જન્મસ્થળ અમદાવાદ, પણ રહે છે કચ્છ પંથકના વડામથક ભુજમાં. નવલકથાકાર, કવિ, કાવ્યસંગ્રહ ‘પવનના વેશમાં’.
•
ક્યાંથી પાનબાઈ પ્રોવે મોતી જી?
કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવા જી.
સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.
આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડ જી.
એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાં જી.
અવાવરુ કુવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી,
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણો જી.
કઇ આ દુનિયા, કયા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પ્રોવે મોતી જી?
•••