ઓળખીતાનો આધાર ઘણા બને પણ અજાણ્યામાં વિશ્વાસ મૂકીને મદદ કરેવી વિરલ વ્યક્તિઓમાંની એક તે ડાહ્યામામા. વિના સગાઈએ એ સૌના મામા બનીને અજાણ્યાનો આશરો બનતા. હેતના અમી સિંચતા આ ડાહ્યામામા મહેમદાવાદ નજીક વરસોલાના મૂળ વતની.
ડાહ્યામામા ચુસ્ત હિંદુ અને અનુપમ મિશનના જશભાઈ સાહેબના ચાહક અને કેનેડા અનુપમ મિશનના પ્રમુખ. તેઓ વાડાબંધી વિનાના અને સૌને ભાવતા અને ફાવતા. બિયાસના રાધાસ્વામી સત્સંગના પણ ભક્ત. બીએપીએસનું ટોરોન્ટોમાં મંદિર કરવાની વાત આવી તો તેમની ક્રેસ્ટ કંપનીએ તરત જ મોટું દાન આપ્યું તો સનાતન મંદિરના આરંભના મોટા દાતાઓમાંના તે એક હતા. ડાહ્યામામા પાસે દાનની આશાએ જનારને નિરાશ થવાનો વારો ના આવે છતાં ડિમડિમ પીટતા નહીં. જૂથબંધી, વાડાબંધી, ધર્મ-સંપ્રદાયનો ભેદ, અરે! ગરીબ-તવંગરનો ભેદ... એ કશું જોયા વિના માણસ જોઈને મદદ કરતા.
બાઈબલના જૂના કરારમાં લખાયું છે, ‘તું પણ આ ભૂમિમાં એક વાર અજાણ્યો હતો. મતલબ કે અજાણ્યા એવા તને જાણે-અજાણે કોઈકની મદદ મળી છે. તો બીજાને મદદ કરવાની તારી પણ ફરજ છે.’ કોમ્પ્યુટરના જમાનામાં દૂરથી ટીવી, રેડિયો, ફ્રીઝ, કાર કે પંખા ચાલુ કે બંધ કરવામાં ઈલેક્ટ્રોનિક્સ સર્કિટ જોઈએ. કેનેડામાં સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક સર્કિટ બનાવતી ગુજરાતી માલિકીની ફેક્ટરી તે ક્રેસ્ટ સર્કિટ. ઉત્પાદન, વેચાણ કે ગુણવત્તામાં ગુજરાતીઓની માલિકીની કંપનીઓમાં ક્રેસ્ટ સર્કિટ પ્રથમ છે. આમાં કામ કરનારા ૯૦ ટકા ભારતીય અને તેમાંય અડધાથી વધારે માત્ર ગુજરાતી.
દેહ અલગ પણ દિલ એક એવા ચાર મિત્રોની કંપની તે ક્રેસ્ટ. કંપનીના સૌપ્રથમ કામદાર, મેનેજર, ડિરેક્ટર, સંચાલક તે ડાહ્યામામા. ટોરોન્ટોમાં ઘણા ગુજરાતીઓને તેમણે વિના ઓળખાણે નોકરી-ધંધામાં રાગે પાડ્યા છે. નવા આવનારને જ્યારે નોકરીની મુશ્કેલી હોય ત્યારે તેમણે વિના શોષણે, કાયદેસરના પગારથી રાખ્યા છે. તેને પ્રેમથી કામ શીખવે. બીજે જવું હોય કે ધંધામાં પડવું હોય તો મદદ અને માર્ગદર્શન આપે. તેમનાં પત્ની કુસુમબહેન આવી વ્યક્તિને દિવસો સુધી રાખે, જમાડે છતાં શીખીને તૈયાર થયા પછી બીજે જવું હોય તો જવા દે. ડાહ્યામામાનું સૌજન્ય અને સથવારો લોકોને યાદ રહી જાય. ડાહ્યામામા અને ક્રેસ્ટ કંપનીની કથા સૌ ગુજરાતીઓને મૈત્રી કેવી હોય તેનો નમુનો પુરો પાડે છે.
ડાહ્યામામાના પિતા મહીજીભાઈ વડોદરા નજીક ગાયજના. તેઓ મહેમદાવાદ નજીક વરસોલામાં વસ્યા અને જાતમહેનતે સમૃદ્ધ થયા. ૧૦૦ વીઘા જમીનના માલિક થયા. અમદાવાદમાં ભણીને એમ.એસસી. થયા. આ પછી થોડો વખત બાંધકામ ખાતામાં નોકરી કરી. તે છોડીને રાયપુરમાં સાબુની ફેક્ટરીમાં જોડાયા. આ છોડીને વરસોલા આવીને ખેતી સંભાળી.
ડાહ્યામામાના પિતા એમની ૧૪ વર્ષની વયે મરણ પામ્યા હતા તેથી નાની વયથી જ બધી જવાબદારીનો ભાર ઉપાડેલો. બી.એસસી.માં હતા ત્યારે કુસુમબહેનને પરણ્યા હતા. ડાહ્યામામા સંકર કપાસની ખેતીમાં સારું કમાયેલા, પણ કંઈક નવું કરવાની પ્રબળ ઈચ્છા.
