ગુજરાતની ઓળખ કઈ?
નર્મદની કવિતા જય જય ગરવી ગુજરાતમાં એક શ્બ્દ આવે છે:”પ્રેમ શોર્ય અંકિત....” હા, અહી સ્નેહ છે, શૌર્ય છે, ખમીર છે, ખુમારી છે, સાહસ છે, સંવાદ છે અને સિદ્ધિ પણ છે.
ઓગસ્ટના અમૃત ઉત્સવ પર્વે એવા સ્થાનો અને બલિદાનીઓ અને ઘટનાઓનું થોડુક સ્મરણ કરીશું? યાદ આવ્યા ને ઝવેરચંદ મેઘાણી?
કદી સ્વાધીનતા આવે,
વિનંતી ભાઈ છાની
અમોને યે સ્મરી લેજો જરી પળ એક નાની
એક શહીદ શાયરે ફાંસીના તખતા પર ચડતા ગાયું હતું:” હમારી સમાધિ પર , હર બરસ ઝૂડેગે મેલે. વતન પર મરનેવાલોં કા બસ, યહી નામો નિશા હોગા..
ગુજરાતે મહાનાયકો આપ્યા તે મહાત્મા ગાંધી અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. બંનેનો અભ્યાસ લંડનમાં, બંને ગુજરાતી, બંને વકીલ. બસ, રસ્તા જુદા. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સત્યાગ્રહની શરૂઆત કરી અને ભારત આવ્યા. શ્યામજીએ બ્રિટેન પસંદ કર્યું, ઈન્ડિયા હાઉસ સ્થાપ્યું, ક્રાંતિકારોને એકત્રિત કર્યા, ઇંડિયન સોસ્યોલોજિસ્ટ અખબાર શરૂ કર્યું અને દુનિયાના દેશોમાં ભારતની આઝાદીના જંગનો માહોલ રચ્યો. આયર્લેંડ, ઈજિપ્ત, ફ્રાંસ, જર્મની, રશિયા, થાઈલેંડ, અફઘાનીસ્થાન, ચીન સુધી ભારતની સ્વતંત્રતાની વાત પહોંચી. રશિયન સાહિત્યકાર મેકઝીમ ગોર્કીએ લખ્યું: શ્યામજી, તમે ભારતના મેઝીની છો... મેડમ કામા, સરદારસિંહ રાણા, વીર સાવરકર, લાલા હરદયાલ, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને મદનલાલ ધિંગરા જેવા ક્રાંતિના મહાનાયકો લંડનમાં જ્યાં સક્રિય હતા તેવા કેટલા બધા સ્થાનો આજે પણ ચૂપચાપ ઊભા છે. હાઇ ગેટ પરનું ઈન્ડિયા હાઉસ, શ્યામજીનું નિવાસ સ્થાન , ઇંપીરિયલ ઇન્સ્ટિટ્યૂટ, વિકટોરિયા રેલ્વે સ્ટેશન, પેન્તોવિલા જેલ, ઈન્ડિયા લાઈબ્રેરી,.. અને બીજા સ્થાનો પર પગ મૂકો અને આ 1005 થી 1922 સુધીની જ્વલંત ગાથા સાંભળવા મળશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ જ્યારે યુરોપના પ્રવાસે આવ્યા ત્યારે બ્રિટિશ સરકારે કડક સૂચના આપી હતી કે 50 ખતરનાક લોકોને મુલાકાત આપશો નહિ. તે બધા ગુજરાતીઓ હતા અને સ્વદેશની ચળવળમાં સામેલ હતા.
