કોરોનાકાળથી કંટાળેલાની મનોદશા

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 26th May 2021 07:26 EDT
 
 

૨૦૨૦નું વર્ષ આપણા સૌ માટે વિષજન્ય બની રહ્યું. જો કે ૨૦૨૧ (એક વિષ)નું વર્ષે પણ જાત જાતના વાયરસથી વિષજન્ય તો રહ્યું છે જ. કોણ જાણે કયારે આ કોરોના આપણો કેડો મૂકશે!? કોરોના વાયરસ વધુ ના ફેલાય એટલે સરકારે ગયા વર્ષથી લોકડાઉન જાહેર કરી આપણને સૌને ઘરમાં જ રહેવા તાકીદ કરી હતી. આપણે પણ કોરોનાના ભરડામાં ના આવી જઇએ એટલે સર્વ વ્યવહાર, તહેવાર ને મેળમિલાપને ત્યાગી ઘરની ચાર દિવાલોમાં પૂરાઇ ગયા. એ કોરોનાકાળમાં સ્ત્રીઓને જોબ અને ઘર-કુટુંબની બેવડી ભૂમિકા નિભાવતાં “નવ નેજાં થયાં”. ૬૦-૬૫એ નિવૃત થઇને સોફા સેવતા આપણા નિવૃત ભાઇઓને તો મોજ પડી ગઇ હશે પણ એમની “ભાર્યા”ઓએ છેલ્લા ૧૪ મહિનાનો કષ્ટદાયી કાળ વિતાવ્યો એની કેટલીક સાંભળેલી અને નજરે દીઠેલી હકીકતો હેરત પમાડે એવી છે.
જો કે આપણા નેશનલ હેલ્થ સર્વિસ સત્તાવાળાઓને પણ ૧૪ મહિનાના ગૃહવાસ દરમિયાન કેવી પરિસ્થિતિ સર્જાઇ હશે એનો અંદાજ આવી ગયો હશે જ એટલે સરકારી લોકડાઉન ખૂલતાની સાથે જી.પી. સર્જરીઓ સક્રિય બની ગઇ છે અને એમના પેશન્ટોની શારિરીક અને માનસિક હાલત વિષે જાંચ તપાસ કરી રહ્યા છે. સૌની જેમ મને પણ શારિરીક તપાસ માટે મારા GPએ બોલાવી હતી. ડાયાબિટીશ હોવાથી નર્સે મારા પગનાં તળિયાં, વજન, બ્લડપ્રેશર માપી બધું બરોબર હોવાનું જણાવી મને મારી માનસિક સ્થિતિ કેવી છે? એ વિષે પૃછા કરી ત્યારે મનમાં સવાલ થયો કે નર્સને મારા ચહેરા પર ચિંતા કે પાગલપણની કોઇ નિશાની દેખાઇ હશે!!? એ વખતે નર્સે ખુલાસો કરતાં કહ્યું કે "મીસીસ પટેલ ડોટ વરી યુ આર ફાઇન-ઓ.કે.” નર્સે કહ્યું અત્યારે લોકડાઉન દરમિયાન ડિપ્રેશન, એન્ઝાઇટી, પેનીક એટેક આવવા જેવી ઘણી વિટંબણાઓથી લોકો ઘેરાયેલા છે.
છેલ્લા દશેક દિવસમાં બહાર લોકોને મળતાં, ફરતાં નર્સની વાતમાં કંઇક તો દમ છે એવું લાગ્યું. એક રાતે અમારા પતિના એક મિત્રનાં પત્નીનો ફોન આવ્યો. મંગળવારની રાત્રે 'ગુજરાત સમાચાર"નું કામ આટોપી સ્નાનાદિ પરવારી પ્રભુભક્તિમાં લીન થઇએ એ પહેલાં ઘરના ફોનની રીંગ વાગી એટલે સોફામાં બિરાજેલા પતિએ ફોન આન્સર કરતાં સામે ટમુબેન (નામ બદલ્યું છે) એકદમ ગભરાયેલા સ્વરે જલ્દી ઘરે આવો, જલ્દી કરો..!! સાંભળતાં જ પતિ ફોનનું રીસીવર લઇ દોડી આવ્યા મારી પાસે... મને કહે ટમુબેનને કંઇક થઇ ગયું છે જલ્દી ચાલ...! મેં ફોન લઇ ટમુબેનને પૂછયું કેમ શું થયું?! ત્યારે સામે કોઇ વાઘ ઉભો હોય ને ડરતાં બોલીએ એમ ટમુબહેને કહ્યું, “મારું બ્લડપ્રેશર ઉંચે ચડતું જાય છે.. જલ્દી તમે તમારું મશીન લઇને આવો ને!!! અમે પૂજા કરવાના પહેરેલે કપડે જ ગાડીમાં બેસી પતિ સાથે જવા નીકળ્યા ટમુબહેનને ઘેર...! ગાડી રસ્તા પર પાર્ક કરીને હાંફળા ફાંફળા જઇને ઘરનો ડોરબેલ વગાડતાં ટમુબહેને જ દરવાજો ખોલ્યો, અમને એ જોતાં આશ્ચર્ય થયું! અંદર જઇને પૂછયંુ કોણે?... શું થયું?! ગભરાયેલાં ટમુબહેને કહ્યું, “આ જુઓને મારું બ્લડપ્રેશર ઉંચે ચડતું જ જાય છે! હમણાં છ વાગ્યે 156 હતું અને અત્યારે માપ્યું તો 198 બતાવે છે... ! મારું આ મશીન તો ખોટું નહિ હોય ને? મેં અને મારા ડોકટર પતિએ ટમુબહેનને શાંત રહેવા જણાવ્યું અને અમારા બ્લડપ્રેશર મશીનથી ચેકઅપ કર્યું એમાં પણ 198 ઓવર 90 અને પલ્સ કાઉન્ટ પણ વધુ બતાવ્યું. મેં ટમુબહેનને પૂછ્યછયું રમેશભાઇ (ટમુબહેનના પતિશ્રી) કયાં છે?! ત્યાં તો ધૂંઆપૂંઆ થતા રમેશભાઇ ઉપરના માળેથી નીચે આવ્યા! દુર્વાસા ઋષિ જેવો તાપ વેઠાય નહિ એવા ગુસ્સા સાથે રમેશભાઇ તાડૂક્યા, “આ સાલીને હું કયારનો કહું છું તું આ સિરિયલો જોવાનું બંધ કર...પણ સાંભળતી જ નથી. આ ટીવીવાળાના ઝઘડા માથે લઇને ફરે છે...! તારૂ નાટક બંધ કર... આ આને કશું નથી થયું.. !! મેં રમેશભાઇને શાંત રહેવા જણાવી ટમુબહેનને વણમાગી સલાહ આપતાં કહ્યું કે આ ટીવી સિરિયલો માત્ર મનોરંજન માટે હોય, એ સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, વર-વહુ કે બાપ-બેટાના કૌટુંબિક ઝઘડા આપણે મન પર લેવાના ના હોય... ત્યાં તો રમેશભાઇ ફરી ભભૂક્યા... "હું આ ટીવી જ તોડી નાખવાનો છું... છ વાગ્યે એની સિરિયલો ચાલુ થાય એટલે એનું શરૂ થાય... ઓ બાપા.. પેલીએ આમ કર્યું... અને પેલો લૂચ્ચો-લફંગો કેટલો નકામો છે... આવી એની કોમેન્ટો ચાલુ હોય છે અને જો હું વચ્ચે કંઇક બોલું છું તો શૂશ... કહીને મને ચૂપ રહેવા કહે છે...
પતિદેવની ફરિયાદો સાંભળી ટમુબહેન બોલ્યા એમને કહી દો આ બોલવાનું બંધ કરે... મારું બ્લડપ્રેશર ઉંચું જાય છે...મેં ફરી શાંત પાડતાં ટમુબહેનને કહ્યું "તમે રમેશભાઇની વાત પર ધ્યાન આપ્યા વગર મગજ શાંત કરી હરિનામ લીધા કરો... તમારે કૂલડાઉન થવાની જરૂર છે... ઘરમાં દોડાદોડ કરતાં ટમુબહેન કહે 'મને ઉપર બાથરૂમમાં પેશાબ કરવા જવું છે, મારો હાથ ઝાલીને લઇ જાવ પણ મને બરોબર પકડજો હોં...' બાથરૂમનું ડોર બંધ કર્યા વગર પેશાબ પતાવી યોગ અભ્યાસમાં માહેર ટમુબહેને પ્રેશર ડાઉન કરવા ઘરગથ્થુ કિમિયો અજમાવા માંડ્યો... શ્રીકૃષ્ણ શરણં મમના મંત્ર સાથે બાથ ટબનો નળ ખોલી માથે ઠંડા પાણીની ધાર કરી. મેં સલાહ આવું ગાંડપણ ના કરાય... તમે નીચે ચાલો સોફામાં સૂઇ જાવ હું એમ્બ્યુલન્સને કોલ કરું છું. ટમુબહેન સોફામાં સૂતાં ત્યાં ઠંડા પાણીએ શરીરે ધ્રુજારી ઉપડી એટલે ટમુબહેનની ગભરામણ વધવા લાગી. એમની સામેની ખૂરસી પર બેઠેલા રમેશભાઇના મુખે ફરી આગ ઝળવા લાગી.. આ પેલા બાવાને ટીવી પર જોઇને રોજ નવું નવું શીખે છે.. આ બારણે પેસતા થોરિયા (કુંવારપાઠું) ઉગ્યા છે ને એ જ કાલે કાપી નાખું.. રોજ સવારે એ કાંટાના છાંડિયા કાપીને કિલો રસ ચૂસે છે અને કોણ જાણે કેવું તેલ બનાવ્યું છે કે બાથરૂમમાં જઉં છું ત્યારે માથું ફાટી જાય છે...! સોફામાં સૂતેલાં ટમુબહેને ખુલાસો કરતાં મને કહ્યું, “કશું નહિ... આ તો ઢીંચણ દુ:ખતા 'તા એટલે મેં સરસવ ને તલના તેલમાં તજ, લવીંગ, તમાલપત્ર, મરી અને આદુ-લસણની પેસ્ટ નાંખીને તેલ ઉકાળ્યુું છે ને એની વાત કરે છે...! મેં કહ્યું, “ટમુબહેન તમે શાંત રહો અને ભગવાનનું નામ લો... એટલામાં એમ્બ્યુલન્સ આવી ટમુબહેનનું ચેકઅપ થયું એ દરમિયાન પણ ટમુ વર્સીસ રમેશના ગરમાગરમ સંવાદો ગુજરાતીભાષી હોવાછતાં એમ્બ્યુલન્સવાળા સમજી ગયા અને એ પણ હસવા લાગ્યા. ટમુબહેનનું ECG બ્લડપ્રેશર ચેક કરતા હતા એ દરમિયાન પણ એમનું અનુલોમ-વિલોમ ચાલુ જ હતું. અંતે ટમુબહેન ગયાં હોસ્પિટલ... બધું ચેકઅપ કરી એમને પેનિક એટેક આવ્યો હોવાનું નિદાન કરી રાત્રે ઘરે પરત કર્યાં.
સવારે જીપી.ને મળી બ્લડપ્રેશરની દવા શરૂ કરવા હોસ્પિટલે તાકીદ કરી હતી. એમની સાથે રમેશભાઇ પણ ગયા ત્યારે રમેશભાઇના કહેવા મુજબ આરોગ્ય નિષ્ણાત ટમુબહેને ડોકટરને સલાહ આપવા માંડી કે હું તો રોજ સવારે બે કલાક યોગા, સૂર્યનમસ્કાર કરું છું એટલે મને કશું જ ન હોય પણ ડોકટરે ટમુબહેનનું ડહાપણ સ્વીકાર્યા વગર બ્લેડપ્રેશરની દવા પ્રિસ્કાઇબ કરી આપી.
અમે પતિ-પત્ની રોજ ચારેક વાગ્યે વોક લેવા નીકળીએ ત્યારે રસ્તામાં એક વડીલ ઉભા હતા અને જાતે જ એક ગાલ પર જોરથી સટાક દઇને તમાચો મારે પછી "મેં ના કહ્યું તું ને?!! બોલી બીજા ગાલ પર તમાચો ઠોકે.... અમે થોડે દૂર ઉભા રહીને જોયું તો એ વડીલ કંઇક મનમાં બબડે... ને પાછા તમાચા ઠોકે... !! આવા કોરોનાના કપરાકાળમાં ઘરની ચાર દિવાલો વચ્ચે માનસિક ત્રાસ ભોગવતા અને એકલવાયુ જીવન જીવનારાની મનોદશા વિશે આપણી સરકાર અને નેશનલ હેલ્થ સર્વિસીસ ખાતું જાગ્રત છે, સક્રિય છે એટલે સૌ સલામત છીએ. પરંતુ આપણે પણ એકલતા અનુભવતા, મૂંઝાયેલા મિત્રો, સગાંસહોદરો સાથે વાતચીત કરી મન હળવું થાય એવા પ્રયાસ કરવા જોઇએ. વાંચક ભાઇ-બહેનો, વડીલો... અંધકાર પછી અજવાળું થાય છે...એમ આપણે ફરી હરતાફરતા, આનંદ કરતા થઇ જઇશું. સકારાત્મક બનીએ ખુશ રહીએ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter