નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યાને 26 મેના રોજ 8 વર્ષ પૂરાં કર્યા છે. ચૂંટાયેલી સરકારના વડા તરીકે પણ તેમણે 21 વર્ષ પૂરાં કર્યાં છે. 13 વર્ષ તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી પણ રહ્યાા. જવાહરલાલ નેહરુ (16 વર્ષ, 289 દિવસ), ઈન્દિરા ગાંધી (11 વર્ષ, 59 દિવસ) અને મનમોહન સિંહ (10 વર્ષ, 4 દિવસ) પછી મોદી સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા ચોથા પીએમ (આઠ વર્ષ) બની ગયા છે. બિન-કોંગ્રેસી વડા પ્રધાનોમાં મોદીએ સૌથી વધુ સમય સુધી ખુરશી સંભાળી છે. આ પ્રસંગે વાંચો, રૂપા પબ્લિકેશનના ‘મોદી@20’ પુસ્તકમાં પ્રકાશિત જાણીતી હસ્તીઓના એ કિસ્સા, જે કહે છે કયા ગુણોએ મોદીને સ્વયંસેવકમાંથી પ્રધાનસેવક બનાવ્યા...
---
નદીઓના પુનરોદ્ધાર માટે 24 કલાકમાં પગલાં
સપ્ટેમ્બર 2017માં અમે નદીઓનો પુનરોદ્ધાર કરવા 29 દિવસની દેશવ્યાપી રેલી યોજી હતી. આશરે 16 કરોડ લોકોના સમર્થન અને 720 પાનાના દસ્તાવેજ સાથે અમે દિલ્હી પહોંચ્યા. અમે વડા પ્રધાન મોદીને નદીઓના પુનરોદ્ધારની નીતિનો ડ્રાફ્ટ સોંપ્યો. બીજા જ દિવસે પીએમઓમાંથી કોલ આવ્યો અને દસ્તાવેજોની સોફ્ટ કોપી માંગી, જેથી સંબંધિત નિષ્ણાતોને મોકલી ચર્ચાવિમર્શ થઈ શકે. નવેમ્બર 2017માં કેન્દ્ર સરકારે નીતિ આયોગ હેઠળ એક સમિતિ રચી. છ મહિનામાં આ સમિતિએ એક પ્રોગ્રામ તૈયાર કરીને વિભાગને મોકલ્યો. તમામ રાજ્યોને મોકલેલા પત્રમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું કે નદીઓના પુનરોદ્ધાર માટે મોટું મિશન લોન્ચ કરાઈ રહ્યું છે. 2020માં ખુદ પર્યાવરણ મંત્રીએ મને કહ્યું કે સરકારે 13 મોટી નદી પુનર્જિવિત કરવાનું કામ શરૂ કર્યું છે. આ વાત સાબિત કરે છે કે સરકાર જરૂરી મુદ્દાને લઈને કેટલી ગંભીર છે.
(સદગુરુ જગ્ગી વાસુદેવ યોગગુરુ અને આધ્યાત્મિક સંગઠન ઇશા ફાઉન્ડેશનના સ્થાપક છે.)
---
‘સબ કા સાથ, સબ કા વિકાસ’નું પ્રમાણ
વર્ષ 2000માં સમાજસેવાના કામથી હું કર્ણાટક ગઈ હતી. જેમના ઘરે રોકાયેલી તેઓ બહાર ગયા હતા, પરંતુ નોકરાણી સરલા અને તેની પાંચ વર્ષની પુત્રી ત્યાં હતાં સરલાએ મારી સાથેની વાતચીતમાં કહ્યું કે ખરાબ રસ્તાના કારણે એક દુર્ઘટનામાં મારા પતિનું મોત થઈ ગયું. મેં કહ્યું કે પુત્રીને શું બનાવવા ઈચ્છે છે, તો તેણે કહ્યું કે રિસેપ્શનિસ્ટ બની જાય તો ઘણું... આ વાતને 20 વર્ષ થઈ ગયાં. પછી 2020માં કોરોના આવ્યો તો હોસ્પિટલોમાં પીપીઈ કિટની બહુ જરૂર હતી. આ દરમિયાન મેં એક છોકરીનો સંપર્ક કર્યો કારણ કે તે કિટ પ્રોવાઈડ કરી શકે એમ હતી. મેં 10 લાખ રૂપિયા આપીને પાઈલટ પ્રોજેક્ટ હેઠળ ઓર્ડર આપ્યો. તેણે જે કિટ મોકલી તેને ડોક્ટરોએ પણ પાસ કરી દીધી. આ પછી મોટો ઓર્ડર આપ્યો. થોડાં સપ્તાહ પછી તે મળી અને કહ્યું કે, ‘હું સરલાની પુત્રી છું.’ સરલા પણ સાથે હતી. સરલાએ કહ્યું કે ‘અમ્મા, હવે અમારો કેટરિંગનો બિઝનેસ છે. જો ત્યારે પણ આજના જેવા રસ્તા હોત તો મારા પતિ જીવિત હોત!’ આ જ તો પ્રમાણ છે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નું. (સુધા મૂર્તિ જાણીતા લેખિકા અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે.)
---
૪૩ વર્ષ પહેલાં મળ્યો સંકેત - લીડર બનશે
રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા પછી હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. ત્યારે તેમણે મચ્છુ ડેમની દુર્ઘટનાના એક કિસ્સા વિશે વાત કરતા કહ્યું કે, ‘11 ઓગસ્ટ, 1979ના રોજ ત્રણ દિવસ સતત વરસાદ પછી મચ્છુ બંધ ઓવરફ્લો થઈ ગયો અને રાત્રે ત્રણ વાગ્યે બંધ તૂટી ગયો. તેનું પાણી શહેરમાં ઘૂસ્યું અને ભારે તબાહી વેરાઇ. ત્યારે મેં સ્વયંસેવક તરીકે મોરચો સંભાળ્યો અને રાહતકાર્ય કર્યું. એ દુર્ઘટનામાં હજારો લોકો મરી ગયા. અનેક ઐતિહાસિક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. ચોતરફ ઘોર નિરાશાનો માહોલ હતો. એ વખતે લોકોને હિંમત આપવા મેં એક ઈમોશનલ પત્ર લખ્યો અને ઘરે-ઘરે જઈને બધાને તે આપ્યો.’ એ વખતે ગુજરાત સરકાર તરફથી રાહતકાર્ય સંભાળી રહેલા આઈએએસ એચ. કે. ખાને લોકોને પ્રોત્સાહિત કરવા બદલ યુવાન મોદીનાં વખાણ કર્યાં હતાં. આ કિસ્સો સાબિત કરે છે કે પીએમ મોદીના કાર્યકાળમાં ‘ના કેમ થાય...’નો વિચાર કેવી રીતે મજબૂત થયો. તેઓ યુથ આઈકન છે.
(પી.વી. સિંધુ આંતરરાષ્ટ્રીય બેડમિંટન ખેલાડી છે.)