ભારતના રાષ્ટ્રપિતાની જનસેવાને લાખ-લાખ સલામ, પણ લગ્નો વિશેના એમના વિચારોને સમાજનો મોટા ભાગનો વર્ગ ગ્રાહ્ય રાખી શકે નહીં એટલી હદે એ રૂઢિચુસ્ત હતા. હિંદુ અને મુસ્લિમનાં લગ્નને એ અધર્મ લેખતા હતા એટલું જ નહીં, આંતરજ્ઞાતીય લગ્નો અંગે પણ એમનો મત પ્રતિકૂળ જ હતો. સમાજથી પર થઈ ગયેલા અને હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વચ્ચે કોઈ ભેદ નહીં જોનારા મહાત્માએ પોતાના સગ્ગા દીકરા મણિલાલને એ જે કન્યા સાથે બાર-બાર વર્ષથી મૈત્રીસંબંધ ધરાવતો હતો એની સાથે લગ્ન કરવા દીધાં નહોતાં. કારણ માત્ર એટલું જ હતું કે હિંદુ-મુસ્લિમ એકતાના બાળપણથી જ પોતાનાં અને પારકાને પાઠ ભણાવતા મહાત્મા ગાંધી મણિલાલની પ્રેમિકા ફાતિમા ગુલ સાથે લગ્ન કરવાની એની ઈચ્છાને એ મુસ્લિમ હોવાને કારણે ફગાવી બેઠા હતા.
મણિલાલ કહ્યાગરો દીકરો હતો એટલે એણે ફાતિમા સાથે જીવન જોડવાની ઈચ્છાને ટૂંપો દેનારા પિતાની સાથે વિવાદ કરવાને બદલે મા-બાપે ઠરાવેલી વણિક કન્યા સુશીલા સાથે પરણી જવાનું કબૂલ રાખ્યું હતું. બાપુએ પુત્ર મણિલાલને સુશીલા મશરૂવાળા સાથે પરણાવી દીધો, પણ બરાબર એના એકાદ દાયકા પછી ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલે ઈસ્લામ કબૂલ કરીને અબ્દુલ્લા નામ ધારણ કરવાનું પસંદ કર્યું હતું.
મણિલાલની દોહિત્રીએ ઈતિહાસ લખ્યો
મણિલાલ અને સુશીલાની દીકરી સીતાબહેન શશિકાંત ધૂપેલિયાની દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વેસ્ટને કેમ્પમાં ઈતિહાસની અધ્યાપિકા દીકરી ઉમા ધૂપેલિયા મેસ્થરીએ પુસ્તક લખ્યું. એનું નામ છે ‘ગાંધીઝ પ્રિઝનર?: ધ લાઈફ ઓફ ગાંધીઝ સન મણિલાલ’ આ પુસ્તકમાં ઉમાએ પોતાના નાનાની ૧૯૧૪થી મહાત્માના પરિવારના મિત્રની કન્યા ફાતિમા સાથેની દોસ્તી પછી ૧૯૨૬માં નાનાએ પોતાના ભાઈ રામદાસ મારફત મહાત્મા સમક્ષ પ્રેમલગ્ન કરવાની ઈચ્છા દર્શાવી અને ગાંધીજીએ કેવા શબ્દોમાં એને ધૂત્કારી કાઢી એના દસ્તાવેજો સાથે બયાન કર્યાં છે.
યુસુફ ગુલ પરિવાર મૂળ સુરતનો. એ ગાંધીજીની જેમ દક્ષિણ આફ્રિકે આવીને વસેલો. યુસુફમિયાં મલય-મહિલા વહીદાને પરણેલા અને એમના પરિવાર સાથે ગાંધીજી અને કસ્તુરબાનો ઘરોબો ઘણો. યુસુફ અને વહીદાના સંતાનોમાં ડો. એ. એચ. ગુલ તથા ફાતિમાથી મોટી બે દીકરીઓ બઈદા અને જેન હતી. બાર-બાર વર્ષના લાંબા સમય સુધી મણિલાલ અને ફાતિમાનો જીવ મળ્યો હોય અને લગ્ન કરવાની ઈચ્છા સેવી હોય ત્યારે પ્રગતિશીલ ગણાતા બાપુ થકી એને ‘ક્ષણિક આવેગ’ ગણી નાંખવામાં આવે ત્યારે કેવો ધ્રાસ્કો પડે. છતાં મણિલાલ મા-બાપે કહ્યું એ કન્યા સુશીલા સાથે અકોલામાં પરણી ગયા. એમના સંતાનોમાં દક્ષિણ આફ્રિકાની સંસદના સભ્ય રહેલાં ઈલાબહેન, મુંબઈમાં ‘સબર્બન ઈકો’ નામનું ટેબલોઈડ કાઢતા તંત્રી અરુણ ગાંધી અને સીતાબહેન. અરુણ ગાંધી અને એમનાં પત્ની સુનંદા અમેરિકે જઈને વસ્યાં છે, પણ એમા સંતાનોમાંથી અર્ચન અમેરિકામાં પરણીને ઠરીઠામ છે અને પુત્ર તુષાર ગાંધી અને એમનાં પત્ની સોનલ મુંબઈમાં બાળકો સાથે રહે છે.
