ક્યારેક કોઈ પ્રશ્ન કરતી વખતે મનમાં સંકોચ થાય કે આવો સામાન્ય સવાલ પૂછીશું તો લોકો શું વિચારશે? કોઈ સાથે વાત કરતા કે કોન્ફરન્સમાં કે સેમિનારમાં લોકો ઘણી વાર તેમના મનમાં આવતા પ્રશ્નો પૂછવામાં આવો સંકોચ અનુભવે છે. પરિણામે એવું બને છે કે એ સામાન્ય ગણાતી વાત જ વર્ષો સુધી સમજાતી નથી અને તેનાથી આગળની બાબતો સમજમાં આવવા લાગે છે. તો અહીં સામાન્ય પ્રશ્ન એ છે કે શું આવા સામાન્ય પ્રશ્નો પૂછવા જોઈએ?
એક જૂની વાર્તા યાદી આવી. એક રાજા હતો. તેના દરબારમાં બે ઠગ આવ્યા. તેમણે કહ્યું કે રાજાજી, અમે એવા સુંદર અને ચમત્કારિક રેશમી કપડાં બનાવીએ છીએ કે તેને માત્ર બુદ્ધિશાળી લોકો જ જોઈ શકે અને મૂર્ખ લોકોને તે કપડાં ન દેખાય. તેને પહેરવાલાયક વ્યક્તિ આપના સિવાય બીજું કોણ હોઈ શકે? રાજા ફુલાયો અને પોતાના માટે આવા ચમત્કારિક રેશમી કપડાં બનાવવાનું કામ સોંપ્યું. બંને ઠગોએ તો પડાવ નાખ્યો રાજાના મહેમાનવાસમાં અને રાજા પાસેથી ખુબ પૈસા લીધા. સોનુ, ચાંદી અને હીરા - ઝવેરાત પણ માંગ્યા કે તેમને રાજાના પોશાકમાં જડવા છે. રાજાએ તે પણ આપ્યા. આખરે નિશ્ચિત દિવસે પોશાક રાજાને પહેરાવવામાં આવ્યો. પરંતુ રાજાને તો તે દેખાય જ નહિ. ઠગોએ કહ્યું કે જુઓ રાજાજી, આ પોશાક માત્ર બુદ્ધિશાળી વ્યક્તિ જ જોઈ શકે. બોલો, તમને કેવો લાગ્યો આ પોશાક? તેને કંઈ દેખાય નહિ પરંતુ શરમનો માર્યો રાજા તો પોશાકની પ્રશંસા કરવા લાગ્યો.
દરબારમાં આવ્યો અને મંત્રીઓની સામે જાહેરાત કરી કે તેણે ચમત્કારિક પોશાક પહેર્યો છે. પોતાને મૂર્ખ સાબિત ન કરવાના ડરથી મંત્રીઓ પણ કહે કે સુંદર પોશાક છે. આખરે રાજાએ પોતાની પ્રજાની બુદ્ધિમતાનું સ્તર માપવા સરઘસ કાઢવાનું નક્કી કર્યું. રાજા પોતાના ચમત્કારિક વસ્ત્રોમાં ઘોડા પર બેસીને નગર ફરવા નીકળ્યો અને પ્રજાજનો તેને જોવા રસ્તાની બંને બાજુએ હરોળમાં ઉભા. મૂર્ખને કપડાં ન દેખાય તેવી વાત તો આખા નગરમાં ફેલાઈ ગઈ હતી માટે કોઈને પોશાક દેખાય નહિ તો પણ લોકો કઈ બોલે નહિ. પરંતુ સરઘસ નીકળી રહ્યું હતું ત્યારે એક નાના બાળકે પૂછ્યું કે મમ્મી, રાજાજીએ કપડાં કેમ નથી પહેર્યા? રાજાએ આ સાંભળ્યું અને તેને સમજાયું કે કૈંક ભૂલ થઇ ગઈ લાગે છે. તરત જ તેણે સરઘસ પાછું વાળ્યું.
તેણે મંત્રીઓ સાથે બેઠક યોજી. નિષ્કર્ષ એ નીકળ્યો કે પોતાને મૂર્ખ સાબિત ન કરવાના ચક્કરમાં ભલભલા સામાન્ય વાતોનો સ્વીકાર કરતા અચકાય છે. કોઈએ એ પ્રશ્ન ન પૂછ્યો કે રાજાના કપડાં કેમ દેખાતા નથી. એક વ્યક્તિ પણ બોલી હોત તો બીજાએ તરત ડોકું હલાવ્યું હોત. પરંતુ પહેલ કરવાની હિમ્મત કોઈએ ન કરી.
આવું તો આપણી સાથે રોજબરોજ થતું હોય છે. સાવ સામાન્ય લાગે તેવી બાબતો અંગે આપણે પ્રશ્ન કરતા નથી. આપણા કલ્ચરમાં જ નથી. એટલે તો ધર્મની બાબતોમાં આપણે સૌ અંધશ્રધ્ધાળુ ગણાઈએ છીએ કારણ કે તર્ક આપણે કરતા જ નથી. જે કહે તે સ્વીકારી લેવાની, આજ્ઞાંકિતતા આપણા વારસામાં મળે છે. તેનું પરિણામ એવું આવે છે કે જયારે કોઈ પ્રશ્ન કરે ત્યારે આપણી પાસે પણ જવાબ હોતો નથી.
નજીવી લાગતી, ક્ષુલ્લક ગણી શકાય તેવી બાબતોનું પણ મહત્ત્વ આપણા જીવનમાં સારું એવું હોય છે. તે સ્વીકારીશું ત્યારે જ આપણને સમજાશે કે કોઈ જ અજ્ઞાન નાનું નથી હોતું. કંઈ જ જાણ્યા વિના ચાલી જશે તેવો અભિગમ મોંઘો પડી શકે છે. કોઈના કહેવાથી, પોતાને ન સમજાય તો પણ હા કહી દેવી રાજાની જેમ આપણને પણ નાગા કરી શકે છે અને ગામમાં ફુલેકે ચડાવી શકે છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)