કોપનહેગન: પ્રાચીન - અર્વાચીન સંસ્કૃતિના સંગમનો અદ્ભૂત સમન્વય

-જ્યોત્સના શાહ Monday 03rd March 2025 06:02 EST
 
 

-જ્યોત્સના શાહ
ડેન્માર્કનું પાટનગર કોપનહેગન સદીઓનો ઇતિહાસ સંગ્રહી બેઠું છે. સદીઓ પહેલા કેટલાય યુધ્ધોનો સંઘર્ષ સહ્યો છે. પરંપરાગત અને મોડર્ન સ્થાપત્ય કલાનું એ મથક છે. એની ગલીએ ગલીએ કોપનહેગનની સર્જનાત્મક અને નાવીન્યભરી વિકસિત સંસ્કૃતિના દર્શન થાય છે. સાઇટસીઇંગ દિલો-દિમાગને ખુશખુશાલ કરી દે તેવું. પાણીના ઉછળતાં મોજાં - એક્ટીવ વોટરફ્રન્ટ જાણે કે તમને તરો-તાજા થવા આવકારી રહ્યા છે. વાઇકીંગથી માંડી કોન્ટેમ્પરી ડેનીસ ડીઝાઇનની ઇમારતો, અસંખ્ય મ્યુઝીયમો વગેરે જોવા વોક કરવું પડે. હોંશ અને જુસ્સામાં ચાલી તો લઇએ પરંતુ હોટલ પરત જઇએ ત્યારે ખબર પડે કે અધધ...કેટલું બધું ચાલ્યા!! શહેરમાં આંટા મારતા મારતા ૧૫,૦૦૦ થી ૧૭,૦૦૦ પગલાં ક્યારે થઇ ગયા એનો અંદાજ જ ના આવે. પગની કઢી થઇ ગઇ હોય પણ બીજા દિવસે ઉઠીએ કે પાછા નવું નવું જાણવા-જોવાના ઉમંગથી શરીરમાં સ્ફૂર્તિ આવી જાય.
વિશ્વમાં સૌથી સ્વચ્છ પાણી કોપનહેગનના હાર્બોસમાં છે. એની બે-ત્રણ દિવસની ટૂંકી મુલાકાતમાં ય ઘણું મેળવ્યાના પ્રવાસનો આનંદ થાય.
 ત્યાં દ્વિ ચક્રી સાયકલની બોલબાલા. વુડન કાર્ગો બોક્સ સાથેની સાયકલ ભાડે લઇ કોપનહેગનની સફર કરવા સવારથી યુવાનિયાઓ નિકળી પડે. એની મજા કંઇક ઓર હોય. સ્થાનિક યુવાનો, વડિલો કે પ્રવાસીઓ સૌ કોઇ સાયકલ-સવારીથી તાજી હવાને ફેફસાંમાં ભરી દેવા અને તંદુરસ્તી જાળવવા સાથે પર્યાવરણને શુધ્ધ રાખવા સજાગ હોય એવું પ્રતીત થયા વિના ન રહે! સમર હોય કે વિન્ટર, વરસાદ હોય કે તપતો સૂરજ…બધી જ ઋતુમાં બારે માસ બાઇકનું શાસન!
જો કે નવી ઇલેક્ટ્રીકલ રેલ્વે નેટવર્ક શરુ થયા બાદ શહેરમાં હરવા-ફરવાનો વિકલ્પ છે, સવલત છે. એથી સાઇકલ ચલાવતા ન આવડે તો ચિંતા નહિ!
