કિંગ ઝ્વેલિથિનીઃ ઝુલુ અને ભારતીય સમુદાય વચ્ચે સાંસ્કૃતિક સહકારના પ્રખર હિમાયતી

શ્રીમતિ રુચિ ઘનશ્યામ Wednesday 17th March 2021 10:00 EDT
 
 

સાઉથ આફ્રિકાના ઝુલુ રાષ્ટ્રને ૧૨ માર્ચ ૨૦૨૧ના દિવસે તેના આઠમા રાજવીના નિધનથી ભારે આઘાત સહન કરવો પડ્યો છે. દિવંગત ઝુલુ કિંગ ગૂડવિલ ઝ્વેલિથિની કાભેકુઝુલુએ પાંચ દાયકા રાજ કર્યું અને ૭૨ વર્ષની વયે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સના લીધે ડર્બનની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા. તેમનો જન્મ જુલાઈ ૧૯૪૮માં નોનગોમા, નાતાલ (હવે સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ- KZN પ્રાંત, જેની રાજધાની ડર્બન છે.) કિંગ સીપ્રીઆન બેકુઝુલુ કાસેલોમોનના આ પુત્રે બેકેઝૂલુ કોલેજ ઓફ ચીફ્સમાં અભ્યાસ પછી ખાનગી શિક્ષણ મેળવ્યું હતું. ઝુલુઓના આઠમા રાજવી તરીકે તેમનું રાજ્યારોહણ ૧૯૭૧ની ૩ ડિસેમ્બરે પરંપરાગત સમારોહમાં થયું હતું જેમાં, ૨૦,૦૦૦ લોકોએ હાજરી આપી હતી. રંગભેદકાળ પછીના સાઉથ આફ્રિકન બંધારણમાં કિંગની વિશિષ્ટ શિષ્ટાચારી-ઔપચારિક ભૂમિકા છે. બંધારણમાં પરંપરાગત શાસક તરીકેની  માન્યતાનો અર્થ એ હતો કે તેમને સરકારી સહાય પ્રાપ્ત થતી હતી.

તેમની પાસે કોઈ સત્તાવાર રાજકીય સત્તા ન હતી અને વ્યાપક સાઉથ આફ્રિકન સમાજમાં તેમની ભૂમિકા ઔપચારિક હોવાં છતાં, તેમની સંસ્કૃતિ બહારના લોકો દ્વારા પણ તેમને પરંપરાગત નેતાનું સન્માન અને આદર અપાતા હતા. તેમના અડધી સદીના શાસન દરમિયાન તેઓ ખાસ કરીને અમાઝુલુ (ઝુલુ પ્રજા) સહિત સાંસ્કૃતિક ઓળખની જાળવણી અને એકતાને ઉત્તેજન આપવાના પ્રખર હિમાયતી હતા. તેમણે ઝુલુ પ્રજા અને KZN પ્રાંતમાં વસતા બહુમતી ભારતીયો અને સાઉથ આફ્રિકામાં ભારતીય કોમ્યુનિટી વચ્ચે સમાધાન અને સાંસ્કૃતિક સહકાર વધારવામાં કામગીરી કરી હતી.

સાઉથ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો મુખ્યત્વે ૧૯મી સદીમાં શેરડીના ખેતરોમાં કામદારો તરીકે જહાજોમાં આવી પહોંચેલા સૌપ્રથમ વેઠિયા મજૂરોના વંશજ છે. દિવંગત કિંગ ઝ્વેલિથિનીએ અનેક વખત ભારતીયોનો ઉલ્લેખ પોતાના વફાદાર પ્રજાજનો તરીકે કર્યો હતો. તેમણે ભારતીય કોમ્યુનિટીના કેટલાક અગ્રણીઓને પોતાના સલાહકાર તરીકે પણ સ્થાન આપ્યું હતું.

આ બધામાં સૌથી નોંધપાત્ર બિઝનેસમેન અને પરોપકારી ઈશ્વર રામલુછમાન હતા જેમણે KZNની બે કોમ્યુનિટીઓ વચ્ચે સેતુ બની રહેવાનું કાર્ય કર્યું હતું. દિવંગત કિંગે રામલુછમાનની સામાજિક સંવાદિતા, પ્રકૃતિના સંરક્ષણ તેમજ દરેકના સાંસ્કૃતિક વારસા અને ધર્મ પ્રતિ આદરની પ્રતિબદ્ધતા અને પ્રોત્સાહનને ધ્યાનમાં રાખી ઝુલુ કિંગ્ડમના પ્રિન્સ નિયુક્ત કર્યા હતા. તેઓ માનતા હતા કે સાઉથ આફ્રિકામાં આફ્રિકન અને ભારતીય કોમ્યુનિટીઓ વચ્ચે મજબૂત બંધન સમૃદ્ધ ભાવિ માટે મહત્ત્વપૂર્ણ છે કારણકે બંને સમુદાયોએ રંગભેદી નીતિઓના કારણે ભારે યાતના સહન કરી હતી. દિવંગત કિંગના નોનગોમાના ગ્રામીણ નિવાસે વાર્ષિક દિવાળી સમારોહનું આયોજન રામલુછમાન દ્વારા કરાતું હતું જેમાં, ઝુલુ અને ભારતીય કળાકારોના પરફોર્મન્સીસને નિહાળવા હજારો લોકો હાજર રહેતા હતા.

દિવંગત કિંગ ઝ્વેલિથિની તેમના દેશ અને ભારત વચ્ચે વિશિષ્ટ સંબંધો ઈચ્છતા હતા. સાઉથ આફ્રિકાસ્થિત ભારતીય હાઈ કમિશનર તરીકે તેમની સાથે મારી મુલાકાતોમાં તેઓ હંમેશાં ભારત સાઉથ આફ્રિકામાં આપી શકે તેવા અને ખાસ કરીને યુવાન સાઉથ આફ્રિકનોના કૌશલ્યવિકાસ દ્વારા યોગદાનની વાત કરતા હતા. વડા પ્રધાન મોદીએ જુલાઈ ૨૦૧૬માં સાઉથ આફ્રિકાની મુલાકાત લીધી ત્યારે તેમના સન્માનમાં KZN અને ડર્બન સત્તાવાળાઓ દ્વારા આયોજિત સમારંભમાં તેમણે ખુશીથી હાજરી આપી હતી અને વડા પ્રધાનના નેતૃત્વ હેઠળના ભારત અને તેના વિકાસની ઉષ્માપૂર્વક પ્રશંસા કરી હતી.

ઝ્વેલિથિનીએ ૨૦૧૭માં ડર્બનમાં કોન્સુલ જનરલના સત્તાવાર નિવાસસ્થાનની સર્વપ્રથમ મુલાકાત લીધી હતી જ્યાં તેમનું સ્વાગત કરવા હું હાઈ કમિશનના ઉચ્ચ પ્રતિનિધિઓની ટીમ સાથે પ્રીટોરીઆથી આવી હતી. ડર્બનમાં ભારતના તત્કાલીન અને વર્તમાનમાં બર્મિંગહામમાં કોન્સુલ જનરલ ડો. શશાંક વિક્રમ અને તેમના સુંદર પત્ની ડો. મેઘાએ યજમાની સંભાળી હતી. આ મુલાકાત દરમિયાન, દિવંગત કિંગે ક્વાઝુલુ-નાતાલ પ્રોવિન્સને તેમના તમામ નાગરિકો માટે સારું સ્થળ બનાવવા ઈચ્છા અમારી સમક્ષ વ્યક્ત કરી હતી. તેઓ માનતા કે ભારતીયો અને ઝુલુ લોકો સાથે મળીને આ કાર્યને શક્ય બનાવી શકશે. તેમણે આ પ્રસંગે ઈન્ડિયા હાઉસમાં વૃક્ષારોપણ કર્યું હતું. અમે તેમને ડર્બનમાં નાગરિક સત્કાર સમારંભમાં વડા પ્રધાન મોદી સાથેની તેમની તસવીરનું વિશાળ પોર્ટ્રેટ ભેટ કર્યું હતું.

ઝુલુ રાષ્ટ્ર અને લોકોને કિંગ ઝ્વેલિથિનીની ભારે ખોટ સાલશે. દિવંગત કિંગે રંગભેદકાળમાં ભૂલાઈ કે અદૃશ્ય કરી દેવાયેલી સાંસ્કૃતિક પરંપરાઓને સજીવન કરવા અથાક કાર્ય કર્યું હતું. સાઉથ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો માટે કિંગનું નિધન કોમ્યુનિટીના શુભેચ્છક અને મિત્રને ગુમાવવાનું છે જેમણે સહિયારા લાભ માટે બંને કોમ્યુનિટીઓ વચ્ચે શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું હતું.

(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter