૨૦૨૦ ‘ફોર્બ્સ’ ઇન્ડિયા રિચ લિસ્ટ તાજેતરમાં જાહેર થયું. તેમાં કોરોનાના સમયમાં પણ ટોચના ૧૦૦ ધનવાન લોકોની કુલ સંપત્તિ ૧૪% વધી હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાને કારણે આર્થિક સંકોચન આવેલું પરંતુ આ ૧૦૦ પૈકી ૫૦ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં વધારો થયાનું નોંધાયું છે. મુકેશ અંબાણી, રિલાયન્સના ચેરમેન છેલ્લા ૧૩ વર્ષથી પ્રથમ ક્રમાંકે રહ્યા છે અને તેની સંપત્તિમાં ૨૦૨૦ દરમિયાન ૭૩%નો વધારો થઈને, $૩૭.૩ બિલિયન વધીને, $૮૮.૭ બિલિયન સુધી પહોંચી. તેના માટે રિલાયન્સ જીઓમાં થયેલું રોકાણ એક મુખ્ય કારણ છે.
ગૌતમ અદાણીએ પોતાનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે અને તેમની સંપત્તિમાં પણ ૬૧% વધારો નોંધાયો છે. તેમની કુલ સંપત્તિ $૨૫.૨ બિલિયનની છે. તેમણે આ વર્ષ દરમિયાન મુંબઈ એરપોર્ટમાં ૭૪% હિસ્સો ખરીદ્યો છે. એચસીએલના ચેરમેન શિવ નાદાર કે જેમણે આ જુલાઈમાં પોતાની પોસ્ટ પુત્રી રોશની નાદાર મલ્હોત્રાને આપી દીધેલી તેઓના ક્રમમાં ત્રણ આંકનો સુધારો થયો છે અને તેઓ ત્રીજા ક્રમે પહોંચ્યા છે. તેમની કુલ સંપત્તિ $૨૦.૪ બિલિયનની નોંધાઈ છે.
રાધાક્રિષ્ન દામાણી કુલ $૧૫.૪ બિલિયનની સંપત્તિ સાથે ત્રણ સ્થાન ઉપર ચડીને ચોથા ક્રમે છે. તેમની કંપની એવેન્યુ સુપરમાર્ટ્સ છે. ત્યાર પછીના પાંચમા ક્રમે હિન્દુજા ભાઈઓ છે જેમની કુલ સંપત્તિ $૧૨.૮ બિલિયન ડોલર રહી હતી. છઠ્ઠા ક્રમે આવનાર સાયરસ પૂનાવાલા છ સ્થાન ઉપર ચડીને ૬ઠ્ઠા સ્થાને પહોંચ્યા છે. તેમની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોરોનાની રસી બનાવવામાં ઓક્સફર્ડ સાથે કામ કરી રહી છે. તેમની કુલ સંપત્તિ ૨૬%ના વધારા સાથે $૧૧.૫ બિલિયન નોંધાઈ હતી.
કિરણ મઝુમદાર-શોની કંપની બાયોકોન કે જે ૨૭મા ક્રમે છે તેમાં સૌથી વધારે ૯૩.૨૮%નો વધારો નોંધાયો છે. તેમની સંપત્તિ બમણી થઈને $૪.૬ બિલિયન સુધી પહોંચી. આ વર્ષ દરમિયાન વાઇરસ માટેની દવા બનાવનારી બધી કંપનીઓની સંપત્તિમાં વધારો થયો છે. ભારતી એરટેલના શેરની કિંમતમાં પણ ૪૨%નો વધારો થયો તેનું કારણ ઈન્ટરનેટ ડેટાનો ઉપભોગ છે. સુનિલ મિત્તલ, એરટેલના ચેરમેનનું સ્થાન લિસ્ટમાં ૧૧મુ રહ્યું અને તેમની કુલ સંપત્તિ $૧૦.૨ બિલિયનની નોંધાઈ.
આ વર્ષે ૯ નવા નામો ‘ફોર્બ્સ’ ૧૦૦ યાદીમાં આવ્યા છે જયારે એક ડઝન જેટલા નામો બહાર નીકળી ગયા છે. લગભગ ત્રીજા ભાગના ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. લિસ્ટમાં સૌથી છેલ્લા ક્રમે રહેનાર ઉદ્યોગપતિની સંપત્તિ $૧.૩૩ બિલિયન હતી.
ટોચના દશ ધનવાન લોકોના નામોની યાદી અહીં આપી છે.
મુકેશ અંબાણી - $૮૮.૭ બિલિયન
ગૌતમ અદાણી - $૨૫.૨ બિલિયન
શિવ નાદાર - $૨૦.૪ બિલિયન
રાધાક્રિષ્ન દામાણી - $૧૫.૪ બિલિયન
હિન્દુજા બ્રધર્સ - $૧૨.૮ બિલિયન
સાયરસ પૂનાવાલા - $૧૧.૫ બિલિયન
પલોનજી મિસ્ત્રી - $૧૧.૪ બિલિયન
ઉદય કોટક - $૧૧.૩ બિલિયન
ગોદરેજ ફેમિલી - $૧૧ બિલિયન
લક્ષ્મી મિત્તલ - $૧૦.૩ બિલિયન
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)