સર્જનમાં ગુજરાતી કવિઓ નરસિંહરાવ, બાલાશંકર, મણીલાલ અને કાન્તની કવિતાઓની છાયા છે. તેમ છતાં કલાપીનું સર્જન એમના અનુભવોની હતાશા લઇને
આવે છે.
એમના મોટા ભાગના કાવ્યો જીવન સંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવન સંઘર્ષ જ્યારે ચરમસિમાએ પહોંચ્યો ત્યારે ૧૮૯૭-૯૮માં વધુ નોંધપાત્ર કાવ્યો લખાયાં છે. પ્રણય કવિ તરીકે જાણીતા હોવા છતાં પ્રેમ ઉપરાંત પ્રકૃતિ પ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી એમની કવિતાઓ મહદ્અંશે છંદોબધ્ધ છે. મંદાક્રાન્તા, શિખરિણી વગેરે છંદોમાં રચાયેલા એમના કાવ્યો લોકજીભે રમે છે. છંદોબધ્ધ લઘુ કાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઊર્મિ કાવ્યોના પ્રકારમાં તથા ખંડ કાવ્યોમાં ચરિત્રાંકનનું અને ઊર્મિ વિચારનું મનોરમ્ય આલેખન આગવી મુદ્રા આંકે છે.
કાવ્યો ઉપરાંત પ્રવાસ વર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્ય લેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨માં કરેલા ભારત પ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક
શ્રી નરહરિ જોષીને લખેલા પત્રો "કાશ્મીરના પ્રવાસ" કથનમાં પ્રકૃતિના સૌંદર્યના વિસ્મય સાથે લોકજીવનના કરેલા ઝીણા ઝીણા નિરીક્ષણો નોંધપાત્ર છે.
૧૫ વર્ષની વયે બે રાજકુંવરીઓ સાથે એમના લગ્ન થયાં. રોહા-કચ્છના કુંવરી રમાબા અને કોટડા-સૌરાષ્ટ્રના કુંવરી આનંદીબા.
રાજબા રમાબાના એ પ્રેમમાં હતા અને એમને પ્રેમ પત્રો લખતા પરંતુ આનંદીબાને ક્યારેય પ્રેમ કર્યો ન હતો. જોકે પતિ તરીકેની પોતાની ફરજ ચૂક્યા ન હતા. નાની વયે પિતા અને મોટાભાઇનું અવસાન થતા ૨૧ વર્ષની વયે સુરસિંહજીનો રાજ્યાભિષેક થયો. રમાબા સાથે આવેલ રાજદાસી મોંઘી (પાછળથી શોભના)ને કેળવણી આપતા સુરસિંહજીનું વાત્સલ્ય એના બુધ્ધિ ચાતુર્ય, સાહિત્ય શોખ અને રૂપને કારણે પ્રેમમાં પરિવર્તિત થયું. રાજબા રમાબા અને શોભના બન્નેને તેઓ પ્રેમ કરતા હતા પરંતુ રાજરાણીને એ સ્વીકાર્ય ન હતું. જેને કારણે એમના આંતર-બાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. પરિણામે રાજ્યની ખટપટમાં રમાબા સાથે મતભેદ થયાં.
દરમિયાનમાં દાસી મોંઘીની સાહિત્ય તથા કવિની રચનાઓ પ્રત્યે રસ-રૂચિ ધરાવવાને કારણે એમની વચ્ચે પ્રેમની ગાંઠ મજબૂત બનતી ગઇ. મોંઘીને શોભના નામ આપી "કલાપી" તખલ્લુસથી એમણે કવિતાઓનું સર્જન કર્યું. ઘણાં સાંસારિક, માનસિક અને વૈચારિક સંઘર્ષો બાદ આખરે શોભના સાથે લગ્ન કરી લઇ ગાદીનો ત્યાગ કર્યો. રાજગાદીના બદલે પ્રેમનું પલ્લું નમી ગયું. કવિ રાજા તો બન્યા પરંતુ રાજ્ય અને રાજકારણમાં પોતાને ગોઠવી ન શક્યા.
છપ્પનીયા દુકાળમાં કવિ કલાપીનું લાઠી ખાતે ૯-૭-૧૯૦૦માં અવસાન થયું. એવું મનાય છે કે દાસી શોભનાના પ્રેમમાં પડેલ કવિ કલાપીને રાજબા રમાબા થકી ઝેર આપવામાં આવ્યું હતું. અંતિમ શ્વાસમાં ય એમના મુખે શોભનાનું જ નામ હતું.
કવિની યાદમાં લાઠીમાં એમના જીવન સંબંધી ચીજોનો સંગ્રહાલય "કલાપી તીર્થ" બનાવાયું છે. જેમાં એમના સ્વહસ્તે લખેલ કાવ્યો, પત્રો, ઉપયોગમાં લીધેલ રાચ-રચીલાનો સંગ્રહ, રાજમહેલ અને જે તળાવના કાંઠે બેસી કાવ્યો લખતા હતા એ બધી યાદોં આ તીર્થમાં સાંકળી લેવાઇ છે. ગુજરાતના સાહિત્ય રસિકો માટે એ આકર્ષણનું કેન્દ્ર છે.
૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર એમના જીવન આધારિત બનાવાયું હતું જેમાં સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવી હતી. આ ચલચિત્ર બનાવવામાં લંડનની ગુજરાતી નાટ્યભૂમિના દિવંગત્ પિતામહ શ્રી એન. સી. પટેલનો સિંહફાળો હતો.