તમે જાણો જ છો કે હું એશિયન વોઈસ માટે લેખ લખતો રહ્યો છું. મોટા ભાગે આ આર્ટિકલ્સના ગુજરાતી અનુવાદ ગુજરાત સમાચારમાં પણ પ્રસિદ્ધ થાય છે. આ અનુવાદો માટે હું કોઈ યશ લેવા માગતો નથી!
થોડાં દિવસ અગાઉ મારા પર વોર્ધિંગથી પૂજ્ય પાર્વતીબહેન પટેલનો ફોન આવ્યો હતો. તેઓ ૯૪ વર્ષનાં છે અને મૂળ જિન્જા-યુગાન્ડાના છે. મારી તેમની સાથે કદી મુલાકાત થઈ ન હતી. ઓછામાં ઓછું મારા માનવા પ્રમાણે હું તેમને કદી મળ્યો નથી. તેમમે મને ફોન કર્યો અને મારા પત્ની રેખા સાથે નિશ્ચિત કર્યું કે મારી સાથે વાત કરવા તેઓ ફરી ફોન કરશે.
તેમણે મને પ્રકાશનો (ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ)માં પ્રસિદ્ધ થતા લેખો બદલ મને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે તેઓ બધા લેખ વાચે છે અને ગુજરાત સમાચારના તો સમર્પિત વાચક છે.
આશ્ચર્યજનક વાત તો હવે આવે છે.
તેમણે કહ્યું કે તેમણે આ પ્રકાશિત લેખોમાં મારા ફોટો અને નામ જોયું હતું. આના પરથી તેમણે વિચાર્યું કે મારો ચહેરો મારા દિવંગત પિતા, વિઠ્ઠલદાસ પોપટભાઈ ઠકરારને મળતો આવે છે. તેમણે તર્ક લગાવ્યો કે હું મારા પિતા વિઠ્ઠલદાસ અને મારી દિવંગત માતા લલિતાબહેનનો પુત્ર છું જેમને તેઓ ૬૦ વર્ષ અગાઉ તેમના જિન્જા-યુગાન્ડાના વસવાટ દરમિયાન ઓળખતાં હતાં.
આ પછી તો તેમણે મને શોધવા અને મારો ફોન નંબર મેળવવા ચોટાઈ પરિવારને પણ શોધવાની ભારે જહેમત ઉઠાવી હતી.
મેં જ્યારે પૂજ્ય પાર્વતીબહેન સાથે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે તેઓ જિન્જા-યુગાન્ડામાં મારા માતાપિતાના પડોશી હતાં અને હું ભાંખોડિયા ભરતો હતો ત્યારે મને રમાડતાં હતાં. એટલે કે હું નાનો હતો ત્યારે તેમના ખોળામાં બેસી જતો હતો!
શું આ બાબત અદ્ભૂત નથી કે મને આ બધું કહેવા માટે ૯૪ વર્ષની મહિલાએ મારી શોધ ચલાવી હતી. આખરે મારી તેમની સાથે મુલાકાત તો થઈ જ! પૂજ્ય પાર્વતીબહેનની વાચનભૂખ, તપાસ, મારા પારિવારિક સંપર્કો સાથે ફોલોઅપ અને છેલ્લે મારી સાથેની વાતચીતમાં જોવા મળેલી લગનથી હું પ્રભાવિત થયો છું. અને તેમની અદ્ભૂત યાદદાસ્ત માટે તો શું કહેવું!
મારો તો આખો દિવસ સુધરી ગયો હતો
મેં જ્યારે પાર્વતીબહેનનાં દીકરી ઈલા સાથે વાત કરી ત્યારે મને જાણવા મળ્યું કે પૂજ્ય પાર્વતીબહેનની ભૂતકાળ સંબંધે જબરજસ્ત યાદદાસ્ત છે અને આટલી પાકટ વયે પણ જીવનના સાનંદાશ્ચર્યો માટે ભારે ઉત્સાહ ધરાવે છે. મને લાગ્યું કે મારી બીજી માતા સાથે મારો સંપર્ક થઈ ગયો છે. તેઓ ચાર સંતાન, ૧૪ ગ્રાન્ડચિલ્ડ્રન- પૌત્રપૌત્રીઓ અને ૪ ગ્રેટ ગ્રાન્ડચિલ્ડ્રન- પ્રપૌત્રપ્રપૌત્રીઓ સાથે વોર્ધિંગમાં નિવાસ કરે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની પહોંચ-પ્રસાર કેટલો વ્યાપક છે.
(લેખક ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ છે)