ગમેતેવી વિપદા વચ્ચે પણ સ્વચ્છ - નિર્મળ રહે છે આપણું અંતરમન

આરોહણ

રોહિત વઢવાણા Monday 24th August 2020 12:11 EDT
 

ભાઈ-ભાંડુ અને સગાવહાલા સાથે પરિવારમાં રહો કે હજારો લોકોના ટોળામાં રહો, પરંતુ અંદરથી તમે હંમેશા એકલા જ રહેવાના છો એ બાબત યાદ રાખજો. આ વાત ચેતવણી, ધમકી, શિખામણ કે દુઃખદ ભાવનાથી કહી નથી, પરંતુ જીવનના એક ઉમદા સત્ય તરીકે રજુ કરી છે. એકલા હોવું, પોતાની સાથે હોવું એ કઈ સજા નથી. આખરે તો માણસ આવે છે અને જાય છે એકલો જ ને?

જીવનના અનેક તબક્કે આપણે અનુભવીએ છીએ કે આસપાસની પરિસ્થિતિ કે લોકોથી આપણે વ્યથિત થઇ જઈએ છીએ. સમાજ, રાજનીતિ, અર્થવ્યવસ્થા કે પરિવારમાં બની રહેલી ઘટનાઓ આપણને વિચલિત કરે છે. આપણું મન દુભાય છે અને આપણને થાય છે કે આવી પરિસ્થિતિ જોવા કરતા તો... તેનાથી વિરુદ્ધ ક્યારેક આપણી આસપાસના લોકો અને પરિસ્થિતિને કારણે આપણે એટલા ખુશ થઈએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. ત્યારે આપણું મન થાય છે કે હંમેશા પરિસ્થતિ આવી જ બની રહે અને ક્યારેય પરિવર્તન ન આવે. પરંતુ એ બાબતથી કોણ અજાણ હશે કે આ બધું જ ક્ષણભંગુર છે.
સમયનું કાળચક્ર ફર્યા કરે છે અને જેમ વસંત આવતા હરિયાળી કૂંપળો વૃક્ષને લીલી ચાદર ઓઢાડે છે તેમજ પાનખર આવતા પીળાશ અને લાલાશથી ઝાંખા પડતા વૃક્ષોના પાંદડા ધીમે ધીમે ખરી પડે છે. આખરે વૃક્ષના ઠુંઠાંઓ એવા એકલા ઉભા રહીને ધ્રુજતા માલુમ પડે છે કે શિયાળાની ઠંડી જાણે મૂર્તિમંત થઇ ગઈ હોય. આવા કાળચક્રમાં જ આપણી પરિસ્થિતિ પણ બદલાતી ચાલે છે. ક્યારેક પાનખર અને શિયાળા જેવી ઋતુ તો ક્યારેક હરિયાળી વસંત. પરંતુ આ બધું જ ચાલ્યા કરતું હોય ત્યારે પણ વૃક્ષની અંદરનું સત્વ તો જીવતું હોય છે. તેની અનુકૂળતાએ તે પાન ખેરવી પણ નાખે છે અને ઉગાડી પણ લે છે.
આપણું અંતરમન પણ એવું જ છે. બહાર બનતી બધી પરિસ્થિતિઓનું સાક્ષી ખરું પરંતુ તેની અંદર કંઇ જ પ્રવેશી શકતું નથી. જે બાહ્ય છે તે બહાર જ રહે છે. આપણી સાથે રહેતા પરિવારના લોકો, પાળેલી બિલ્લી, પાડોસી, સાથે કામ કરતા લોકો, આપણી માલિકીની વસ્તુઓ, બદલાતી પરિસ્થિતિ - વગેરે બધું જ બહાર જ છે અને બહાર જ રહે છે. તે આપણી અંદર પ્રવેશી શકતું નથી. આ હકીકતનો ફાયદો એ છે કે આપણે અંદરથી ક્યારેય મલિન થતા નથી. વાલિયો લૂંટારો એક જ પળમાં પોતાનું પાપી વર્તન છોડીને વાલ્મિકી ઋષિ બનવા સુધીની સફર ખેડી શકે તે દર્શાવે છે કે અંદરથી તે શુદ્ધ જ હતા અને પરિસ્થિતિને બદલીને તે પોતાનો જ નહિ પરંતુ પાવન ગ્રંથ રામાયણ લખીને સૌનો ઉદ્ધાર કરી શક્યા.
તેનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોઈએ, કોઈ પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી રહ્યા હોઈએ, પરંતુ આપણું અંતરમન તો સ્વચ્છ અને નિર્મલ જ રહે છે. તેને કશું જ દુષિત કરી શકતું નથી અને એટલા માટે જ આપણી અંદર રહેલ પવિત્ર આત્મા શુદ્ધ રહે છે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter