કાશ્મીરમાં સાડા ત્રણસો વર્ષ લોહરાણા વંશનું શાસન

ઇતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઇ Thursday 08th June 2017 03:01 EDT
 
 

રઘુવંશી લોહાણાઓ વેપાર-ધંધા માટે દુનિયાભરમાં મશહૂર પ્રજા. એ ક્યારેક ક્ષત્રિય અને રાજવી હતા એ વાત હવે તો ભૂતકાળની ગર્તામાં ધરબાઈ ગઈ છે, પણ ઈતિહાસકાર સ્ટેન્લી વોલ્પર્ટે લખેલા ‘Jinnah of Pakistan’માં એમણે પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી ઝીણાના પૂર્વજો પર્શિયા (આજના ઈરાન)માંથી ક્યારે કનડગતના પ્રતાપે ભારત ભણી સ્થળાંતરિત થયા એ વાતની અજાણતા દર્શાવી એ વાતે લોહાણા અને ઈસ્માઈલી આગાખાની ખોજાઓના ઈતિહાસની ભીતર સુધી જવાની તાલાવેલી સર્જી. ઝીણાના પૂર્વજ તો લોહાણા ઠક્કર હતા અને મોટી પાનેલીમાં વસવાટ દરમિયાન મચ્છીનો ધંધો કરતા ઝીણાની હવેલીએ નિયમિત રીતે જનારા પૂંજાભાઈ ઠક્કરે ઈસ્લામ કબૂલવાની ફરજ પડી હતી. દ્વિધાપૂર્ણ સંજોગો હતા. જોકે, એ જ ઝીણાના પ્રતાપે બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા પડ્યા અને એ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા લેખાયા. 

હિંદુ લોહાણા, ખોજા અને મેમણ બધાયનું ગોત્ર તો પર્શિયામાં અને લોહાણામાં જ મળે છે. પર્શિયામાં ધાર્મિક કનડગતને પરિણામે જ હિંદુ લોહાણા અને ઈસ્લામ કબૂલ કરનારા મેમણ અને ખોજા પરિવારોએ ભારત ભણી ઉચાળા ભરવા પડ્યા હતા. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે, જ્યાં લોહાણા વેપાર-ધંધો કરતા જોવા નહીં મળે. વીરપુરના જલારામ બાપાએ તમામ લોહાણાઓને એકસૂત્રે બાંધવાનું પ્રેરકબળ પૂરું પાડ્યું.

લોહાણા-અસ્મિતાની વૈશ્વિક જાગૃતિ

પોરબંદરના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર નરોત્તમ પલાણ કને વર્ષ ૨૦૧૩માં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ યોગેશ લાખાણીએ ‘રઘુવંશી લોહાણા જ્ઞાતિનો ઈતિહાસ’ નામની સો પાનાંની પુસ્તિકા તૈયાર કરાવી પ્રગટ કરાવી. એ જ વર્ષે ષષ્ટમ્ વૈશ્વિક રઘુવંશી મહાઅધિવેશન નિમિત્તે સ્મારિક ગ્રંથ ‘રઘુવંશી-અસ્મિતાનો ઉન્મેષ’ (સંપાદનઃ કનુ આચાર્ય) પણ પલાણ સાહેબના માર્ગદર્શનમાં બહાર પડ્યો. બંનેમાં લોહાણાઓના ભવ્ય ભૂતકાળની છૂટીછવાઈ વાતોનો અભ્યાસ કરવાની તક મળી. સ્વયં પ્રા. પલાણ નોંધે છેઃ ‘સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે ‘લોહાણા જ્ઞાતિનો ઈતિહાસ’ લખાવો જોઈએ.’
૮૨ વર્ષીય પ્રા. પલાણ અને ૬૭ વર્ષીય આચાર્ય પાસે સંપાદન-લેખનનું કામ મહાપરિષદે કરાવીને દુનિયાભરમાં વસતા રઘુવંશીઓને ઢંઢોળવાનો પ્રયાસ જરૂર કર્યો છે. આ વિશ્વસંસ્થાના વર્તમાન પ્રમુખ પ્રવીણ કોટક અને એમની ટીમ પણ લોહાણા-અસ્મિતાનો વૈશ્વિક પ્રયાસ અને સંયોજન કરવા તત્પર છે. પૌરાણિકથી આધુનિક કાળ સુધીના લોહાણાના ઈતિહાસને ફંફોસવાના પ્રયાસો અગાઉ પણ ઘણા મહાનુભાવોએ કર્યા છે. જામ ખંભાળિયાના કાનજી ઓધવજી હિંડોચા થકી છ વર્ષ સુધી બળદના એકામાં ગામડેગામડે ફરી શ્રી લોહાણા મહાપરિષદનાં ૧૯૧૦માં મંડાણ થાય એનું પુણ્યકાર્ય કર્યું.
આ સમાજે અફઘાનિસ્તાન-પશ્ચિમ ભારતમાં અનેક રાજવીઓ અને કચ્છ-સૌરાષ્ટ્રનાં અનેક રજવાડાંના દીવાનો પણ આપ્યા છે. ૧૯૩૮માં હરિપુરા ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં હરુભાઈ ઠક્કર ‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ્લ ગફાર ખાનને મળ્યા અને અફઘાનિસ્તાનના હિંદુ પઠાણોમાંના વઝીરિસ્તાનના લોહાણાઓનો સંપર્ક થયો. પ્રા. પલાણની પુસ્તિકા પૂર્વસૂરિઓના પ્રયાસોનાં વધામણાં કરીને નવી પેઢીને રઘુવંશી ઈતિહાસને હાથવગો કરી આપે છે.

શ્રી રામના પુત્ર લવના વંશજ લોહાણા

‘વાયુપુરાણ’ જે વંશાવળી આપે છે તે મુજબ, સૂર્યવંશની મુખ્ય શાખા ઈક્ષ્વાકુવંશના ૫૪મા રાજા રઘુથી ‘રઘુવંશ’ શરૂ થયો. રાજા રઘુના પૌત્ર એટલે અયોધ્યાનરેશ રાજા દશરથ. એમના જયેષ્ઠપુત્ર રામના બંને પુત્રોના વંશો ચાલ્યા છે. જેમાંથી કુશનો કુશવંશ અને લવનો લવવંશ. લવના વંશજ એ ઈ.સ. ૧૩૦૦ લગી રાજવી અને ક્ષત્રિય રહ્યા ત્યાં લગી એ લોહરાણા ગણાયા. એ પછી એ ક્રમશઃ ક્ષત્રિયમાંથી વૈશ્ય થયા એટલે લોહરાણાને બદલે લોહાણા ગણાયા. પાંચેક હજાર વર્ષ પહેલાં સૂર્યવંશી ભગવાન શ્રીરામચંદ્રજીના પુત્ર લવના વંશજ લોહરાણા ‘ક્ષત્રિય’ છે, તે છેલ્લાં હજાર વર્ષમાં ધીરેધીરે ‘વૈશ્ય’માં પરિવર્તન પામ્યા છે.
કાશ્મીર સિવાયના પ્રદેશમાં ખાસ કરીને સિંધમાં આ પરિવર્તન દશમી-અગિયારમી સદીથી આરંભાઈ ગયું છે. પંજાબમાં બારમી સદીથી અને કાશ્મીરમાં ઈ.સ. ૧૩૪૦ના છેલ્લા લોહાર રાજવી સંગ્રામજી અને તેણે દત્તક લીધેલા રામજીના પતન પછી કોઈ લોહાણો ‘ક્ષત્રિય’ રહ્યો નથી. પ્રા. પલાણ નોંધે છે કે ‘દરિયાલાલ’ અને ‘દરિયાપીર’ જેવા વિશેષણોથી જે આજે પણ પૂજાઅર્ચના પામે છે તે સંત ઉડેરાલાલ, ‘ક્ષત્રિય’માંથી ‘વૈશ્ય’માં ગણના પામવા લાગેલી ‘લોહાણા જ્ઞાતિ’ના આદ્યપુરુષ છે. ‘લોહારાણા’ અને ‘લોહાણા’ વચ્ચેનો ફરક સમજવા જેવો છે. લવના વંશજો જ્યાં સુધી ‘ક્ષત્રિય’ છે ત્યાં સુધી ‘લોહરાણા’ છે અને જ્યારથી ‘વૈશ્ય’માં પરિવર્તન પામ્યા છે ત્યારથી ‘લોહાણા’ છે. વીરદાદા જસરાજે માંગોલ લડાકુ ચંગીઝ ખાન (બૌદ્ધ) સામે જંગ ખેલ્યો અને ગઝનીના સુલતાન સબકતગીનને કાબૂલમાં એના દરબારીઓની હાજરીમાં જ મોતને ઘાટ ઉતાર્યો. એ વીરદાદા જશરાજ ‘લોહરાણા’ છે અને સંત ઉડેરાલાલ ‘લોહાણા’ છે. ઈ.સ. ૧૩૦૦ પૂર્વે ‘લોહરાણા’ છે. એ પછી ક્રમશઃ ‘લોહાણા.’
સબકતગીન મૂળ હિંદુ ગુલામ હતો. એણે ઈસ્લામ કબૂલ્યો હતો. એનો દીકરો મહમૂદ ગઝની સોમનાથને લૂંટવા અને નષ્ટ કરવા અનેકવાર ચડાઈ કરતો રહ્યો હતો. એણે કાબૂલના હિંદુ રાજવીઓને પરાસ્ત કરવા માટે પણ ચડાઈઓ કરી હતી અને એમાં સફળ રહ્યા પછી કાશ્મીર પર જ્યારે લોહરાણાનું રાજ હતું ત્યારે એને કબજે કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ એણે કર્યો હતો. અત્યારના ઉઝબેકિસ્તાનમાં આવેલું સમરકંદ-બુખારા પણ રઘુવંશી લોહાણાઓના અખત્યાર હેઠળ હતું.

કાશ્મીરમાં રાણી દિદ્ધા થકી લોહાણા વંશ

કાશ્મીરમાં રાજા ક્ષેમગુપ્ત (ઈ.સ. ૯૫૦-૯૫૮)નું શાસન હતું ત્યારે લોહરાણા રાજવીની રાજકુમારી દિદ્ધા સાથે એમનાં લગ્ન થયાં હતાં. અત્યારના પાકિસ્તાનનું લાહોર એ વેળા લોહરગઢની રાજધાની હતું. આ રાજકુમારીની સાથે એનો ભત્રીજો સંગ્રામજી પણ કાશ્મીર ગયો હતો. રાણીએ પચાસ વર્ષ સુધી કાશ્મીરમાં પોતાનો પ્રભાવ પાડ્યો એની નોંધ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ અને વાજપેયી સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા જગમોહને પોતાના પુસ્તકમાં વિગતે લીધી છે. કાશ્મીર પર ત્રણેક સદી સુધી લોહરાણા વંશનું શાસન રાણી દિદ્ધા થકી ચાલતું રહ્યું અને એ પછી કાશ્મીર લડાખના બૌદ્ધ શાસકના હાથમાં આવ્યું, પણ એણે ઈસ્લામ કબૂલ્યો એટલે કાશ્મીરમાં લોહાણા કે લોહાર વંશનો અસ્ત થતાં ઈસ્લામી શાસન સ્થપાયું હતું.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 10 June 2017 અથવા ક્લિક કરો વેબ લિંકhttp://bit.ly/2sIDpLk)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter