દેશ આઝાદ થયો એ પહેલાં પ્રજાની ચેતનામાં આઝાદીની અસ્મિતા જગવનાર જે કેટલાક પત્રકારો આપણી ભાષામાં થઈ ગયા તેમાંના એક કચ્છ જેવા ખૂણાના અને પછાત પ્રદેશમાં થઈ ગયા તે છગનલાલ ભવાનીશંકર મહેતા. આ માસમાં 20 જુલાઈના તેમની જન્મતિથિ અને પુણ્યતિથિ છે. તેમણે પ્રજાકીય પ્રવૃત્તિઓ કરીને જ્યાં જ્યાં લોકોનું શોષણ થતું હતું ત્યાં પ્રતિકાર કરીને, લોકોને એક કરીને અવાજ ઊઠાવ્યો. લોકોમાં દેશદાઝ જગાડવા કોઈની પણ પરવા કર્યા વગર દોડી જતા, કામે લાગી જતા. તેમણે અખબારોમાં લેખો દ્વારા જાગૃતિ આણી. જેમ કે, ‘કચ્છકેસરી’માં કચ્છને લગતા પ્રશ્નો - સમસ્યાઓ, લોકોનાં પ્રશ્નોને વાચા મળે તેવા શુભ હેતુથી લખતા હતા. આ વિદ્રોહી પત્રકારની કલમ પર શાસન પ્રતિબંધ મૂક્યો તો છાપાનું નામ બદલી ‘કચ્છ વર્તમાન’માં લોકોનાં પ્રશ્નો રજૂ કર્યાં.
લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતા શાસનમાં તેઓ દૃઢપણે માનતા. આવા જાગરૂક પત્રકાર છગનલાલ ભવાનીશંકર મહેતાએ આના પછી ‘વતન’ છાપું કાઢ્યું અને એમાં ‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે અય વતન તેરે લીયે...’ વતન માટે ફના થઈ જનાર શહીદોને યાદ કરીને નમન કરતાં તો વળી ‘હિંદુ અખબાર’ સાપ્તાહિકમાં જુદાં જુદાં સ્થળોની મુલાકાત લઈને, તે વર્ગના, તે સ્થળના પ્રશ્નો મૂકતા હતા. આ બધાથી લોકોના હૃદયમાં આ પત્રકાર માટે માન – સન્માનની લાગણી જન્મી, પરંતુ આવા પત્રકારને પણ હદપાર થવાનો વારો આવ્યો.
અમદાવાદ, મુંબઈથી એમની પાસે ફૂલશંકર પટ્ટણી, અશોક હર્ષ, ગુણવંતરાય આચાર્ય જેવા પત્રકારો આંરભકાળે તેમના હાથ નીચે જવા તૈયાર થયા. આ બધા પત્રકારોમાં દેશ – વતન પ્રત્યેની ઉમદા લાગણીથી આપણું મસ્તક નમી પડે. જેમ કવિવર્ય ઉમાશંકર જોષીએ ખૂબ સુંદર લખ્યું કે ‘દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?’ તે પ્રશ્નનો ઉત્તર આ બધાનું જીવન હતું.
તે સમય જ એવો હતો કે ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’. લોકોની દૃઢ શ્રદ્ધા અને વિશ્વાસ આવા પત્રકારોમાં હતા. આ સમય જ એવો હતો કે પ્રજાકીય કાર્યકર અને પત્રકાર એક જ ધર્મને વરેલા હતા એટલે જાહેરજીવનમાં પણ સક્રિય હતા. લોકોનું કલ્યાણ, બહુજનહિતાય એ જ ધર્મ હતો. એ પેઢીના લોકોને મન માતૃભૂમિ માટે કંઈ કરી છૂટવાની ખેવના હતી...
રગ રગના પ્રતિસ્પંદનમાં બસ તું જ રહી છે ઘૂમી
હે મુજ માતૃભૂમિ, હે મુજ માતૃભૂમિ...
આ કવિતા સાર્થક થતી લાગે છે. નોંધનીય છે કે છગનલાલ ભવાનીશંકર મહેતા જાણીતા સાહિત્યકાર ડો. ધીરેન્દ્ર મહેતાના માતામહ થાય.