સામાન્ય રીતે રાજનેતાઓનાં ચિત્રણ ખૂબ ગંભીર વ્યક્તિ તરીકે થતાં હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલની એક છબિ આવી ધીરગંભીર અને કડછી અંકિત કરાઈ હતી, પણ મહાત્મા જેવા મહાત્મા ગાંધીની પણ ઠેકડી ઊડાડવામાં આનંદ લેતા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ શાળાજીવનથી જ ઠઠ્ઠા-મશ્કરી માટે જાણીતા હતા. એટલું જ નહીં, એમના મોટા ભાઈ બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ પણ બાળપણના એ મશ્કરા દિવસોમાં જીવતા માણસને મૃત જાહેર કરતો તાર પાઠવવા જેવો નિર્દોષ આનંદ મેળવી લેવા જેટલા તોફાની બારકસ હતા.
ભારતીય રાજકારણમાં અને સંસદમાં પણ એવા ઘણાં વ્યક્તિત્વો થઈ ગયાં જે પોતાના પર મજાકમસ્તી કરી લ્યે અને બધાને ખડખડાટ હસવા જેવો આનંદ અપાવે. જોકે, વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના ગાળામાં કોણ જાણે એવું તે શું પરિવર્તન આવ્યું કે રાજનેતાઓ સંસદમાં ઠઠ્ઠામશ્કરી કરવાનું જાણે કે વીસરવા માંડ્યાં. વડા પ્રધાન નેહરુની ઠેકડી ઊડાવતાં ૪૦૦ જેટલાં ઠઠ્ઠાચિત્રો દોરનાર ‘શંકર્સ વીકલી’વાળા કાર્ટૂનિસ્ટ શંકરને પંડિત નેહરુ કહેતા કે શંકર બરાબર છે, પીંછી ચલાવવામાં મનેય છોડવો નહીં. હવે જમાનો બદલાયો છે. કાર્ટૂનિસ્ટો જેલવાસી થવા માંડ્યા છે.
ઓગસ્ટ ૨૦૧૪માં વડા પ્રધાન મોદીએ જાહેરમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એમની સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ પણ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ગુજરાતના સદ્ગત સાંસદ પીલૂ મોદી અને સદ્ગત રેલવે પ્રધાન મધુ દંડવતેનું સ્મરણ કરીને એમના થકી હાસ્યની છોળો ઊડાડવામાં આવતી એ ક્ષણો તાજી કરી. પીલૂ મોદી તો સંસદમાં ઈંદિરાયુગમાં ‘આઈ એમ સીઆઈએ એજન્ટ’ એવું બોર્ડ ગળામાં લટકાવીને પહોંચી જઈને છાસવારે વડાં પ્રધાન ઈંદિરા ગાંધી તેમની વિરુદ્ધ સીઆઈએ કાવતરું કરી રહ્યાની માળા જપતાં એની ઠેકડી ઊડાવતા હતા. હાસ્યસમ્રાટ લાલુ પ્રસાદ અત્યારે ભલે ચારા કૌભાંડમાં જેલવાસી હોય, પણ બિહારના મુખ્ય પ્રધાન તથા કેન્દ્ર સરકારમાં રેલવે પ્રધાન તરીકે એ કાયમ સંસદમાં સૌને હસાયરાનો અનુભવ કરાવતા હતા.
સરદાર પટેલની વિનોદી મનોવૃત્તિ
ગંભીર ગણાતાં બે વ્યક્તિત્વ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિનોદી વૃત્તિનો વિષય લઈને સંશોધન કરનાર સરદાર પટેલ સંશોધન સંસ્થા - સેરલિપના આદિવાસી શોધાર્થી બીનાબહેન રાઠવાએ તો એમ.ફિલ. કર્યું. ‘સરદાર પટેલનો વિનોદ’ પુસ્તક પણ પ્રકાશિત થયું અને એ વિષયમાં એટલા ઓતપ્રોત થયાં કે પીએચ.ડી કરવા માટે પણ ગાંધીજી અને સરદારના વિનોદની વાતને આગળ વધારીને અવનવી વાતો શોધતાં રહ્યાં. સરદારની વિનોદ-મનોવૃત્તિ વિશે ગાંધીજીના અંતેવાસી કિશોરલાલ મશરૂવાળાના શબ્દો પણ બીનાબહેને ટાંક્યાં છેઃ ‘વિનોદવૃત્તિ એ મનની પ્રતિક્રિયા છે. જેઓ સમાજમાં ખૂબ વિનોદી છે, તેના હૃદયમાં ઘણી ગંભીરતા અને ગ્લાનિ છૂપાયેલી હોય છે.’ વિનોદ અને વ્યંગના જુદા જુદા પ્રકારના પ્રકરણમાં એમણે પશ્ચિમી વિચારકોએ ગુણ, ઉદ્દેશ્ય, ઉપકરણ, માનસિક વ્યવહારિક સંદર્ભ વગેરેની વિલક્ષણતાઓને લક્ષ્યમાં લઈને હાસ્યના મુખ્ય પાંચ પ્રકારો પાડ્યા છે. એ મુજબ (૧) હ્યુમર-વિનોદ-પરિહાસ. (૨) વિટ-વાકવૈદગ્ધ, પરિહાસ, (૩) સેટાયર-વ્યંગ, ઉપહાસ (૪) આયરની-કટાક્ષ, વક્રોક્તિ અને (૫) પેરેડી-વિડંબન, નકલીજન્ય હાસ્ય.