પરિવારમાં મુસ્લિમ સાથે લગ્ન નહીં
આખી જિંદગી હિંદુ-મુસ્લિમ એકતાના સમર્થક રહ્યા એટલું જ નહીં, મુસ્લિમ તુષ્ટીકરણનો જેમના માથે આક્ષેપ મઢાયો અને હિંદુ મહાસભાવાદી નથુરામ ગોડસેએ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીમાં હત્યા કરી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિશાળ પરિવારના વંશજોમાં ખ્રિસ્તીઓ સાથે લગ્ન, પારસીઓ સાથે લગ્ન, દક્ષિણ ભારતીયો સાથે લગ્ન થયાના ઉદાહરણ મળે છે. અરે, એકાદ કિસ્સામાં તો દલિત સાથે લગ્ન થયાનું ઉદાહરણ પણ મળે છે, પણ કોઈએ મુસ્લિમ સાથે લગ્ન કર્યાં હોય એવું ભાગ્યે જ સાંભળવા મળે છે. હમણાં મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ અને સી. રાજગોપાલાચારીની દીકરી લક્ષ્મીના પુત્ર રાજમોહન ગાંધીની અમેરિકાનિવાસી દીકરી ડો. સુપ્રિયાએ ઈરાનિયન-અમેરિકન સાથે લગ્ન કર્યાંનું જાણવા મળે છે. ગાંધીજીના વંશવેલામાં ઘણા બધાના લગ્નો અને છૂટાછેડા થયાનાં ઉદાહરણો પણ જોવા મળે છે.
આંતરજ્ઞાતીય લગ્નો સામે ય વિરોધ
સ્વયં ગાંધીજી આંતરજ્ઞાતીય લગ્નોના વિરોધી હતા. જોકે, એમણે છેલ્લે એવી શરત પણ મૂકેલી કે એ એવાં જ લગ્નમાં હાજરી આપશે જેમાં વર અને વધૂ બેમાંથી કોઈ એક દલિત હોય. વિધર્મી સાથે લગ્નના વિરોધી એવા મહાત્મા ગાંધીએ પાછળથી કદાચ પોતાના વિચાર બદલ્યા પણ હોય, આંતરજ્ઞાતીય લગ્નોના વિરોધને એમણે દેવદાસ તથા લક્ષ્મીના લગ્ન વખતે આડે આવવા દીધો નહોતો. વળી પોતાના દીકરાને મુસ્લિમ કન્યા સાથે લગ્ન નહીં કરવા દેનાર મહાત્માએ હુમાય કબીર (દેશના શિક્ષણપ્રધાન અને જ્યોર્જ ફર્નાન્ડિસના સસરા)ને બંગાળી હિંદુ કન્યા સાથે લગ્ન કરવા માટે આશીર્વાદ આપ્યા હતા. એમ તો વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પિતરાઈ બી. કે. નેહરુને હંગેરીની યહૂદી યુવતી સાથે લગ્ન માટે પણ આશીર્વાદ આપ્યા હતા. નેહરુ-કન્યા ઈંદિરાને પારસી યુવક ફિરોઝ ગાંધી સાથે લગ્ન કરવા માટે પણ મહાત્માએ અનિચ્છાએ આશીર્વાદ આપવા પડ્યા હતા. માત્ર પોતાના દીકરા મણિલાલના નસીબમાં એ નહોતું.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨૫ નવેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2jKqlpy)