ઓગસ્ટ ૨૦૧૭ની વાત છે. સ્વામી સચ્ચિદાનંદજીને ફોન કર્યો. ‘હરિ ઓમ...’ કરીને ખબરઅંતર પૂછ્યા. કહ્યુંઃ ‘સ્વામીજી, ગુજરાતમાં છું, અનુકૂળતા હોય તો મળવા આવવું છે... દંતાલી (આશ્રમ) છો કે કોબા (આશ્રમ)?’ ‘અરે, આવી જ જાવ, સી.બી.... કોબા જ છું...’ હું ભાઇશ્રી નીલેશ પરમારને લઇને પહોંચ્યો. એ જ ઉષ્મા, પ્રેમ અને પારકાનેય પોતાના કરી લેતો એ જ મીઠો આવકારો. બસ, થોડીક વધતી વયની અસર વર્તાતી હતી. ઔપચારિક વાતચીત પછી મુલાકાતનો ઉદ્દેશ કહ્યોઃ મારી ‘જીવંત પંથ’ કોલમના પસંદગીના લેખોનું પુસ્તક સ્વરૂપે સંપાદન થઇ રહ્યું છે તેમાં જો આપ પ્રસ્તાવના લખી આપો તો આનંદ થશે. કોઇ પણ વ્યક્તિને, લેખકને પૂર્વતૈયારી માટે થોડોક તો સમય જોઇએ, પણ સ્વામીજીનો પળભર વિચાર કર્યા વગર પ્રતિભાવ હતોઃ તમે કે ‘ગુજરાત સમાચાર’ મારા માટે ક્યાં નવા છો? લાવો, અત્યારે જ લખાવી દઉં. તેઓ અસ્ખલિત પ્રવાહે બોલતા ગયા અને ભાઇ નીલેશે કાગળ પર ટપકાવી લીધું. એક પણ પૂરક પ્રશ્ન નહીં, છતાં રતિભારેય વિગતદોષ નહીં. ‘ગુજરાત સમાચાર’ના પ્રજાલક્ષી પત્રકારત્વની તમામ વિગતો તેમને હોઠે હતી. ખરેખર મને બહુ જ નવાઇ લાગી. કહેવાય છે ને કે સારા કાર્યોની નોંધ હંમેશા ક્યાંકને ક્યાંક લેવાતી જ હોય છે. અમે કંઇક સારું કરી રહ્યાનો આનંદ પણ અનુભવ્યો, અને ગૌરવ પણ. (વાચક મિત્રો, આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ના સમાજલક્ષી - સેવાલક્ષી પત્રકારત્વનું નીરક્ષીર રજૂ કરતી આ પ્રસ્તાવના આપ ‘જીવંત પંથ સર્વોત્તમ ૮૦’ પુસ્તકમાં વાંચી શકો છો.)
આજે ૨૦૨૨માં અમે ફરી એક વખત આવો જ આનંદ અને ગૌરવ અનુભવી રહ્યા છીએ, પણ કારણ અલગ છે. તે વેળા ‘ગુજરાત સમાચાર’ નિમિત્ત હતું, તો આ વેળા સ્વામીજી ખુદ નિમિત્ત છે. સનાતન હિન્દુ ધર્મના ધ્વજવાહક સ્વામી સચ્ચિદાનંદજીને ભારત સરકારના ટોચના નાગરિક સન્માન પદ્મ ભૂષણની જાહેરાત થઇ છે. ૭૩મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ કુલ ૧૨૮ પદ્મ સન્માન જાહેર થયા છે, જેમાં ગુજરાતના આઠ મહાનુભાવોનો સમાવેશ થાય છે. આમાંથી એકમાત્ર સ્વામીજીની પદ્મ ભૂષણ માટે જ્યારે અન્યોની પદ્મ શ્રી માટે પસંદગી થઇ છે. વર્ષોપૂર્વે સ્વામીજી સાથે પહેલો પરિચય થયો તે દી’ની ઘડીથી આજના દી’ લગી નેહનાતો જળવાયો છે. એકમેક પ્રત્યે આદર, પ્રેમ, લાગણી, સમ-ભાવ હોય ત્યારે જ આવો સંબંધ રચાતો હોય છે. આવા સ્વામીજીને ભારત સરકારનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ્મ સન્માન મળે ત્યારે હરખ થવો સ્વાભાવિક છે.
સવિશેષ આનંદ એ વાતનો છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન મળ્યું છે, ભલે મોડું તો મોડું. ૧૩૫થી વધુ ગુજરાતી, ૧૦થી વધુ હિન્દી અને સાતેક જેટલા ઇંગ્લીશ એમ દોઢસોથી વધુ પુસ્તકો લખી ચૂકેલા સ્વામીજીના અનેક પુસ્તકો બેસ્ટ સેલરની યાદીમાં સ્થાન ધરાવે છે. ક્રાંતિકારી વિચારસરણી માટે જાણીતા સ્વામી સચ્ચિદાનંદજીએ ભગવા ધારણ કર્યા છે, પણ વૈજ્ઞાનિક અભિગમ કે તથ્યો આધારિત તર્ક છોડયા નથી. અંધશ્રદ્ધા હોય કે ધર્મના નામે ચાલતા ધતિંગ - તેઓ અવાજ ઉઠાવવાનું ચૂક્યા નથી, પછી વાત ભલે હિન્દુ ધર્મના કોઇ સંપ્રદાયની હોય કે અન્ય ધર્મની હોય. તેમનું હંમેશા એક જ ધ્યેય રહ્યું છે - સબળ માનવસમાજનું નિર્માણ. પ્રજાને નબળી રાખવી જોઇએ નહીં તેવું માનતા સ્વામીજી ગાંધીવિચારના સમર્થક જરૂર છે, પરંતુ કેટલાક મુદ્દે તેઓ તદ્દન અસંમત છે. જેમ કે, ચરખાથી સમૃદ્ધિ ન આવે, આ માટે યંત્રવાદ અને ટેક્નોલોજી આવશ્યક છે. તો અહિંસાના વિચાર અંગે તેમનું કહેવું છે કે હું અહિંસા પરમો ધર્મ નહીં, પરંતુ વીરતા પરમો ધર્મમાં માનનારો છું. સ્વામીજીને સાંભળો તો તેમની ભાષા - શબ્દો બહુ મીઠા લાગે, પરંતુ હૈયે હોય તે જ હોઠે આણે. સત્ય ગમેતેટલું કડવું હોય, પોતાનો મત વ્યક્ત કરતા તેઓ ક્યારેય ખચકાયા નથી. નિર્ભિક્તા અને સ્પષ્ટ વિચારો તેમની આગવી ઓળખ છે. આવા સ્વામીજીના હંમેશા અમારા પર આશીર્વાદ વરસતા રહ્યા છે તેને અમારું સદભાગ્ય સમજીએ છીએ. સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રતિબદ્ધ સ્વામી સચ્ચિદાનંદજીને રાષ્ટ્રીય સન્માન માટે શત શત અભિનંદન...