આપણી કવિતાનો અમર વારસો
મનોજ ખંડેરિયા
(જન્મઃ તા. 6-7-1943 • નિધનઃ 27-10-2003)
નવી ગુજરાતી ગઝલની વાત આવે એટલે આ કવિનું નામ યાદ આવ્યા વિના રહે નહીં. જન્મ, મરણ જૂનાગઢમાં. નરસિંહને કારણે જૂનાગઢ એટલે કવિતાનો ગઢ. આમ જૂનાગઢે આપણને પ્રભાતિયાંની સાથે ગઝલની દુનિયા પણ ઓળખાવી. ‘અચાનક’, ‘અટકળ’, ‘હસ્તપ્રત’ એમના સંગ્રહો. ‘અંજની’ કાવ્યસંગ્રહમાં એમણે કાન્તના અંજની વૃત્તના પ્રવાહને ફરીથી વહેતો કર્યો. ગઝલ કાવ્યપ્રકાર એમનો વિશેષ. પણ ગીત અને અછાંદસ પણ લખ્યાં છે.
•
ક્ષણોને તોડવા બેસું...
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.