કેરળના મહારાજા ચેરામન પેરુમલે મહંમદ પયગંબર સાહેબની હયાતિમાં જ ઈસ્લામ કબૂલ્યો હતો

ડો. હરિ દેસાઇ Monday 08th May 2017 07:42 EDT
 
 

પ્રદેશ ખોબલાં જેવડો, પણ એનો ઈતિહાસ ભવ્ય. અત્યારના દક્ષિણ ભારતીય રાજ્ય કેરળ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો જાણે કે સંગમ. પ્રાચીન કાળથી અરબી સમુદ્રની નજીકના દેશોને આ પ્રદેશ સાથે સંપર્ક સાધવાની તક મળી. પરદેશી વ્યાપારીઓ મોતી, મસાલા (તેજાના), સાગનાં લાકડાં વગેરેની શોધમાં કેરળનાં બંદરો પર આવતા. આરબ પ્રદેશોમાંથી ઈસ્લામ ધર્મ બહુ વહેલો કેરળમાં પહોંચ્યો અને ધર્માંતર દ્વારા તેનો ઝડપથી ફેલાવો થવા લાગ્યો. સૌથી વહેલા આવનારા વેપારીઓ રોમથી આવ્યા. જે મુખ્ય બંદર તેઓ ઉતરેલા તેનું નામ મુઝુરિસ (હાલનું ક્રેંગનોર અથવા કોડુંગબુર). આરબો, બેબીલોનિયનો, ફિનિસિયનો, ઈઝરાયલી તેમજ ગ્રીક, રોમનો અને ચીનાઓ બધા જ જૂના કાળથી કેરળના સાગરતટથી આકર્ષાયા... મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને યહૂદીઓ આ પ્રદેશમાં આબાદ થયા અને સ્થાનિક હિંદુ પ્રજા સાથે સંપૂર્ણ સલાહ-સંપથી રહ્યા.

કવલમ્ નારાયણ પાણિક્કરના પુસ્તક ‘કેરળઃ લોકો અને સંસ્કૃતિ’ના નેશનલ બુક ટ્રસ્ટે શશિન ઓઝા પાસે કરાવેલા અનુવાદ પર નજર કરીએ ત્યારે ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ ગણતા કેરળનું મનમોહન ચિત્ર નજર સામે તગે છે. ભારતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૯૬૬.૩ મિલિયન હિંદુ, ૧૭૨.૨ મિલિયન મુસ્લિમ અને ૨૭.૮ મિલિયન ખ્રિસ્તી છે. એટલે કે ૭૯.૮ ટકા હિંદુ, ૧૪.૨૩ ટકા મુસ્લિમ અને ૨.૩ ટકા ખ્રિસ્તી વસ્તી છે. કેરળ આ પ્રમાણમાં જુદું પડે છે. એની કુલ ૩,૩૪,૦૬,૦૬૧ જેટલી વસ્તીમાં ૫૪.૭૩ ટકા હિંદુ, ૨૬.૫૬ ટકા મુસ્લિમ અને ૧૮.૩૮ ટકા ખ્રિસ્તી છે.

થોડાંક વર્ષો પહેલાં કેરળના પ્રવાસે જવાનું થયું ત્યારે વિશ્વ બેંકમાં સેવા આપી ચૂકેલા વસ્તી નિષ્ણાત એવા કે. સી. ઝકેરિયાના ઘરે એમની સાથે કેરળની મુસ્લિમ પ્રજા અને મુસ્લિમ જિલ્લા માલ્યાપુરમ્ વિશેના એમના અભ્યાસની ચર્ચા નીકળી. નામ પરથી મુસ્લિમ લાગે, પણ તેઓ સિરિયન ખ્રિસ્તી છે. એમના અભ્યાસનાં તારણ છેઃ ‘મુસ્લિમોમાં શિક્ષણ અને સમૃદ્ધિ વધે છે એમ એમના પરિવારની સભ્યસંખ્યા ઘટે છે.’ કેરળના મુસ્લિમો અખાતીય દેશો (ગલ્ફ)માં નોકરી-ધંધા કરીને સમૃદ્ધ અને શિક્ષિત થાય છે. એની સકારાત્મક અસરો જોવા મળી છે.

કેરળમાં પ્રાચીન કાળથી બધા જ ધર્મોનો સંગમ જોવા મળ્યો. વેપારનાં કેન્દ્ર અને મલબાર તટનાં બંદરોના મહાત્મ્યે સમ્રાટ અશોકના શાસનકાળમાં કેરળમાં સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ના ચલણની સાથે જ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારને પણ મહત્ત્વ આપ્યું. ચીની વેપારીઓ મહદ્અંશે બૌદ્ધ હતા એટલે બૌદ્ધવિહારો પણ જોવા મળ્યા. હિંદુ રાજવીઓની તમામ ધર્મો પ્રત્યેની ઉદારનીતિને કારણે કોમી એખલાસનું વાતાવરણ જળવાયું. ઈશુ ખ્રિસ્તના બાર શિષ્યોમાંના સેન્ટ થોમસ ઈ.સ. ૫૨ (બાવન)માં કેરળ આવ્યા. ઉચ્ચ વર્ણીય બ્રાહ્મણ ગણાતાં પાંચ નામ્બૂદરી બ્રાહ્મણ પરિવારોએ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો.

માત્ર દલિત કે પછાતો જ નહીં, ઉચ્ચ વર્ણીય પ્રજાએ પણ ધર્માંતરણ કર્યું હતું. મહંમદ પયગંબર સાહેબની હયાતિમાં એટલે કે ઈ.સ. ૫૭૦-૬૩૨ દરમિયાન કેરળમાં ઈસ્લામ પહોંચ્યા. મહારાજા ચેરામન પેરુમલે ઈસ્લામ કબૂલ્યો. પવિત્ર મક્કાની યાત્રા કરી. મહંમદ પયગંબર સાહેબ સાથેની એમની મુલાકાતે તાજુદ્દીન નામ બક્ષ્યું, અરેબિયાના રાજવીની બહેન સાથે નિકાહ પઢીને પાંચ વર્ષ એ ત્યાં જ રહ્યા. સ્વદેશ પાછા ફરતાં એ બીમાર પડ્યા. ઓમાનમાં એમનો ઈન્તકાલ થયો, પણ એ પહેલાં પોતાનું સામ્રાજ્ય જે વારસદારોને મક્કા જતાં પહેલાં વહેંચી આપ્યું હતું, એમને પત્રો લખ્યા. આરબ વેપારી અને મહંમદ પયગંબર સાહેબના નિકટના સાથી મલિક ઈબ્ન દિનાર અને અન્યોની આગતાસ્વાગતા કરવાની ભલામણ કરી.

ઈતિહાસકારોમાં મતમતાંતર છે, પણ મોટાભાગના ઈતિહાસકારો સંમત છે કે કેરળમાં ઈ.સ. ૬૨૯માં ભારતની સૌથી પહેલી મસ્જિદ મહારાજા ચેરામન પેરુમલની રાજધાની કોડુંગલુર ખાતે મલિક ઈબ્ન દિનારના શુભહસ્તે એક મંદિર કે બૌદ્ધવિહારના સ્થળે બંધાઈ.

વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ ૨૦૧૬માં ભારતની મુલાકાતે આવેલા સાઉદી રાજા સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદને ભારતની એ સૌપ્રથમ અને ૧૪૦૦ વર્ષ પહેલાં બંધાયેલી ચેરામન જુમ્મા મસ્જિદની સુવર્ણમઢિત પ્રતિકૃતિ ભેટ આપી હતી. ભારતમાં ઈસ્લામ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં પવિત્ર કુરાન લઈને ફેલાવાયો નથી એ વાત આ મસ્જિદ થકી પ્રતિપાદિત થાય છે.

મલબાર કાંઠાના બંદરો પર સ્થાયી થયેલા વેપારી આરબોએ સ્થાનિક મહિલાઓ સાથે લગ્નસંબંધ બાંધ્યા. એમની પ્રજા મોપલા ગણાઈ. ઉત્તર કેરળના કાલિકટના ઝામોરિન શાસકો પ્રત્યે મોપલાઓનો જે સમર્પણભાવ હતો અને એમણે રાજવીના નૌકાદળનો વહીવટ એટલો સુંદર રીતે કર્યો કે રાજવી એમના પર રીઝી ગયા હતા. નામાંકિત ઈતિહાસકાર એ. શ્રીધર મેનન તો ‘અ સર્વે ઓફ કેરળ હિસ્ટ્રી’માં નોંધે છે કે ઝામોરિન શાસકોએ આદેશ બહાર પાડ્યો હતો કે નૌકાદળ માટે જરૂરી માનવધન પૂરું પાડવા માટે હિંદુ માછીમારોએ પોતાના પરિવારના વધુ એક કે વધુ પુરુષને મુસ્લિમ તરીકે ઉછેરવા! સંભવતઃ આ જ કારણસર કેરળના કોઝીકોડે (કોચીન) અને માલ્યાપુરમ જિલ્લાઓમાં મુસ્લિમોનું પ્રમાણ વધુ છે.

કેરળ ભારતમાં સૌથી વધુ શિક્ષિત રાજ્ય છે. છૂટાછવાયા, રાજકીય હિંસાના બનાવોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી પ્રજા સુમેળ અને એખલાસથી રહે છે. હિંદુ ધર્મનો પુનરોદ્ધાર કરનાર શંકરાચાર્ય કેરળના કાલડીમાં જન્મ્યા હતા. એમણે ચાર દિશામાં ચાર પીઠો સ્થાપી હતી.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 13th May 2017 વેબલિંકઃ http://bit.ly/2pqvukr)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter