ક્રિપ્ટો કરન્સીના બજારમાં શરૂ થયેલી ઉથલપાથલે રોકાણકારોની ઊંઘ હરામ કરી નાંખી છે. બિટકોઇન, ઇથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી તૂટીને નીચલા સ્તરે પહોંચી છે. દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવ અડધા થઇ ગયા છે. બીજી ક્રિપ્ટો કરન્સી ડોજકોઇન ૪૫ ટકા અને ઇથેરિયમ ૪૦ ટકા તૂટી છે. ટેસ્લાના માલિક ઇલોન મસ્કે બિટકોઇન સ્વીકારવાનો ઇન્કાર કરતી જાહેરાત કર્યા બાદ કડાકા શરૂ થયા છે. આ ઓછું હોય તેમ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવાની ચીનની જાહેરાતે પણ ક્રિપ્ટો કરન્સીના કડાકામાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. દુનિયાભરમાં બિટકોઇન સહિતની વર્ચ્યુઅલ કરન્સીનું વર્ચસ્વ વધી રહ્યું છે. કોરોના મહામારીના આ અનિશ્ચિતતાભર્યા માહોલમાં નાણાં સલામત રાખવાના એક ઉપાય તરીકે, ઝડપભેર તગડું વળતર કમાઇ લેવાની લાયમાં બિટકોઇન સહિત ક્રિપ્ટો કરન્સીની બોલબાલા વધી છે.
ઘણાં સમયથી ક્રિપ્ટો કરન્સી વિશે સાંભળવા મળે છે, પરંતુ આ ચલણ ખરેખર છે શું? ક્રિપ્ટો કરન્સી વર્ચ્યુઅલ કરન્સી એટલે કે આભાસી ચલણ કહેવાય છે. જેમ રૂપિયા કે પાઉન્ડની નોટ અને સિક્કા હોય એવું આમાં નથી. રૂપિયાના મૂલ્યનો આધાર ભારતની અર્થવ્યવસ્થા પર છે અને પાઉન્ડના મૂલ્યનો આધાર બ્રિટનની અર્થવ્યવસ્થા પર. બિટકોઇન સહિત કોઇ ક્રિપ્ટો કરન્સીનો આ આધાર નથી. ક્રિપ્ટો કરન્સીના મૂલ્યમાં વધઘટ થાય છે સટ્ટાબાજીના આધારે.
વર્ચ્યુઅલ કરન્સીનો સરતાજ બિટકોઇન
ક્રિપ્ટો કરન્સીમાં સરતાજ બિટકોઇનનો ઇતિહાસ બહુ જૂનો નથી. ૧૮ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ બિટકોઇનના નામે ડોમેઇન રજિસ્ટર થયું. જાન્યુઆરી ૨૦૦૯માં સતોશી નાકામોટોએ બિટકોઇન સોફ્ટવેર ઓપન સોર્સ તરીકે ઇન્ટરનેટ પર મૂક્યો અને સમયના વહેવા સાથે દુનિયામાં છવાઇ ગયો.
બિટકોઇન એક જટિલ કમ્પ્યુટર પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે, જેને બિટકોઇન માઇનિંગ કહેવાય છે. આ માટે અત્યાધુનિક શક્તિશાળી કમ્પ્યુટર જરૂરી છે. ઉપરાંત માઇનિંગ સોફ્ટવેર પણ જરૂરી છે. બિટકોઇન કોઇ એક કમ્પ્યુટરથી તૈયાર થતો નથી, પરંતુ દુનિયાભરમાં મોજૂદ કમ્પ્યુટર નેટવર્ક દ્વારા તે તૈયાર કરાય છે. રોજ સરેરાશ ૩૬૦૦ બિટકોઇન તૈયાર કરાય છે. બિટકોઇન બનાવવા માટે બે કરોડ દસ લાખની મર્યાદા નક્કી કરાઇ છે. મતલબ કે આ સંખ્યાએ પહોંચ્યા પછી નવા બિટકોઇન નહીં બનાવી શકાય.
અલબત્ત, આભાસી ચલણની દુનિયામાં બિટકોઇન એકલો નથી. ઇથેરમ અને રિપલ જેવી વર્ચ્યુઅલ કરન્સી પણ છે. હાલ માર્કેટ કેપિટલાઇઝેશન મામલે ૧૬૨.૫ બિલિયન ડોલર સાથે બિટકોઇન સૌથી ટોચે છે. એ પછી ૨૫ બિલિયન ડોલર સાથે ઇથરમ બીજા સ્થાને છે. કિંમતની દૃષ્ટિએ પણ બિટકોઇન ટોચના સ્થાને છે. એક બિટકોઇનની કિંમત આજે ૮૯૦૩ ડોલર જેટલી ઊંચી છે. તો ઇથેરમની કિંમત ૨૨૮ ડોલર છે.
કમ્પ્યુટર કોડ પર નિર્ભર નિરંકુશ ચલણ
બિટકોઇન કોઇ દેશની રિઝર્વ બેંકે જારી કર્યો નથી કે નથી તે કોઇ દેશનું અધિકૃત ચલણ. આમ તેના પર કોઇ સરકારી નિયંત્રણ ન હોવાથી બિટકોઇન પર કોઇ ટેક્સ લાગતો નથી. બિટકોઇન સંપૂર્ણ ગુપ્ત કરન્સી છે અને તે સરકારથી છુપાવીને રાખી શકાય છે. એટલું જ નહીં, તેને દુનિયામાં ગમે ત્યાં ખરીદી કે વેચી શકાય છે. ખરું જોતાં આ કરન્સી માત્ર કોડ સ્વરૂપે હોવાથી તેને ન તો જપ્ત કરી શકાય છે કે ન તો નષ્ટ કરી શકાય છે.
બિટકોઇન ખરીદવા યૂઝરે એક એડ્રેસ રજિસ્ટર કરાવવું પડે છે. આ એડ્રેસ ૨૭ - ૩૪ અક્ષરો કે અંકોના કોડમાં હોય છે અને એક વર્ચ્યુઅલ એડ્રેસ તરીકે કામ કરે છે. આ એડ્રેસ બિટકોઇન વોલેટમાં સ્ટોર કરાય છે. પછી આ આભાસી એડ્રેસ ઉપર જ બિટકોઇનનું ખરીદ-વેચાણ થાય છે. આવા આભાસી એટલે કે વર્ચ્યુઅલ એડ્રેસ રજિસ્ટર ન હોવાથી બિટકોઇન ધરાવતા લોકોની ઓળખ ગુપ્ત રહે છે.
બીજું એ કે બિટકોઇનની સંખ્યા અને સપ્લાય મર્યાદિત છે જેથી તેની કિંમતોમાં ભારે ઉછાળા જોવા મળે છે. બિટકોઇન શરૂ થયા બાદ તેની કિંમત અનેકગણી ઉછળી છે. એક અંદાજ પ્રમાણે હજારો ભારતીયોએ પણ બિટકોઇનમાં રોકાણ કર્યું છે. મજાની વાત એ છે કે જેમ જેમ બિટકોઇનમાં ઉછાળાની ખબરો ફેલાય છે તેમ તેમ તેની કિંમતો ઊંચે જાય છે. હવે જે ચલણની કિંમતમાં ચઢાવ-ઉતાર માત્ર તેના અંગેની ખબરો ફેલાવાથી થતો હોય તેમાં રોકાણ કરવું કેટલું સુરક્ષિત ગણાય? તમે જાતે જ વિચારી લેજો.
આર્થિક વ્યવહારોનું પગેરું શોધવું મુશ્કેલ
આભાસી ચલણના વધી રહેલા ઉપયોગનું મુખ્ય કારણ એ છે કે તેના દ્વારા થતી લેવડદેવડ અંગે તપાસ કરવી મુશ્કેલ છે. ક્રિપ્ટો કરન્સીનું સમર્થન કરતા લોકોની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાના ટ્રાન્સફર માટે તે ખૂબ સચોટ અને ઝડપી ઉપાય છે. જોકે આવા આભાસી ચલણનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે તેના દ્વારા ડ્રગ્સ અને હથિયારો જેવા ગેરકાયદેસર ધંધા ફૂલશેફાલશે. થોડા વખત પહેલા જ અમેરિકામાં ડ્રગ્સ વેચતી એક કંપની બંધ કરી દેવામાં આવી હતી. આ કંપની તેના માલનું વેચાણ બિટકોઇન મારફત કરતી હતી. અમેરિકાની નાણાકીય સંસ્થાઓ અને એફબીઆઇ જેવી એજન્સીઓ પણ બિટકોઇન દ્વારા ગેરકાનૂની કામો વધવાની ચેતવણી આપી ચૂકી છે. ચીન ઉપરાંત જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપીયન દેશો પણ લોકોને ચેતવણી આપી ચૂક્યાં છે કે આભાસી નાણું જોખમ ભરેલી અંધકારમય દુનિયા છે. યુરોપમાં તો બિટકોઇનનું ચલણ એટલું વધી રહ્યું છે કે ત્યાંની બેંકોને હવે ચિંતા છે કે બિટકોઇનથી લોકોનો પરંપરાગત બેંકિંગ પરથી વિશ્વાસ ન ઊઠી જાય.
સમર્થકોના મતે ક્રિપ્ટો કરન્સી ડિજિટલ ગોલ્ડ સમાન
બિટકોઇન સહિતની ક્રિપ્ટો કરન્સીના વધી રહેલા ચલણ સામે ચેતવણી છતાં તેના સમર્થકોની સંખ્યા વધી રહી છે. કેટલાક લોકો તો ક્રિપ્ટો કરન્સીને ડિજિટલ ગોલ્ડ પણ કહે છે. અત્યાર સુધી જે દેશો પાસે પેટ્રોલિયમ અને ડોલર જેવી મુદ્રાના ભંડાર હોય એ શ્રીમંત દેશો મનાતા રહ્યાં છે. જોકે કેટલાક જાણકારોના મતે એવો સમય પણ આવશે જ્યારે ક્રિપ્ટો કરન્સી ધરાવતા દેશો શ્રીમંત ગણાશે. રશિયા તો આવી ક્રિપ્ટો કરન્સીમાં ભારે રસ લઇ રહ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના આર્થિક સલાહકાર અને બિઝનેસમેન દિમિત્રી મરિનિચેવનું કહેવું છે કે આગામી સમયમાં પરંપરાગત ચલણ ગાયબ થઇ જશે. રશિયાની સેન્ટ્રલ બેંક તો પોતે જ આવું આભાસી રાષ્ટ્રીય ચલણ અમલમાં લાવવાનું વિચારી રહી છે.
ક્રિપ્ટો કરન્સીના ફાયદા પણ છે. જેમ કે એ ડિજિટલ કરન્સી હોવાથી છેતરપિંડીની શક્યતા ઓછી છે. ક્રિપ્ટો કરન્સીમાં રિટર્ન એટલે કે નફો પણ ઘણો વધારે થાય છે. ઓનલાઇન ખરીદીના કારણે લેવડદેવડ આસાન હોય છે. ક્રિપ્ટો કરન્સી માટે કોઇ નિયામક સંસ્થા ન હોવાથી નોટબંધી કે કરન્સીના અવમૂલ્યન જેવી સ્થિતિમાં પણ તેને આંચ આવતી નથી.
જોકે ક્રિપ્ટો કરન્સીમાં જોવા મળતી ઉથલપાથલ ભલભલાના હૃદયના ધબકારા વધારી દે છે. છેલ્લા પાંચ વર્ષમાં એવું અનેક વખત બન્યું કે બિટકોઇનની કિંમતમાં એક જ દિવસમાં ૪૦થી ૫૦ ટકાનો કડાકો બોલ્યો હોય. એક અભ્યાસ પ્રમાણે જે રોકાણની કિંમતમાં દિવસમાં ૩૦ ટકા કે તેથી વધુ વધઘટ થતી હોય તો તે બિલકુલ અસલામત કહેવાય. ક્રિપ્ટો કરન્સી આ વ્યાખ્યામાં આવે છે. તમે સવારે એક લાખ રૂપિયાનો માલ લીધો હોય તો બીજે દિવસે ૧,૪૦,૦૦૦ થઈ જાય અને ત્રીજે દિવસે ૭૦ હજાર થઈ જાય. મહિના પછી કે છ મહિના પછી શું સ્થિતિ હોય તેની તો કલ્પના કરી શકાય નહીં. શેરબજાર અને બીજા બજારો પણ આમ તો સટ્ટાકીય છે, પરંતુ તેમાં તમે માર્કેટ રીસર્ચ કરી શકો તો પૈસા કમાઈ શકો છો. જ્યારે ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણપણે નસીબને આધીન છે.
હાલ તો બિટકોઇન ઇન્ટરનેટની દુનિયા સિવાય ક્યાંય ચલણમાં નથી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધતા અને ઇ-કોમર્સની ક્ષિતિજો વિસ્તરતા આવા આભાસી ચલણનો વપરાશ વધવાની શક્યતા છે. જે લોકોને બિટકોઇનમાં સોનાની ખાણ દેખાઇ રહી છે તેમના માટે આ ચેતવાનો સંકેત છે. એવું પણ બને કે વખત જતાં આ આભાસી ચલણ ઇન્ટરનેટની દુનિયામાંથી પણ અદૃશ્ય બની જાય. જો આવું થયું તો ખરીદદારોને કોઠીમાં મોં ઘાલીને રડ્યા સિવાય કોઇ આરોવારો નહીં રહે તે નક્કી.
ક્રિપ્ટો કરન્સી શું છે? તેના મુખ્ય પ્રકાર કેટલા?
ક્રિપ્ટો કરન્સી એક ચલણ છે, જે કમ્પ્યુટર અલ્ગોરિધમ્સ પર બનેલી હોય છે. તે એક એવી કરન્સી છે જેનો અમલ કોઈ પણ દેશની સરકાર દ્વારા કરવામાં આવતો નથી. આ ચલણ કોઈ પણ દેશ, રાજ્ય અથવા કોઈ પણ સત્તા દ્વારા નિયંત્રિત નથી હોતી, એટલે કે તે એક સ્વતંત્ર ચલણ છે. તે ડિજિટલ સ્વરૂપમાં છે, આ માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ થાય છે. ક્રિપ્ટો ચલણથી તમે કોઈ પણ પ્રકારના માલ અથવા સેવાઓ ખરીદી અથવા વેચી શકો છો. ક્રિપ્ટો ચલણ સૌપ્રથમ ૨૦૦૯માં જાપાનમાં રજૂ થયું થયું હતું. આ ક્રિપ્ટો કરન્સી એટલે કે બિટકોઇનને. શરૂઆતમાં બહુ સફળતા મળી ન હતી, પરંતુ થોડા સમય પછી તેની કિંમત આકાશને આંબવા લાગી. હાલમાં, વિશ્વ બજારમાં એકાદ હજારથી વધુ ક્રિપ્ટો કરન્સી ઉપલબ્ધ હોવાનું મનાય છે, પરંતુ આમાંથી કેટલીક ક્રિપ્ટો કરન્સી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. જેમ કે,
• બિટકોઇનઃ બિટકોઇન એ વિશ્વની સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી છે, મુખ્યત્વે તેનો ઉપયોગ જંગી સોદાઓમાં થાય છે.
• સિયા કોઇન: સિયાકોઇન એસસી તરીકે પણ ઓળખાય છે, વૃદ્ધિના કિસ્સામાં બિટકોઇન પછી સિયા કોઇન આવે છે.
• લાઇટ કોઈનઃ લાઇટ કોઇનની શોધ વર્ષ ૨૦૧૧માં ચાર્લ્સ લી દ્વારા કરાઇ હતી. આ ક્રિપ્ટો કરન્સી બિટકોઇન જેવી જ છે, જે વિકેન્દ્રિત પણ છે અને સાથે જ પીઅર ટુ પીઅર ટેક્નોલોજી હેઠળ કામ કરે છે.
• ડેશઃ તે ડિજિટલ અને કેશ એમ બે શબ્દોનું મિશ્રણ છે. આ ક્રિપ્ટો કરન્સી બિટકોઇન કરતા વધારે સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવી છે. અન્ય ક્રિપ્ટો કરન્સી કરતાં સુરક્ષાને વધારે મહત્વ આપવામાં આવે છે. તેમાં એક વિશેષ પ્રકારનું અલ્ગોરિધમ અને તકનીકનો ઉપયોગ થાય છે.
• લાલ સિક્કોઃ રેડ સિક્કો એક ક્રિપ્ટો ચલણ છે, જેનો ઉપયોગ ખાસ પ્રસંગો પર લોકોને ટીપ આપવા માટે કરવામાં આવે છે.
• SYS સિક્કોઃ એસવાયએસ સિક્કો એક ક્રિપ્ટો ચલણ છે, જે અન્ય ક્રિપ્ટો ચલણની તુલનામાં ખૂબ ઝડપી ગતિએ કાર્ય કરે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સંપત્તિ ખરીદવા અથવા વેચવા જેવા નાણાં વ્યવહારોમાં થાય છે.
• ઈથર અથવા ઇથરમઃ આ ચલણનો ઉપયોગ વિનિમય ચલણ તરીકે થાય છે. આ એક પ્રકારનો ટોકન હોય છે, જેનો ઉપયોગ ઇથરમ બ્લોક ચેઇન હેઠળ વ્યવહારો માટે કરવામાં આવે છે.
• મોનેરોઃ એક અલગ પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે, જેમાં એક વિશેષ પ્રકારની સુરક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને રિંગ સહી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ડાર્ક વેબ અને બ્લોક માર્કેટમાં થાય છે. આ ચલણની મદદથી દાણચોરી, બ્લેક માર્કેટિંગ વગેરે કરવામાં આવે છે.