કોરોના વાઈરસ મહામારીમાં કપરા કાળમાં સમગ્ર વિશ્વે અભૂતપૂર્વ સંજોગોનો સામનો કર્યો છે. દરેક વ્યક્તિ એક અથવા બીજી રીતે યાતના સહન કરી રહી છે. ઘણા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે અને ઘણા લોકોએ પોતાના જીવનનિર્વાહના સાધનો ગુમાવ્યા છે. પરિવારો પોતાના સ્નેહીજનોને મળવા માટે પણ અશક્ત છે અને મારે કહેવું જોઈએ કે આપણું વિશ્વ હવે પહેલા જેવું નહિ રહે. રેડિયો, ટેલિવિઝન પરના સમાચાર અને સોશિયલ મીડિયા પણ મહામારીના કારણે સર્જાયેલી યાતનાઓની કહાણીઓ અને માહિતીથી ભરપૂર છે.
કોરોના વાઈરસ મહામારીના ગમગીની અને દુર્ભાગ્યના સમયગાળામાં, ધર્મ પર ધ્યાન આપ્યા વિના જ આપણા સમાજના કચડાયેલા, નબળા અને નિરાધાર લોકો પ્રત્યે કાળજી અને ચિંતા દર્શાવનારી એક ધાર્મિક કોમ્યુનિટી બહાર આવી છે તે શીખ કોમ્યુનિટી છે. શીખ ગુરુદ્વારાઓ જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા સિવાય તેમના દ્વારે આવી પહોંચેલા કોઈ પણ વ્યક્તિને ભોજન આપવા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેઓ એક કદમ આગળ વધીને પોતાની જાતની સારસંભાળ રાખી ન શકે તેવા નાજૂક- અશક્ત લોકોને ઘેર જ ભોજન પહોંચાડવા માટે વોલન્ટીઅર્સને મોકલતા હતા. તેઓ ફ્રન્ટલાઈન NHS સ્ટાફ, પોલીસ દળો અને મહામારીના કપરા સમયમાં ફસાઈ ગયેલા દરિયાપારના વિદ્યાર્થીઓની પણ મદદ કરી રહ્યા છે. શીખ કોમ્યુનિટીને તેમની નિઃસ્વાર્થ સેવા બદલ સમગ્ર વિશ્વમાંથી કદર અને સન્માન પ્રાપ્ત થઈ રહ્યું છે. આનો યશ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીને જાય છે જેમણે કહ્યું હતું કે જરુરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવું તે કોઈ પણ ધર્મનો મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. તેઓ ધાર્મિક વિધિવિધાન અને વધુપડતી પ્રાર્થનાની વિરુદ્ધ હતા. આના બદલે તેમનો ઉપદેશ હતો કે વ્યક્તિએ સખત મહેનત કરવી જોઈએ, સમાજના ઓછાં સદનસીબ લોકો સાથે પોતાની સંપત્તિ વહેંચવી જોઈએ અને હંમેશા આપણા સર્જક, પરમપિતા ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. ગુરુ નાનકદેવજીએ ૫૦૦થી વધુ વર્ષ પહેલા જરુરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન અને આશ્રય પુરું પાડવાની પરંપરાનો આરંભ કર્યો હતો. મને કહેતા આનંદ થાય છે કે આજે પણ આ પરંપરા ચાલી રહી છે. શીખ ગુરુદ્વારાઓ દરરોજ આશરે ૬ મિલિયન લોકોને નિઃશુલ્ક ભોજન પુરું પાડી રહ્યા છે તેમજ લગભગ આટલા જ લોકોની તીવ્ર યાતનાઓ અને મુશ્કેલીઓ હળવી બનાવવામાં મદદ કરી રહ્યા છે.
ગુરુ નાનકદેવજી જ્ઞાતિ-જાતિપ્રથાની વિરુદ્ધ હતા. તેમણે કહ્યું છે કે ઈશ્વરે આપણા સહુનો સર્જક છે અને પરિણામે તેમણે આપણને એકસમાન બનાવ્યા છે. તેઓ ધાર્મિક અસહિષ્ણુતા વિરુદ્ધ સર્વપ્રથમ હતા, તમામ ધર્મ-સંપ્રદાય પ્રત્યે આદરના પ્રતીકરુપે તેમના ઉપદેશોને ગ્રંથ સાહિબ (શીખ ધર્મગ્રંથ)માં સમાવી લેવામાં સર્વપ્રથમ હતા અને જરીપુરાણા કર્મકાંડ અને રીતરિવાજોનો વિરોધ કરવામાં પણ સર્વપ્રથમ હતા.
તેમણે કહ્યું છે કે ઈશ્વર પ્રત્યે જડ વળગણ આપણને સર્જક પર વધુ ધ્યાન અપાવે છે તેમજ પરિવાર, કાર્ય અને સમાજના કમનસીબ લોકો જેવાં તેના અન્ય સર્જનો પ્રત્યે આપણી ભૌતિક ફરજો અને જવાબદારીઓ તરફ ઓછું ધ્યાન કેન્દ્રિત કરાવે છે. આપણે સૌપ્રથમ તો સમગ્ર માનવજાતના કલ્યાણ વિશે વિચારવું જોઈએ. તેમણે શીખ પ્રાર્થનામાં સમગ્ર માનવજાતના કલયાણની ભાવનાનો સમાવેશ કરાવ્યો છે. તેઓ લૈંગિક અસમાનતા અને ધર્માન્તરણના પણ વિરોધી હતા. ગુરુ નાનકદેવજીએ સામાજિક સુધાર અને માનવજાતના ઉત્થાન તેમજ આનાથી પણ આગળ વધી માનવ સ્વાતંત્ર્યના ઉદ્દેશોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હોવાનું ઈતિહાસની નોંધો જણાવે છે.
એ બાબત પણ સ્મરણ કરવાને યોગ્ય છે કે આ જ શીખ કોમ્યુનિટીએ બંને વિશ્વ યુદ્ધોમાં બ્રિટિશરો સાથે ખભેખભા મિલાવી વિશ્વની સ્વતંત્રતાની રક્ષા કરવામાં મદદ કરી હતી તેમજ વફાદારી અને શુરવીરતાની મિસાલ દર્શાવવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. એ બાબતનો પણ ઉલ્લેખ કરવો અસ્થાને નહિ ગણાય કે ભારતની વસ્તીમાં તેમનો હિસ્સો ૨ ટકાથી પણ ઓછો હોવાં છતાં, ગત સદીમાં બે –બે વખત બ્રિટિશ કિંગ અને એમ્પાયરનું રક્ષણ કરવા જોડાયેલા એક મિલિયન જેટલા ભારતીય સૈનિકોમાં તેમનો હિસ્સો ૨૦ ટકાથી પણ વધારે હતો. બ્રિટિશ એમ્પાયરમાં શીખ રેજિમેન્ટને સૌથી વધુ ઈનામ-અકરામ પ્રાપ્ત થયા છે અને અન્ય કોઈની પણ સરખામણીએ માથાદીઠ વિક્ટોરિયા ક્રોસ હાંસલ કરનારી શીખ રેજિમેન્ટ જ હતી. આજે પણ તે ભારતીય લશ્કરમાં સૌથી વધુ સન્માનપ્રાપ્ત
રેજિમેન્ટ છે.
(લેખક લોર્ડ રેમી રેન્જર CBE, બ્રિટિશ શીખ એસોસિયેશનના ચેરમેન છે.)