૧૪૪૫માં કોપનહેગન ડેન્માર્કનું પાટનગર બન્યું. ૧૬મી સદીના પાછલા ભાગમાં એનો ટ્રેડ વિસ્તર્યો અને શહેરની સિમા પણ વિસ્તરી. એના નવા બિલ્ડીંગોમાં બાર્સેન એક્સચેન્જ, ધ હોલમેન્સ ચર્ચ, ટ્રીનીટેટીસ ચર્ચ, સુવિખ્યાત રાઉન્ડ ટાવર અને રોસનબર્ગ (હવે શાહી પરિવારનું મ્યુઝીયમ) શાર્લોટન બોર્ગ પેલેસ (હવે રોયલ એકેડેમી ઓફ આર્ટ્સ) વગેરેનો સમાવેશ થાય છે. ૧૬૫૮-૬૦ દરમિયાન બે વર્ષ સ્વીડન સાથેના યુધ્ધમાં કોપનહેગન ઘેરાઇ ગયું હતું. ૧૭૨૮ અને ૧૭૯૫માં લાગેલી આગમાં કેટલીક ઇમારતો અને ઘરો નાશ પામ્યા. અને ૧૮૦૭માં બ્રિટિશરો દ્વારા બોંબમારાને કારણે શહેરની હાલત કફોડી બની ગઇ હતી. ૧૮૫૬માં કિલ્લાઓની દિવાલો પર શસ્ત્રોના વાર થવા પર પૂર્ણવિરામ મુકાયા બાદ શહેરની વિકાસ કૂચે વેગ પકડી. ૧૮૭૪માં બોટનીકલ ગાર્ડન અને રોયલ થિયેટર બંધાયું.
શહેરનું હાર્દ ટાઉનહોલ સ્કવેર છે. શહેરની ઐતિહાસિક સાઇટમાં એમલીબર્ગ કાસલ-શાહી મહેલ - લંડનના બકિંગહામ પેલેસ જેવા ક્વીન પેલેસમાં બદલાતા ડેનિસ ગાર્ડ્સ પ્રવાસીઓનું આકર્ષણ રહ્યા છે. આમ્લીયન બોર્ગ પેલેસ, સ્કવેરની વચમાં મોટો ડોમ,મનને શાંતિ આપે એવું પવિત્ર વાતાવરણથી સભર ચર્ચ, બ્લેક ડાયમંડ લાયબ્રેરી, રોયલ ડેનિસ પ્લે હાઉસ, ૧૯૧૩માં હેન્સ ક્રીશ્ચિયન એન્ડરસનની સુવિખ્યાત પરીકથાની યાદ અપાવતું લેંગ્લીના પીઅરમાં લીટલ મેરમેઇડ સ્ટેચ્યુ પ્રવાસીઓ માટેનું શહેરનું સૌથી મોટું આકર્ષણ છે.
૧૬મી સદીના ડેનિસ એસ્ટ્રોનોમર ટાયચો બ્રાટેની યાદમાં એના સ્ટેચ્યુ સહ પ્લેનેટોરીયમ ૧૯૮૯માં ખૂલ્લું મુકાયું જે જોવાલાયક છે.
જૂની ફેશનનું સ્કેન્ડેવીયન શહેર, કોપનહેગન હાર્બર પર લાંગરેલી જૂના જમાનાની સાક્ષી સમી બોટ્સ, બોટીંગની મજા લેતા પ્રવાસીઓના જૂથો ….સુંદર પાર્ક, સદીઓથી અડીખમ એવી કોબલ સ્ટોનની શેરીઓ, જૂના ડેનિસ ઘરો તો ખરા જ, સાથે આશ્ચર્ય પમાડે તેવું અધતન ડીઝાઇન અને સ્થાપત્ય સહ ઐતિહાસિક ફીલનું અદ્ભુત મિશ્રણ. શહેર અને ડેનિસ લોકોની અજોડ કથા રજૂ કરતા ૬૦ થી વધુ મ્યુઝીયમો. રોયલ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સમાં એક્સપરીમેન્ટલ થીએટર પ્રોડક્શનથી માંડી કટીંગ એજ એક્ઝીબીશન્સ જોવા મળે.
નાણાંના ઇતિહાસમાં કોને રસ ન પડે! અત્રેના મ્યઝીયમમાં વિશ્વની “મની હિસ્ટરી” છે. ૧૪૭૨માં બાન્કા મોન્ટે ડી સીયેના - વિશ્વની સૌથી જૂનામાં જૂની બેન્કોમાંની એક આજે ય અસ્તિત્વ ધરાવે છે. ૧૫૩૧માં એન્ટવર્પમાં પ્રથમ સ્ટોક એક્સચેન્જ ખૂલ્યું. ૧૬૧૬માં ડેનિસ ઇસ્ટ ઇન્ડિયા કંપની ડેન્માર્કની પ્રથમ લિમિટેડ કંપની બની. એ જ અરસામાં ભારતમાં ય ઇસ્ટ ઇન્ડીયા કંપની સ્થપાઇ અને ભારતને ગુલામીની ગર્તા તરફ ધકેલી ગઇ. ૧૬૨૩માં બોર્સન સ્ટોક એક્સચેન્જ કોપનહેગનમાં ખૂલ્યું. ૧૬૬૮માં વિશ્વની પ્રથમ નેશનલ બેન્ક સ્વીડનમાં ખૂલી હતી. ૧૭૩૬માં ડેન્માર્કની પ્રથમ બેન્ક કુરાન્ત ખૂલી. ૧૮૧૦માં ડેન્માર્કની પ્રથમ બેન્ક ખૂલી. ૧૮૧૮માં ડેન્માર્કની નેશનલ બેન્ક નોટ ઇસ્યુ કરવામાં મોનોપોલી સહ ખૂલી. વિશ્વના ડેરી ઉત્પાદનમાં ય ડેન્માર્ક મોખરે છે. અહિના ડોનટ્સ પ્રખ્યાત છે. નાના-મોટા સૌને એ ખાવામાં રસ!
 તીવોલી એમ્યુસમેન્ટ પાર્ક મનોરંજનની દુનિયાનો તાજ છે. ત્યાં આખો દિવસ ઘૂમ્યા જ કરો એવી રંગીન જગ્યા છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલ આ તીવોલીમાં વિવિધ રાઇડ્સ, રેસ્ટોરંટ્સ, બગીચો અને રંગબેરંગી ફૂલોની સેજ, કુદરતી દ્રશ્યો, ક્લાસીકલ સીમ્ફનીસ અને જાઝ લાઇવ ટયુ્ન્સ, રંગબેરંગી લાઇટોની ઝળહળતી રોશની અને ખાસ કરીને રાતનો લાઇટ શો…ચાકચૌંધ કરી
દે તેવા છે. વાતાવરણ જીવંત, મૈત્રીસભર અને મોકળાશવાળું
“હીપી કલ્ચર”.
હવે વાત આપણા ગુજરાતીઓની. દરિયા ખેડુ સાહસિક પ્રજા ગુજરાતીએ તો દુનિયાનો કોઇ ખૂણો અછૂત રાખ્યો નથી! ઠેર ઠેર પોતાના વસવાટ જમાવ્યા છે. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પોતાની સંસ્કૃતિ સાથે લઇ જઇ સંવર્ધિત કરતા રહ્યા છે. કવિ ખબરદારે લખ્યું છે એમ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. એ મુજબ કોપનહેગનમાં ય ભારતીય તહેવારો રંગેચંગે ઉજવાય છે અને ગુજરાતી અસ્મિતાના દર્શન થાય છે.
૧૯૭૦માં પ્રથમ ગુજરાતી કુટુંબો કોપનહેગનમાં ગયા બાદ ત્યાં શૈક્ષણિક અને રોજગારીની તકો વધતા ક્રમશ: ૨૦૦૦-૨૦૧૭માં ગુજરાતીઓની વસ્તી વધતી ગઇ.
૪ નવેમ્બર ૨૦૧૭માં ડેન્માર્ક ગુજરાતી સમાજની સ્થાપના કોપનહેગનમાં થઇ. હાલ ૧૦૦થી વધુ કુટુંબો ત્યાં સ્થાયી થયા છે. હવે તો અહિંયા નવરાત્રિની રમઝટ જામે છે, હોળીમાં રંગોના ફુવારા ઉડે અને જન્માષ્ટમીના દિવસે ભક્તિ રંગ જામે. ભારતના સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં દેશપ્રેમના રાષ્ટ્રીય ગીતો ગવાય ને ત્રિરંગો લહેરાય. પીકનીકની મજા અને રમતગમતની હરિફાઇમાં સોસીયલ મેળાવડા જામે છે. દિવાળીનો ઝગમગાટ ને ઉતરાયણમાં પતંગ ચગાવવાનું ગુજરાતીઓ ચૂકતાં નથી!
