મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ દ્વારા યુકેમાં ગાંધીજયંતિની ઊજવણી ઝૂમ પર કરાઇ હતી. પ્રારંભમાં માયાબહેન ‘વૈષ્ણવજન તો...’ તથા ‘દે દી હમે આઝાદી...’ ગીતો રજૂ કર્યા હતા. ઊજવણીમાં ‘ગુજરાત સમાચાર’ના બાહોશ તથા દીર્ઘદ્રષ્ટા તંત્રી સી. બી. પટેલ સાહેબે મહાત્મા ગાંધીના જીવનના 11 મહાવ્રતો યાદ કર્યા હતા. તો નિવૃત્ત પ્રાધ્યાપક જગદીશભાઈ દવેએ બેરિસ્ટર ગાંધીમાંથી ગાંધીજી સત્યાગ્રહી કેમ બન્યા તેની વાતો કરી હતી. પ્રખર વક્તા, પત્રકાર, રાજકીય વિશ્લેષક પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાએ આગવી શૈલીમાં મહાત્મા ગાંધીને જેમણે ઘડ્યા તેવા તેવા સ્થાન – પ્રદેશોની વાત દૃષ્ટાંતોથી રજૂ કરી. ચંપારણ્ય, નમક સત્યાગ્રહની વાતો એકદમ મુદ્દાસર મૂકી. આમ ગાંધીજી સમુદ્ર, ધરતી, જંગલ, પહાડો સાથે જીવ્યા અને સત્ય માટે ઝઝૂમ્યા તો પ્રાધ્યાપિકા ઉષાબહેન ઉપાધ્યાયે ગાંધીજયંતિએ સૌને હરખની હેલી ચઢે એવા ઉત્સાહ સાથે વિષયની માંડણી કરી. તેમણે કહ્યું કે એક બાજુ વિજ્ઞાન-ટેકનોલોજી છે તો બીજી તરફ મધરનેચર છે જે આપણે અપનાવવાનો છે. દુઃખી લોકો માટે કંઈપણ મદદ કરીશું તો ગાંધીજયંતિની ઊજવણી સાચી કહેવાશે. રશ્મિબહેન બેંગાનીએ દયા-કરુણા-શાંતિના વાહક તરીકે પૂ. મહાત્મા ગાંધીને ગણાવ્યા. યશુબહેન પટેલે દાંડીકૂચના પ્રસંગની અગત્ય જણાવી તો કવયિત્રી ભારતીબહેન વોરાએ પંકજ વોરાની કવિતા રજૂ કરી. આપણા સમાજે સંવેદનશીલતા જ ગુમાવી દીધી છે તેવા આ સંજોગોમાં મહાત્મા ગાંધીજીના આદર્શો અપનાવીએ તો સાર્થક કહેવાશે. મહાત્મા ગાંધીજીએ સ્ત્રીને સાચા અર્થમાં સબળા સાબિત કરી નારાયણીરૂપે સ્થાપી. બાપુએ સાચા અર્થમાં જીવનના બધાં પાસાંને અમી, અસ્મિતા અને આસ્થા આપી.
‘ગુજરાત સમાચાર’ના કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કહ્યું કે ગાંધીજીને સત્ય અને અહિંસાના પૂજારી તરીકે દેશમાં પૂજાયા તેનું ગૌરવ છે. પૂજાબહેને આ જ્ઞાનયજ્ઞ – સેવાયજ્ઞની પૂરક માહિતી આપી. તો ગ્રૂપ એડિટર મહેશભાઈએ કાર્યક્રમનું સંકલન કરતા કહ્યું કે મહાત્મા ગાંધીજીએ જે જે આદર્શો સ્થાપ્યા છે તે રસ્તે આપણે ચાલવાનો નમ્ર પ્રયાસ કરીએ જે પરિવર્તન આપણે ઈચ્છીએ તેની શરૂઆત પોતાનાથી કરીએ. સંચાલન જ્યોત્સનાબહેન શાહે કર્યું હતું. અંતમાં કહું તો -
‘એમનું જીવનકાર્ય અખંડ તપો,
અમ વચ્ચે બાપુ અમર રહો.’