યુકેમાં કોરોના મહામારીને લગભગ એક વર્ષ થવાં આવ્યું છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં જ હું સૌપ્રથમ વખત કોવિડ-૧૯ વિશે સાવધ થઈ હતી. ત્યાં સુધીમાં તો ચીનના વુહાન શહેરમાં તેનાથી ફેલાયેલી યાતના કે પીડા બાબતે અખબારોના અહેવાલો પરથી જાણકારી મળેલી હતી. લગભગ એક વર્ષ અગાઉ, હું ભારતથી આવેલા મિત્ર સાથે ઓક્સફર્ડ સ્ટ્રીટમાંથી ચાલતી જઈ રહી હતી ત્યારે ફાર-ઈસ્ટના કેટલાક પર્યટકોના જૂથ પાસેથી પસાર થયા હતા. તેમણે માસ્ક પહેરેલા હોવાથી તેઓ અલગ જ તરી આવતા હતા. તે દિવસોમાં લંડનમાં આવું દૃશ્ય જોવાં મળે તે વિચિત્ર હતું. તે જૂથમાંથી એક વ્યક્તિને અચાનક ઉધરસનો હુમલો શરુ થયો. તે જોવાં સાથે મારા મિત્રે કોવિડ-૧૯ અંગે ભયજનક ટીપ્પણી પણ કરી હતી. તે દૃશ્ય, તે પળ મારાં ચિત્તમાં અંકાઈ ગઈ હતી. જોકે, તેને હસી કાઢ્યાનું મને આજે પણ યાદ છે. એક વર્ષ પછી વિશ્વમાં ૮૬ મિલિયન લોકોને તેનો ચેપ લાગ્યો છે અને ૧.૮૫ મિલિયન લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે માસ્ક લગાવેલા ચહેરા હવે વિચિત્ર જણાતા નથી. પર્યટકો અને મોટી ભીડ જોઈને નાકનું ટીચકું ચડી જાય તેવી શક્યતા વધુ રહે છે.
યુકે અને અન્ય કેટલાક દેશોમાં વાઈરસનો નવો વેરિએન્ટ-સ્ટ્રેન મળી આવવા સાથે મહામારી સામે લડાઈની અત્યાવશ્યકતાની નવી લાગણીનો ઉમેરો થયો છે. ભારતમાં પણ નવા સ્ટ્રેનના કેસ જોવા મળ્યા છે. અસરગ્રસ્ત લોકો સાથે કોનો સંપર્ક થયો છે તે શોધવાની આક્રમક ઝડપ અને તેમના આઈસોલેશનથી ભારતમાં વાઈરસની વધુ ચેપી આવૃત્તિના ભારે ઉછાળાને ટાળી શકાશે. સૌ પહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ અને વધુ અસલામત કેટેગરીના લોકોના ત્વરિત અને ઝડપી વેક્સિનેશન અને તે પછી સમગ્ર વસ્તીને આવરી લેવાય તે જ આ વાઈરસથી સર્જાયેલાં અને સમગ્ર વિશ્વને ધમરોળી રહેલાં રોલરકોસ્ટરમાંથી બહાર આવવાનો શક્ય માર્ગ જણાય છે.
આના પરિપ્રેક્ષ્યમાં ભારતમાં કોવિડ-૧૯ વિરુદ્ધ નિયંત્રિત ઉપયોગ માટે બે વેક્સિનો, કોવિશિલ્ડ અને કોવેક્સિનને અપાયેલી મંજૂરીથી વાઈરસ વિરુદ્ધ સામૂહિક રસીકરણનો માર્ગ ખુલ્લો થયો છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા (Oxford-AstraZeneca) કોવિડ-૧૯ વેક્સિનને કોવિશિલ્ડ નામ અપાયું છે. બીજી તરફ, ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા નિર્મિત સ્વદેશી વેક્સિન કોવેક્સિન માટે મંજૂરીની પ્રક્રિયા મુદ્દે કેટલાક સવાલો ખડા કરાયા છે. જોકે, ડ્રગની શોધખોળ, ડ્રગના વિકાસ, વેક્સિનોનાં ઉત્પાદન, બાયો-થેરપ્યુટિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી હૈદરાબાદસ્થિત આ ભારતીય બાયોટેકનોલોજી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરે તેનો બચાવ પણ કર્યો છે. અહેવાલો અનુસાર SIIની વેક્સિનને કોવિશિલ્ડ સરકારને રૂપિયા ૨૫૦ (£૨.૫૧)ની કિંમતે અપાશે અને ભારતના ખાનગી માર્કેટમાં રૂપિયા ૧,૦૦૦ (£૧૦.૫૧)ની કિંમતે પ્રાપ્ત થઈ શકશે. ફાઈઝર-બાયોએનટેક દ્વારા વિકસાવાયેલાં વેક્સિન કરતાં તે ઘણું સસ્તું છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે. કહેવાય છે કે પૂણેસ્થિત SII ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા કોવિડ-૧૯ વેક્સિનનું દર મહિને ૫૦થી ૬૦ મિલિયન ડોઝનું ઉત્પાદન કરશે. આ અગાઉ, યુકે દ્વારા પહેલા ફાઈઝર વેક્સિનને મંજૂરી અપાઈ છે અને તેના ફ્રન્ટલાઈન વર્કર્સનું રસીકરણ પણ ચાલુ કરી દેવાયું છે. હાલમાં જ ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા વેક્સિનને પણ મંજૂરી મળી છે. યુકેમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના કેસીસ વધતા જાય છે અને વધુ કડક લોકડાઉન્સ લાદવામાં આવ્યા છે તેવી પરિસ્થિતિમાં ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા અને SII વેક્સિન સામૂહિક વેક્સિનેશન પ્રયાસમાં નવો પ્રાણ ફૂંકશે.
પૂણેસ્થિત SII હવે વિશ્વનું સૌથી મોટું વેક્સિન ઉત્પાદક છે. એક અંદાજ અનુસાર આશરે ૧૭૦ દેશોના તેમના આગવા રાષ્ટ્રીય ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ્સ મારફત વિશ્વના ૬૫ ટકા બાળકો સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત ઓછામાં ઓછું એક વેક્સિન તો મેળવે જ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વેક્સિન્સને માન્યતા અપાયેલી છે અને તે વિશ્વના લાખો બાળકોને જીવનદાન આપે છે. ભારતમાં કોવિશિલ્ડ વિકસાવવા અને ૧ બિલિયનથી વધુ ડોઝનું ઉત્પાદન કરવા SII દ્વારા એસ્ટ્રેઝેનેકા સાથે જોડાણ સાધવામાં આવ્યું છે. આમ, કોરોના મહામારી સામે વૈશ્વિક લડતમાં તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે.
આ મહામારીએ ભારતીય ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીના લચીલાપનને દર્શાવ્યું છે. આ ઈન્ડ્સ્ટ્રીએ ભારતમાં મેડિસિન્સની અછત ન સર્જાય તેની ચોકસાઈ રાખી છે એટલું જ નહિ, ભારત યુકે અને યુએસએ સહિત સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોમાં પેરાસિટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વિન જેવી આવશ્યક ડ્રગ્સનો પુરવઠો પહોંચાડી શકે તેની તકેદારી પણ રાખી છે. હવે ભારત માટે ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ શબ્દગુચ્છનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ચીનમાં કોરોના વાઈરસના ઉદ્ભવ સાથે કોવિડ -૧૯ની સમસ્યા સર્જાઈ છે જેણે વિશ્વના મોટા ભાગના વિસ્તારોને પોતાની લપેટમાં લઈ લીધા છે. યુકેની માફક ભારતની પણ આ મહામારીના સર્જનમાં કોઈ જ ભૂમિકા નથી પરંતુ, વેક્સિન અને અન્ય જીવનરક્ષક મેડિસિન્સ થકી આપણે ઉપાયનો હિસ્સો બની રહ્યા છીએ!
(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)