ગુજરાતી લોકો યુકેમાં આવીને વસ્યા તેમ છતાંય તેમનો સંબંધ ગુજરાત સાથે જળવાઈ રહ્યો છે. તેઓ અવારનવાર ગુજરાતના ચક્કર લગાવતા હોય છે. કેટલાક લોકોના તો પરિવાર હજુ પણ ત્યાં વસે છે અને બીજા કેટલાકે ત્યાં ઘર-જમીન લઇ રાખ્યા છે. ગુજરાતની એક ખાસિયત આજે નોંધવી છે. તે ખાસિયત એટલે સૌને પોતીકા બનાવી લેવાની, અપનાવી લેવાની અને જે ત્યાં આવે તેને મોહી લેવાની ખાસિયત. ગુજરાતની કલા, સંસ્કૃતિ અને ધરતીમાં એવું કૈંક છે કે તેની હવામાં શ્વાસ ભરે તે ક્યારેય ભૂલે નહિ. આ ગુજરાત એટલે દેવસ્થાનો અને ધર્મની ભૂમિ છે. આમ તો ગુજરાતને લોકો વેપારીઓનો પ્રદેશ ગણાવે છે તે ખરું પણ આ વેપારીઓ ધર્મભીરુ અને કુદરતમાં માનનારા છે.
ગુજરાતના દેવસ્થાનોની વાત કરીએ તો સૌથી પહેલું નામ સોમનાથ મહાદેવના મંદિરનું લેવું કે દ્વારકાધીશનું તે વિચારવું પડે. દ્વારકાધીશ એટલે આચાર્ય શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠ પૈકીનો એક. એટલે તે ચાર ધામ પૈકીનું એક. કહેવાય છે કે હિન્દૂ પોતાના જીવનમાં એક વાર ચાર ધામની યાત્રા કરે છે અને આ ચારેય ધામ દેશના અલગ અલગ ખૂણે આવેલા છે. તે જોતાં ધર્મ અને પ્રવાસ અને એકતા કેવી રીતે એકબીજા સાથે વણી લેવાયા છે તેનો અંદાજ આવે. દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની હતી પરંતુ તે સમુદ્રમાં ડૂબી ગઈ હતી. તેના અવશેષો પુરાતત્વ વિભાગને મળી આવ્યા છે એટલે તે ઇતિહાસની સાક્ષી બની છે. આજે ત્યાં દ્વારકાધીશનું મંદિર છે જે પછીથી બંધાયેલું. દ્વારકાની વાત કરીએ તો લોકો બેટ-દ્વારકાને સાથે જ ઓળખે છે. બેટ એટલે ટાપુ. ઓખા બંદર પાસે આવેલો આ ટાપુ શંખોધ્ધાર તરીકે પણ ઓળખાય છે.
સોમનાથ મહાદેવનું મંદિર એટલા માટે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે કેમ કે તે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે કેમ કે ત્યાં ઈ.સ. ૧૦૨૪માં મહમૂદ ગઝનીએ આક્રમણ કરેલું. કેટલાક ઇતિહાસકારો કહે છે કે ઈ.સ. ૧૦૦૦થી ૧૦૨૪ વચ્ચે તેણે સોમનાથને ૧૭ વખત લૂંટ્યું. ગઝની મહમૂદની રાજધાની હતી, જે આજના અફઘાનિસ્તાનમાં આવેલા કાબુલની દક્ષિણે આવેલ છે. આ સોમનાથના મંદિર ઉપરાંત દ્વારકા પાસે આવેલ નાગેશ્વરમાં પણ જ્યોતિર્લિંગ છે. આ રીતે ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. ત્યાં ટી સિરીઝના માલિક અને શિવભક્ત સ્વ. ગુલશન કુમારે સુંદર મંદિર પણ બનાવેલું છે.
જૈનોના મંદિર પણ ગુજરાતમાં સુંદર અને સુપ્રસિદ્ધ છે. ભાવનગર પાસે આવેલા પાલીતાણાની શત્રુંજય ટેકરીઓ પર જૈન મંદિરોનું સંકુલ આવેલ છે. તે ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ જૈન મંદિરો પૈકીનું એક છે. આ મંદિરમાં ૨૩ તીર્થંકરોએ યાત્રા કરી હોવાનું કહેવાય છે અને એટલા માટે તેનું ધાર્મિક મહત્ત્વ ખુબ વધારે છે. તેની સ્થાપના ૧૧મી સદીમાં થઇ અને બાંધકામ લગભગ ૯૦૦ વર્ષ ચાલ્યું તેવું કહેવાય છે. આ મંદિરોનો સમૂહ આસપાસની ૯ ટેકરીઓ પર પથરાયેલો છે. આ ઉપરાંત અમદાવાદમાં આવેલ હઠીસિંગના દેરા તથા પાટણનું પંચસાર પાશ્વનાથનું જૈન મંદિર પણ પ્રખ્યાત છે. ગિરનાર પર્વત પર પણ જૈન ધર્મના ૨૨માં તીર્થંકર નેમિનાથનું મંદિર આવેલું છે. ગુજરાતમાં જૈન ધર્મનો ખુબ પ્રભાવ રહ્યો છે અને આજે પણ જૈન સમુદાય ગુજરાતમાં સારું પ્રભુત્વ ધરાવે છે.
ગુજરાતમાં આવેલું સ્વામિનારાયણ અક્ષરધામ, જામનગરનું બાલા હનુમાન મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, દ્વારકાનું રુક્મણિ મંદિર, સોમનાથનું ભાલકા તીર્થ અને તેવા અનેક યાત્રાધામો અને મંદિરો ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને શ્રદ્ધાળુઓને આકર્ષે છે. ગુજરાત હંમેશા જ પુણ્યભૂમિ રહ્યું છે તેમાં કોઈ શંકા નથી અને કદાચ એટલે જ ગુજરાતી પ્રજા હંમેશા ધાર્મિક અને માયાળુ રહી છે. ધર્મ અને શ્રદ્ધા સાથે જીવન જીવીને તેઓ હંમેશા પ્રગતિશીલ રહેવા પ્રેરિત થતા રહે છે. આ પ્રદેશમાં વસતા લોકો સમૃદ્ધ છે તેનો શ્રેય તેમની મહેનત અને કર્મનિષ્ઠતાને જાય છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)