વરસોલામાં મોસાળ ધરાવતા રીંછોલના રમેશભાઈ સાથે નાનપણથી જ મૈત્રી હતી. રમેશભાઈ ગામના નાતે એમને મામા કહેતા તો બધા મામા કહેતા થયા અને એ સૌના માટે ડાહ્યામામા બન્યા. રમેશભાઈ કેનેડા પહોંચ્યા તો ડાહ્યામામા કેનેડા ગયા. આ પછી વરસોલાના મિત્ર જશભાઈ જે એમ.એસ.સી. એગ્રિકલ્ચર થયેલા એમને બોલાવ્યા. રમેશભાઈના નડિયાદના બનેવી રોહિતભાઈને બોલાવ્યા. બધા ભેગા રહ્યા પણ નોકરી મળતી ગઈ તેમ અલગ રહેતા થયા. ડાહ્યામામા સર્કિટ બોર્ડની ફેક્ટરીમાં નોકરી કરતા. તેમને તેનું સારું જ્ઞાન મળ્યું. બધા ધંધો કરવા વિચારતા, પણ મૂડી હતી માત્ર એક હજાર ડોલરની. માત્ર ડાહ્યામામાને સર્કિટ બોર્ડમાંની નોકરી અને તેથી એ અનુભવ કામમાં આવે તેવો હોવાથી બધાએ સર્કિટ બોર્ડના વ્વસાયમાં જવાનું નક્કી કર્યું. ડાહ્યામામા સર્કિટ બોર્ડનું કામ કરે અને બાકીના નોકરી કરે. બધાએ જે આવક થાય તે સરખા ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું. ૧૯૭૮માં આમ ક્રેસ્ટ સર્કિટનું કામ શરૂ થયું. એના પહેલાં મેનેજર, કામદાર, ડિરેક્ટર, સંચાલક ડાહ્યામામા થયા. પછી કામ વધતાં જરૂર પડી તેમ અન્ય ભાગીદાર નોકરી છોડી એમાં જોડાતા ગયા. કંપનીમાંની અને નોકરીમાંની આવક ભેગી કરીને સરખા ભાગે વહેંચીને સૌ રહેતા અને જીવતા.
ક્રેસ્ટ જામી. આવક વધી. ચારેય મિત્રોની મૈત્રીની એ કલગી ક્રેસ્ટ બની. કંપનીએ ટોરોન્ટોમાં અને વતનમાં મોટી રકમનાં જનકલ્યાણ માટે દાન કર્યાં.
ડાહ્યાભાઈ ક્રેસ્ટનું ચાલકબળ બન્યા. બધા મિત્રોને ડાહ્યાભાઈની સંચાલનશક્તિ, પ્રામાણિકતા અને ન્યાયબુદ્ધિમાં અખૂટ વિશ્વાસ હતો. મનની સગાઈ મજબૂત હતી, એ સગાઈમાં ક્યારેય તિરાડ ન પડે, અદેખાઈ ન જન્મે માટે પાણી પહેલાં પાળ બાંધી. નક્કી કર્યું કે ચાર સરખા ભાગ અને દરેકના પરિવારમાંથી કંપનીમાં ફક્ત એક જ માણસ કામ કરે. તે નિવૃત્ત થાય તો પરિવારમાંથી બીજા કોઈકથી એ જગ્યા પુરાય. ચારે ભાગીદાર ભેગા રહેતા ત્યારે બધાની પત્નીઓ સગી બહેનની જેમ ભેગી રહેતી. આથી પુરુષોની એકતા મજબૂત બની.
અજાત શત્રુ, સૌજન્યમૂર્તિ અને માણસમાત્રને મદદ કરવા તત્પર ડાહ્યામામા ટોરોન્ટોના ગુજરાતીઓમાં સૌને ભાવતા, શ્રદ્ધેય અને પોતીકા હતા. ગુજરાતીઓ માટે રોજીનું સદાવ્રત ખોલીને બેઠા હોય તેવા હતા. કેનેડામાં અનુપમ મિશનને ધમધમતું કરનાર તે ૨૦૧૫માં ૭૬ વર્ષની વયે અવસાન પામ્યા.
ડાહ્યામામાના સ્વભાવ અને વર્તનની નખશિખ પ્રતિકૃતિ શો એમનો એકમાત્ર પુત્ર ધવલ હાલ ક્રેસ્ટ સર્કિટની કલગી બનીને સંચાલન કરે છે. મેનેજમેન્ટમાં ડિગ્રીધારી ધવલ જેનું મેનેજમેન્ટ સંભાળે તેમાં પૂર્ણતાનો આગ્રહી છે. ભક્તિ, સેવા, આતિથ્ય અને સંસ્કારની ડાહ્યામામાની પરંપરા તેણે ચાલુ રાખી છે.
ડાહ્યામામાની સેવા અને ભક્તિથી પ્રભાવિત, પતિપ્રેમે પતિને ગમતું ગમાડનાર કુસુમબહેને ડાહ્યામામા જેવો જ આતિથ્ય અને ભક્તિભાવ જીવનભર અમલી બનાવ્યો છે. ડાહ્યામામા અને કુસુમબહેનના આવા દામ્પત્યે પુત્રવધૂ મેઘા, પૌત્ર નીલ અને પૌત્રી કાજલ એવાં જ ઘડાયાં છે. ટોરોન્ટોના ગુજરાતીઓમાં આવી ભક્તિ, સેવા અને આતિથ્ય ભરપૂર પરિવાર પ્રેરક અને મુલાકાત લેવા જેવો છે.