સાથે જ સરદાર પટેલના ગાંધીજી સાથેના ઢગલાબંધ વિનોદી પ્રસંગો પણ પોતાના શોધકાર્યમાં ટાંક્યાં છે. ગંભીર લેખાતા સરદારના અને ગાંધીજીના નોખા વ્યક્તિત્વનો પરિચય એમાં મળે છે. સરદાર અને બીજા તમામ ભાઈ એટલે કે પાંચેય ભાઈઓની પત્નીઓ નાનીવયે જ ગુજરી ગઈ એટલે એ પોતાના પરિવારને ‘અ ફેમિલી ઓફ વિડોઅર્સ’ ગણાવતા.
હાજરીજવાબી સરદાર, હળવાફૂલ બાપુ
પરિવારમાં, વકીલાતમાં કે રાજકીય સભાઓમાં જ્યાં અને જ્યારે ગોઠડી જામે ત્યારે સરદાર હળવાફૂલ થઈને પોતાના પિતા હોય કે મહાત્મા ગાંધી હોય કે પછી સાથી ધારાશાસ્ત્રીઓ અને રાજકીય કાર્યકરો હોય, કોઈની અને કોઈની ફિરકી લઈને ભલભલાને હસાવે, જેલવાસ દરમિયાન તો ગાંધીજી અને સાથી જેલવાસીઓને હળવાફૂલ કરવા માટે સરદાર હાજરજવાબી થઈને કેવા કેવા પ્રસંગો કહીને સૌને હસાવતા એની નોંધ બાપુના અંગત સચિવ મહાદેવ દેસાઈની રોજનીશીઓમાં જરૂર મળે છે.
બાપુને સરદારની હળવીફૂલ સલાહો
ગાંધીજી ઉપર એક કાગળ આવ્યો હતો. લેખકે બાપુને પૂછાવ્યું કે ‘ત્રણ મણની કાયા ધરાવતો માણસ ધરતી પર ચાલે તો કીડીઓ કચડાઈ જાય તે હિંસા શી રીતે અટકાવવી?’ વલ્લભભાઈએ તરત જ કહ્યુંઃ ‘તેને લખો કે પગ માથા પર લઈને ચાલે.’
એક જણે બાપુને કાગળ લખીને જણાવ્યું હતું કે તેને વહુ ગમતી નથી કારણ કે બહુ કદરૂપી છે. શું કરવું? વલ્લભભાઈએ બાપુને સલાહ આપીઃ ‘એને લખો કે આંખો મીંચીને આંધળો થાય. પછી વહુ જોડે સુખચેનથી જીવાશે.’
એક જણે બાપુને લખ્યું કે બાપુના જમાનામાં જીવવાનું દુર્ભાગ્ય ધરાવું છું તો શું કરવું? સરદારે ઉત્તર વાળવા કહ્યુંઃ ‘તેને લખો કે ઝેર ખાઈને આપઘાત કરે.’ બાપુ કહેઃ ‘એના કરતાં એમ લખીએ કે તેણે મને ઝેર આપવું.’ વલ્લભભાઈઃ ‘તેનાથી તેને ફાયદો થવાનો નથી. તમને ઝેર આપીને મારી નાખો તો તેને મૃત્યુદંડ થાય, તો નવા અવતારે તમારી સાથે ફરી જન્મ લેવો પડે. આના કરતાં જાતે ઝેર ખાય તે સારું થાય.’
જેલમાં સરદારને પાકીટો બનાવતા, અનેક વસ્તુઓ સંઘરતા અને બીજા અનેક કિસ્સાઓ કરતા જોઈને બાપુએ એક દિવસ તેમને પૂછ્યુંઃ ‘વલ્લભભાઈ, સ્વરાજમાં તમને શેનું દફ્તર આપીશું?’ સરદારશ્રીની પાસે તો જવાબ હાજર જ હોય. તેઓ બોલ્યાઃ ‘સ્વરાજમાં હું લઈશ ચીપિયો અને તુંબડી.’ તેઓ સ્વરાજમાં કંઈ ચીપિયો અને તુંબડી લઈને ફરવાના નહોતા કે સાધુ થવાના નહોતા. પણ સાધુવૃત્તિ જરૂર કેળવી હતી.
(વધુ માહિતી માટે વાંચો Asian Voice અંક ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2DD6QHP)