1975ની 26 જૂનથી ભારતમાં આંતરિક કટોકટી રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદના અધ્યાદેશથી ઘોષિત કરાઇ અને 21 માર્ચ 1977ના દિવસે તેને તત્કાલીન રાષ્ટ્રપતિ બી. ડી. જત્તીના અધ્યાદેશથી પરત ખેંચી લેવામાં આવી. તેની ભારતીય રાજકારણ, બંધારણ, ન્યાયતંત્ર, કાનૂન, પોલીસ, ચુંટણી, સાર્વજનિક જીવન પર એવી ઘેરી અસર રહી કે આજે, 50 વર્ષે પણ તે યાદ કરતાં હચમચી જવાય છે.
અધ્યાદેશ તો રાષ્ટ્રપતિનો હતો, પણ દેખીતું અમલીકરણ તત્કાલીન કોંગ્રેસ સરકાર, તેના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી તેમજ તેમની આસપાસના દરબારીઓએ કર્યું અને તેમ મિસા અટકાયતીધારાનો બહોળો દુરુપયોગ, ઇંડિયન પિનલ કોડનો એવો જ અમલ, કુટુંબ નિયોજનના નામે ફરજિયાત નસબંધી, દિલ્હીની તૂટકમાં ગેટ પર બુલડોઝરથી ગરીબ વસ્તીનો સર્વનાશ, સંસદમાં વિરોધ પક્ષોના નેતાઓને જેલવાસી કરીને મનફાવે તેવા બંધારણીય સુધારા (કે બગાડા?) અખબારો-સામયિકો પર સેન્સરશીપ લાદીને 37000 પ્રકાશનોના મોં પર ડૂચો અને દેશ-વિદેશના 100થી વધુ સંવાદદાતા, તંત્રીઓની માન્યતા રદ કરવી, કેટલાક વિદેશી પત્રકારોને દેશમાં રહેવા ના દેવાના આદેશ, 100 જેટલા પત્રકારોને અટકાયતી ધારા નીચે જેલવાસ, મિસા હેઠળ દેશવ્યાપી 1,10000 રાજકીય નેતાઓ - વિદ્યાર્થીઓ - લેખકો - મહિલાઓને જેલવાસ. ન્યાયતંત્રમાં પોતાની તરફેણના ન્યાયમૂર્તિઓને લાભ અને વિરોધી ચુકાદા આપનારાની બદલી, વિપક્ષોની ગેરહાજરીમાં પોતાની સરકારને એક વધુ વર્ષની મુદતનો નિર્ણય, 42 મા સુધારાના નામે એક પક્ષની કાયમી સત્તાનો ખેલ...
આ તો માત્ર મોટા નિર્ણયોની યાદી છે, તેની પાછળ બીજા ઘણા ખેલ થયા તેને 150થી વધુ પુસ્તકો (જેમાં જયપ્રકાશની જેલ ડાયરી, ચંદ્ર શેખરની ડાયરી, કુલદીપ નાયરની ‘ઇન જેલ’, એલ. કે. અડવાણીની ‘નજરબંદ લોકતંત્ર’ તેમ જ ‘મિડનાઇટ નોક’. અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીની જેલ-કથા, એન્ડરસનની ‘સ્ટોરી ઓફ અન-ટ્રુથ’, જોન ઓલિવર પેરીની ‘વોઇસીસ ઓફ ઇમરજન્સી’, અડવાણીની ‘સ્ટોરી ઓફ ટ્રુ ઇમર્જન્સી’, નરેન્દ્ર મોદીનું ‘સંઘર્ષમાં ગુજરાત’, વિષ્ણુ પંડ્યાનું ‘મિસાવાસ્યમ’, મકરંદ દેસાઈનું ‘સ્મગલર ઓફ ટ્રુથ’, જનાર્દન ઠાકુરનું ‘ઓલ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ મેન’, સોલી સોરાબજીનું ‘અબાઉટ સેન્સરશીપ’, પ્રા . પુ.ગ. માવલંકરનું ‘નો સર’ વગેરેનો સમાવેશ થાય છે)માં દર્શાવાયા છે.
આ કોલમમાં ગુજરાત પૂરતી વાત કરીએ તો કટોકટી અને તેની પહેલાથી ગુજરાતે મહત્વનો ભાગ ભજવ્યો. ચીમનભાઈ પટેલની સરકારમાં ભ્રષ્ટતાની સામે નવનિર્માણ આંદોલન થયું. વિધાનસભાનું વિસર્જન એક રીતે કથિત પ્રતિનિધિને પાછા બોલાવવાની ચળવળ પણ હતી. ગુજરાતમાં આ બીજું આંદોલન હતું, આ પહેલા મહા ગુજરાત આંદોલન થયું, જેના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. એ આંદોલન સફળ થયું અને ગુજરાત રાજ્યની રચના થઈ. પણ ગુજરાત જનતા પરિષદ સત્તા મેળવવામાં નિષ્ફળ રહી, શાસન તો કોંગ્રેસનું જ રહ્યું. ભલે આંતરિક ખેંચતાણ પોતાના જ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનું રાજીનામું માગવા, અને તેમ ના કરે તો ધારાસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી જ અવિશ્વાસની દરખાસ્ત લાવવા સુધીની રહી.
1974માં ખેંચતાણનું નવું એકાંકી ભજવાયું. કોંગ્રેસના જ બે નેતા કાંતિલાલ ઘીયા અને ચીમનભાઈ સામસામા ટકરાયાં. પટેલની પંચવટી જીતી, પણ નવનિર્માણ આંદોલને તેમને રાજીનામું આપવાની ફરજ પાડી. એ સમયે કોંગ્રેસ-વિરોધી મોરચો બન્યો અને તે ફાવ્યો. 1950 પછી પહેલીવાર કોંગ્રસ-વિરોધી મોરચાને સફળતા મળી, જે પછીથી જનતા પક્ષ, અને ભારતીય જનતા પક્ષને માટે સત્તાધીન બનવાનો રસ્તો ખૂલ્યો.
કટોકટીનું આ પહેલું આડ-પરિણામ. 1976માં જેલવાસી થયા તેમાંના પાંચ તો પછીથી મુખ્યમંત્રી થયા, કેટલાક રાજ્યપાલ, બીજા સાંસદ, મંત્રી, ધારાસભ્ય અને બીજા હોદ્દાઓ પર આવ્યા. તેમની સાથે ગુજરાતમાં અટકાયતીઓની સંખ્યા 529 હતી. 3165 નાગરિકોએ સત્યાગ્રહ કર્યો તેનું નેતૃત્વ સરદાર-પુત્રી મણીબહેન પટેલે લીધું હતું. 21 સ્થાનો પર 173 ટુકડીઓએ આ સત્યાગ્રહ કર્યો. જેલોમાં ગયેલાઓમાં જનસંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સમાજવાદી, સર્વોદય, વિદ્યાર્થી પરિષદ, સીપીએમ, લોકદલ, વિશ્વ હિન્દુ પરિષદ, સંસ્થા કોંગ્રેસ મુખ્ય હતા.
મહત્વની વાત એ રહી કે આખા દેશમાં કટોકટી અને તેના હુકમો પ્રવર્તતા હતા, તેમાં તમિલનાડુ અને ગુજરાત કેટલોક સમય બાકાત રહ્યા. ગાર્ડીયનનો સંવાદદાતા અમદાવાદ આવ્યો ત્યારે મારી સાથે રીક્ષામાં ફર્યો હતો અને મોકળાશ જોઈ હતી. એ દિવસોમાં જ લોકતંત્ર પરિષદ થઈ, ન્યાયમૂર્તિ એમ. સી. ચાગલાએ રણટંકાર કર્યો હતો. જ્યોર્જ ફર્નાન્ડીઝ અને તેના સાથીઓ (જેમાં બે પત્રકાર કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ પણ હતા!) પર વડોદરા ડાયનેમાઇટ કેસ થયો.
એકંદરે ગુજરાત 26 જૂન 1975થી 13 માર્ચ 1976 સુધી કેન્દ્રનો વિરોધ અને પ્રતિબંધોથી મુક્ત રહ્યું, પણ મોરચા સરકારના બે ધારાસભ્ય બેવફા નીવડ્યા એટલે બાબુભાઇ પટેલ સરકારે રાજીનામું આપ્યું ને મિસા, ડીઆઈઆરનો દોર ચાલ્યો, અખબારોને ધમકી શરૂ થઈ, ધરપકડો થવા લાગી.
સાબરમતી, વડોદરા, ભાવનગરની જેલો મિસાવાસી નિવાસમાં બદલાઈ ગઈ. તેની કેટલીક અનુભવે આવેલી વિગતો મેં ‘મિસાવસ્યમ’માં આપી હતી, તેને સાહિત્ય પરિષદનું કાકાસાહેબ પારિતોષિક મળ્યું. યોગાનુયોગ આ સમાન એનાયત કરનારા ઉમાશંકર જોશી પણ સંઘર્ષમાં સામેલ હતા, તેમનું રાજ્યસભામાં, અને માવલંકરનું લોકસભામાં પ્રવચન થયું તે કટોકટી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
નાગરિક સ્વાતંત્ર્ય માટે તરહવારનો જંગ ખેલાયો. ધારાશાસ્ત્રી સી.ટી. દરુ અને હરિશ્ચંદ્ર પટેલ તેમ મુખ્ય હતા. બંનેને પછી મિસા હેઠળ પકડી લેવામાં આવ્યા. સેન્સરશીપ સામેના કેસ અને નાગરિક સ્વાતંત્ર્ય પરિષદમાં ભાગ લેવા માટે સર્વશ્રી એસ.એચ. શેઠ, બી. જે. દીવાન, ટી.યુ. મહેતા વગેરેની બદલી કરવામાં આવી, જસ્ટિસ ખન્નાને બાજુ પર રાખીને બીજાને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બનાવી દેવાયા. મકરંદ દેસાઇ, રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, અંજલિ પંડયા વગેરેએ વિદેશોમાં મોરચો ખોલ્યો.
પચાસ વર્ષ પૂર્વેની આ ઘટનાઓ પર નજર ફેરવું છું અને મારા નવા પુસ્તક ‘એક મિસવાસીની જેલ-કથા’ માટે દસ્તાવેજો હાથમાં લઉં છું ત્યારે અંદાજ આવે છે કે કેવો મહા-સંગ્રામ ખેલાયો હતો, આજે જે બંધારણ બચાવની ચોપડી હાથમાં ઉપર ઉઠાવે છે તેને ખબર હશે ખરી કે બંધારણની જોગવાઈના નામે જ શ્રીમતી ગાંધીએ કેવો કાળો ઇતિહાસ રચ્યો હતો?