ગીતાનો બીજો અધ્યાય ‘સાંખ્યયોગ’ કદાચ ભગવદ્ ગીતાનો સૌથી સ્પષ્ટ મર્યાદા આંકતો અધ્યાય છે જેમાં આપણે કોણ છીએ તેમજ જીવન અને મૃત્યુ સંદર્ભે સ્પષ્ટ ઉત્તર અપાયા છે. અન્ય ધર્મો વિશે હું જે જાણું છું તેના હિસાબે ગીતાજી આપણા જન્મ અને આપણે જ્યારે આ વિશ્વ છોડી જઈએ ત્યારે શું થાય છે તેના વિશે સુસ્પષ્ટ સમજ પુરી પાડે છે.
ઘણી વખત અંતિમ સંસ્કાર વેળાએ આ અધ્યાયનો ઉલ્લેખ કરવામાં આવે છે જેથી આપણે વાસ્તવમાં કોણ છીએ અને મૃત્યુ શું છે તેની જાણકારી અને આશ્વાસન પ્રાપ્ત થઈ શકે.
આ અધ્યાયનો રહસ્યોદ્ઘાટન કરતો સંદેશ છે કે આપણે અવિનાશી આત્માના બનેલા છીએ જેના પર આપણા શરીરોનું આવરણ વસ્ત્ર સ્વરુપે ચડેલું છે. જ્યારે આપણે સમજી શકીએ કે આત્મા અવિનાશી, શાશ્વત છે અને આત્મા પર આવરણરુપ આ શરીર નશ્વર, ક્ષણભંગુર છે ત્યારે આ જીવનના આશ્ચર્યોની કદર કરવા લાગીએ છીએ. આપણું શરીર સદા પરિવર્તનશીલ છે અને દર સાત વર્ષે ભૌતિક સ્વરુપ બદલાય છે. આપણે એ સમજવાની જરુર છે કે આપણે જેને મૃત્યુ તરીકે ઓળખીએ છે તે ઘટના પછી પણ આ ક્ષણિક-અસ્થાયી પરિવર્તન ચાલતું જ રહે છે. વાસ્તવમાં તો આત્મા નવા વસ્ત્રો-આવરણ ધારણ કરે છે જેને આપણે જન્મની ઘટના ગણાવીએ છીએ.
આમ, આત્માને કદી નાશ થતો નથી- તે મરતો નથી પરંતુ, તે આવરણો કે વસ્ત્રો જ બદલે છે. આપણે આ સમજીશું ત્યારે અન્ય આત્માઓ પ્રતિ આપણા અભિગમ અને વર્તન પણ બદલાઈને વધુ સારાં બનશે.
આ અધ્યાયનો અન્ય શક્તિશાળી સંદેશ અને જ્ઞાન જીવનમાં પીડા અને આનંદ, ઉષ્ણતા અને શીતતા વગેરેના અનુભવો આપણી ઈન્દ્રિયોના પદાર્શો સાથેના ભૌતિક સંપર્કથી ઉદ્ભવે છે તેના વિશે છે. આ અનુભવો ક્ષણિક કે અસ્થિર છે પરંતુ, સમયાંતરે તેના થકી આનંદ અથવા વ્યગ્રતા-વિષાદનું કારણ બને છે. આ ઈન્દ્રિયો દ્વારા આપણા મનમાં સંવેદનાઓ પહોંચે છે અને મન ક્ષુબ્ધ-અશાંત બને છે. આપણે આ અદ્ભૂત ઉપદેશો થકી શીખી શકીએ છે કે આપણી ઈન્દ્રિયોને પદાર્થોમાંથી ખેંચી લેવાનો અભ્યાસ કરતા રહેવાથી આપણને શાંતિ પ્રાપ્ત થશે.
આપણું મન આનંદ અને પીડા જેવાં બેવડા અનુભવોને સંતુલિત પ્રત્યાઘાત આપી શકે તેવું નિયંત્રિત કરવા માટે નિયમિત ધ્યાન ધરવાથી આમ થઈ શકશે. આથી, આપણે આનંદભર્યા અનુભવથી રોમાચિંત ન થઈએ કે કોઈ પીડાદાયી અનુભવ બાબતે તણાવ પણ ન ધરાવીએ. જો આપણે મનને નિયંત્રણમાં રાખી શકીશું અને જીવનના અનુભવો પ્રતિ તટસ્થભાવે પ્રતિક્રિયા કરીશું તો શાંતિનો અનુભવ માણી શકાશે. આપણા મનને બહારથી અંતરમાં ખેંચીને આપણી ઈન્દ્રિયો પર નિગ્રહ રાખવાનું શીખવું પડશે.
આ અધ્યાયનો ત્રીજો ઉપદેશ આપણે કાર્ય કેવી રીતે કરવું તેના વિશે છે. આ ઉપદેશથી મારા ખુદના જીવનમાં આશ્ચર્યકારી રુપાંતર આવ્યું છે. શરુઆતમાં બિઝનેસમેન અને પ્રોફેશનલ વ્યક્તિ તરીકે હું હંમેશાં એમ માનતો કે મારા કાર્યનો શું લાભ કે ફળ મળશે તે મારે નિશ્ચિત કરવું જોઈએ. ઉદાહરણ આપું તો, કોઈ લક્ષ્ય રાખવું અને તે અનુસાર મારા કાર્યો કરવા.
જોકે, ગીતાજીના બીજા અધ્યાયના ઉપદેશ આ વિષયે તદ્દન ક્રાંતિકારી વલણ ધરાવે છે. ઉપદેશ જણાવે છે કે કોઈ વ્યક્તિએ પોતાના કાર્યના ફળ એટલે કે લાભ કે ગેરલાભ અથવા વિજય કે પરાજય વિશે જરા પણ ચિંતા ન કરવી જોઈએ. આના બદલે, પોતાની સંપૂર્ણ કુશળતા સાથે કાર્ય પાર પાડવા શ્રેષ્ઠ કાર્ય કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કાર્યનું ફળ આપવાનું ઈશ્વરના હાથમાં સુપરત કરી દેવું જોઈએ. શરુઆતમાં આ માનવું ભારે કઠિન છે પરંતુ, અંતરથી વિચારશો તો ઘણો શક્તિશાળી વિચાર છે. આપણા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જો આપણે સંબંધિત કાર્ય શ્રેષ્ઠતા એટલે કે સખત મહેનત, પ્રામાણિકતા, નિષ્ઠા, કાળજી વગેરે સાથે કરીશું તો તેનું પરિણામ પણ હંમેશાં શ્રેષ્ઠ પ્રાપ્ત થશે. જો આપણા કાર્યો લાલચ, કપટ વગેરેથી કરાયા હશે તો પરિણામ પણ ખરાબ જ મળશે.
આપણે આ બધુ સંપૂર્ણપણે શીખીશું અને આ ત્રણ વાસ્તવિકતાઓની સમજને અંતરમાં ઉતારીશું ત્યારે આપણા જીવનમાં આવતા કોઈ પણ સંજોગોનો સામનો કરવા સક્ષમ બની શકીશું. હું તો એમ કહીશ કે આપણે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને બિરાજીશું.
(લેખક ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ છે)