બીજો ગુજરાતી હતો, છગન ખેરજ વર્મા અર્થાત ખેમરાજ દામજી અર્થાત હુસેન રહીમ. બ્રિટિશ અને અમેરિકન દસ્તાવેજો બોલે છે કે આ પોરબંદરનો રઘુવંશી યુવાન આવ્યો તો હતો વેપાર કરવા, પણ વેંકોવરમાં શીખ બહાદુરોની સાથે ભળ્યો, સાન ફ્રાન્સિસ્કોમાં લાલા હરદયાલ યુગાંતર આશ્રમ સ્થાપિત કર્યો હતો. આશ્રમ તો શું ધધખતી અગ્નિજ્વાળા જેવો સ્વતંત્રતાનો પ્રચાર. છગને ત્યના “ગદર “ ગુજરાતી અખબારનું તંત્રીપદ સંભાળ્યું. જાન્યુઆરી 1914ના પહેલા અંકમાં તેણે તંત્રીલેખમાં લખ્યું કે સમાજ અને દેશમાં પરીવર્તન લાવવું હોય તો માત્ર તેની દૂધભાષા- માતૃભાષાથી જ થશે! કોમગાટામારૂ જહાજના શીખ ભારતીયોની કાનૂની લડાઈ વેંકોવરમાં તેણે ચલાવી અને છેક સીંગાપુર જઈને બ્રિટિશ સેનાના ભારતીય સૈનિકોને આઝાદી વિપ્લવ માટે ઉદ્દબોધન કર્યું એટ્લે પકડાયો અને ફાંસીના માચડે ચડી ગયો. ફાંસી પર ચડેલો તે એકમાત્ર ગુજરાતી પત્રકાર.
લંડનમાં બેસીને ઇંદુલાલ યાગ્નિકે 1935માં શ્યામજી કૃષ્ણવર્માનું પહેલું જીવન ચરિત્ર લખ્યું અંગ્રેજીમાં. 1950 માં તે પ્રકાશિત થયું. 2002 પછી તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી જીનીવા જઈને શ્યામજીના સાંચવી રાખેલા અસ્થિ લાવ્યા અને કચ્છ માંડવીમાં મોટું સ્મારક “ક્રાંતિ તીર્થ” ઊભું કર્યું. આ નિમિત્તે “પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા : ક્રાંતિની ખોજમાં” “લંડનમાં ઇંડિયન સોશ્યોલોજિસ્ટ” પુસ્તકો મે લખ્યા હવે તે ગુજરાતી ઉપરાંત હિન્દીમાં પણ પ્રકાશિત થયા છે.
લંડનમાં ગુજરાતી ક્રાંતિકારો ઈન્ડિયા હાઉસના તેજનક્ષત્રો હતા. દાદાભાઈ નવરોજી અને તેની પૌત્રી કેપ્ટન પેરીન. નીતિસેન દ્વારિકદાસ, મંચેરશા બરજોરજી, પી. ગોદરેજ, દીપચંદ ઝવેરી, ડો.એસ. ડી, ઓઝા, માણેકશા સોરબજી, જેઠાલાલ મોતીલાલ પરીખ, પ્રાણજીવન મહેતા, નટવરલાલ વિનાયક આચાર્ય, એમ.એસ, અનસારી, ચતુર્ભુજ અમીન…. આ બધા લંડનની ધરતી પર ભારતની સ્વાતંત્ર્ય ચળવળ ચલાવતા. પેરિસથી સરદારસિંહ રાણા અને મેડમ કામા પ્રચંડ સેનાનીઓ હતા.
ગુજરાતનાં ક્રાંતિતીર્થો ગ્રંથનો વિચાર આ અભ્યાસ દરમિયાન આવ્યો. ગુજરાતનાં 101 સ્થાનો પર હું અને (હવે સ્વર્ગસ્થ) પત્ની આરતીએ મુલાકાત લીધી. એક નાનકડી વેગેનાર કાર, જૂનો કેમેરા અને રઝળપાટના સાત વર્ષો પછી આ પુસ્તક થયું. જેમાં આ લેખ લખી રહ્યો છું તે ગુજરાત સમાચારના ધુરંધર સી.બી. પટેલે અમદાવાદ આવીને આ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કર્યો. તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેંદ્ર મોદી અને આદરણીય શ્રી મોરારી બાપુ, બંને કાર્યક્ર્મમાં અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા અને ભાવાત્મક પ્રવચન કર્યા.
આ પુસ્તકની બીજી આવૃત્તિ રાજ્ય સરકારના માહિતી વિભાગે 2022માં પ્રકાશિત કરી તેના કુલ પૃષ્ઠ 566 છે, 100 જેટલા દુર્લભ ચિત્રો પણ છે. ગુજરાત આ પુસ્તકમાં કેન્દ્રમાં છે. વેરાવળથી વાપી અને દાહોદથી દ્વારિકા સુધી જે સફર કરી તે અમારે માટે પણ ક્રાંતિ યાત્રા થઈ ગઈ. તેમાં 1857 ના સ્વાતંત્ર્ય જંગમાં ખેડા, નડિયાદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા, દાહોદ, અમદાવાદ અને છેક ઓખા-દ્વારિકા સુધી 1857ની જ્વાળા પ્રસરી જેમાં 10000 સામાન્ય ગુજરાતીઓની આહુતિ થઈ તેનું વર્ણન છે. જે નવ સ્વાતંત્ર્યવીરોને આંદામાંની કાલકોટડીમાં ધકેલી દેવાયા તેનો મુકદ્દમો છે. આણન્દનો ગરબડદાસ પટેલ, તેના સાથી મગનલાલ ભુખણદાસ , દ્વારિકદાસ શરાફ, જેઠાલાલ માધવજી, જીવાભાઇ ઠાકોર,બાપુરાવ ગાયકવાડ, જેઠા માધવજી બારોટ કૃષ્ણરામ દવે, બાપુજી પટેલ, મૂલજી જોશી, આહજી પગી ... આ બધા કાં તો ગોળીએ દેવાયા ય કાળા પાણીની સજા થઈ. મહીસાગરના કિનારે એક ફાંસિયો વડ છે, 250 ગ્રામજનોને ત્યાં તાત્યા ટોપેને મદદ માટે ફાંસી અપાઇ હતી. દાહોદના વિપ્લવીઓને “જેલ નહિ, સીધા ગોળીથી ઉડાવી દેવા”નો હુકમ મુંબઈ પોલિટિકલ એજન્ટે આપ્યો હતો.
આ પુસ્તકમાં 1857 ના સંગ્રામની વિગતો છે. અદાલતી ચૂકડાઓ છે. તાત્યા અને નાનાસાહેબ પેશવાના અંતિમ નિવાસની ખાંખાખોળ છે, ઋષિ દયાનંદ સરસ્વતીએ રાષ્ટ્રીય સ્તરે ક્રાંતિકારોને કેવી રીતે પ્રેરિત કર્યા તેના પ્રકરણો છે, ભગતસિંહ અને સાથીઓનો ગુજરાત સંબંધ છે. શ્રી અરવિંદ ઘોષે વડોદરામાં રહીને ગંગનાથ ક્રાંતિ આશ્રમ સ્થાપિત કર્યો અને ભવાની મંદીર પુસ્તિકા લખી જેમથી ભારતમાતા કી જય સૂત્ર નીપજયું, સુરત કોંગ્રેસમાં ગરમ નરમ દળ રચાયા તે અધિવેશન, મૂળૂ માણેકનો સંઘર્ષ, સ્થાનિક સેના ઊભી કરનારો સમોમાં શહીદ મગન ભૂખન, ચંડુંપનો પ્રચંડ જંગ, રાજપીપળાના ચોકમાં ફાંસી પર ચઢેલો દયાશંકર સોમનાથ અને સ્વામિ વિવેકાનંદ, કનડા ડુંગર પર 82 સત્યાગ્રહી મૈયા રાજપુતોની ખાંભી,બારીન્દ્ર, જતીન, ઉપેન્દ્ર ક્રાંતિકારોનું કરનાળી પાસે ગુપ્તવાસ, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, સરદારસિંહ રાણાનું વિદેશોમાં યાદગાર પ્રદાન,ગુજરાતમાં બે જલિયાવાલા -માનગઢ અને પાલ ચીતરીયા માં 3000 જેટલા આદિવાસીઓની કત્લેઆમ, મેઘાણી અને ધંધુકા, દાંડી અને બારડોલી . જુનાગઢ મુક્તિ માટે આરઝી હકૂમતનો સંગ્રામ,ઉપરાંત ગુજરાતમાં થયેલા 30 સત્યાગ્રહો ... આટલું આ ગ્રંથમાં સમાવિષ્ટ છે.
ગુજરાતનાં આ ક્રાંતિ તીર્થોને ઓગસ્ટ-વંદન!