સ્વદેશ અને સ્વ સંસ્કૃતિના રંગે રંગાયાની તસવીરો શેર કરતું સોસીયલ મીડીયા પણ ખરું જે દુનિયાભરના ગુજરાતીઓ સાથે સાંકળી રાખે છે. ઇન્ડિયન ડાયસ્પોરા સોળે કળાએ ખીલે છે, ઉત્સવપ્રેમી ગુજરાતીઓ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હોંશે હોંશે કરે છે અને ભારતીયપણાની શાન વધારે છે. સાથે સ્થાનિક સમાજને ય સામેલ કરે છે. દરેક સાથે હળી-મળી જવું એ તો ગુજરાતીની લાક્ષણિકતા. . ભારત-ડેન્માર્ક વચ્ચેના રાજદ્વારી સંબંધો સપ્ટેમ્બર ૧૯૪૯માં સ્થાપિત થયા હતા. પરંતુ વેગવંતા બન્યા ભારતના વડાપ્રધાન મોદીજીના વીઝનથી. ૨૮ સપ્ટેમ્બર’૨૦માં ‘ગ્રીક સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ’, મે’૨૨માં ભારતના “કલ્ચરલ એક્સેન્જ પ્રોગ્રામ’ અને ૨૨ ફેબ્રુઆરી’૨૪માં માઇગ્રેશન એન્ડ મોબીલીટી પાર્ટનરશીપના કરાર નવી દિલ્હી ખાતે થયા એથી સંબંધોની સાંકળ મજબૂત બનતી જાય છે.
અમારા બીઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલના બહેનનું કુટુંબ ત્યાં વસે છે એથી એમના ભાણેજ શાર્દૂલ સાથે વાતચીત કરી ડેન્માર્કના ગુજરાતીઓ વિષે માહિતી મેળવી.
કોપનહેગનમાં રહેતા શાર્દૂલને અમે પંુછું કે, ‘ગુજરાતીઓ મુખ્યત્વે કયા વ્યવસાયમાં સંલગ્ન છે? તેણે જણાવ્યું કે, ‘ગુજરાતીઓએ વિવિધ ક્ષેત્રે પ્રદાર્પણ કર્યું છે. મુખ્યત્વે આઇ.ટી.પ્રોફેશન્લોએ ડેન્માર્કની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીના વિકાસમાં યોગદાન આપેલ છે. કેટલાક સુવિખ્યાત એન્જીનીયરો, એકાઉન્ટન્ટ્સ અને લેક્ચરર્સ છે. કેટલાક બીઝનેસીસમાં છે. જેમ કે કન્વીનીયન્સ શોપ્સ, રેસ્ટોરંટ્સ ઇત્યાદિ. ડેન્માર્ક ગુજરાતી સમાજ સ્થાનિક ગુજરાતીઓ માટે સારી સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે છે ઉપરાંત નવા ઇમિગ્રન્ટોને ડેનિશ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા માટે મદદરૂપ થાય છે એથી અજાણ્યા વાતાવરણમાં પોતાપણું લાગે છે.
આમ જુઓ તો ડેન્માર્કનું કોપનહેગન શહેર પ્રમાણમાં મોંઘું છે. પરંતુ ગુજરાતીઓ સ્થિતિ સ્થાપક ગુણને કારણે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. સફળ શૈક્ષણિક કારકિર્દીને કારણે પ્રોફેશન હોય કે બીઝનેસ દરેકમાં સિધ્ધિ મેળવી સારી રીતે સ્થાયી થઇ જાય છે. મોટાભાગના ગુજરાતીઓ ડેનિશ ભાષા શીખવાનો પ્રયાસ કરતા હોવાથી સ્થાનિક પ્રજા સાથે હળી-મળી શકે છે.
અમારે ટેક્સ ભરવાનો હોય છે પરંતુ એ સાથે જ ડેનિશ સરકાર મફત હોસ્પીટલ કેર અને એજ્યુકેશનની સુવિધા પૂરી પાડે છે જેથી ઉચ્ચ જીવનશૈલી પોષાય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter