ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણું ગુરુ દેવો મહેશ્વર:।
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મં તસ્મૈ શ્રી ગુરવે નમ:॥
આપણા વેદો ગુરુની મહત્તા આ શ્લોકમાં પ્રદર્શિત કરે છે. ગુરુને આપણે સાક્ષાત્ સૃષ્ટિકર્તા બ્રહ્માજી માનીએ છીએ. પાલનહાર શ્રીહરિ વિષ્ણુ ભગવાન પણ માનીએ છીએ. મહેશ્વરના રૂપમાં પણ ગુરુને સ્થાન આપીએ છીએ. વિશેષમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મ સ્વરૂપ માનીએ છીએ. અન્ય શ્લોકોમાં પણ ગુરુની મહત્તા પ્રદર્શિત થાય છે. જેમ કે, ‘માતૃદેવો ભવ:’ ‘પિતૃદેવો ભવ:’ ‘આચાર્યદેવો ભવ:’ ‘અતિથિદેવો ભવ:’ આ શ્લોકમાં આચાર્ય, ગુરુને સાક્ષાત્ દેવતા તરીકે પૂજવામાં આવ્યા છે. આ શ્લોકના અનુસંધાન દ્વારા આજના યુગમાં વિદ્યાર્થીઓએ એટલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે ગુરુ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન છે. સાક્ષાત્ પરબ્રહ્મ છે. જે ઉક્તિના આધારે વડીલો અને માતાપિતાનો આદર સન્માન વગેરે શીખવાનું છે.
દરેક વિદ્યાર્થીને પોતાના શિક્ષક, ગુરુ વગેરે પ્રત્યે એક વિશિષ્ટ આદર અને સન્માન હોવું જોઈએ. વર્ગની અંદર, આશ્રમમાં, સત્સંગમાં આ ગુરુઓ પોતાના શિષ્યને વિદ્યા, જ્ઞાન પ્રદાન કરે છે. આજની સાંપ્રત પરિસ્થિતિમાં ઈન્ટરનેટના માધ્યમથી કે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિથી બાળકો અનેક પ્રકારનું શિક્ષણ મેળવી રહ્યાં છે. અનેક પુસ્તકોના માધ્યમથી જ્ઞાન સંપાદિત કરે છે અને ઢગલો માર્ક મેળવે છે. ઢગલો માર્ક્સની સાથે સાથે વિનય, વિવેક, આદર, સન્માનની ભાવના, સ્વભાવમાં મૃદુતા, આતિથ્ય-સત્કાર આ તમામ ગુણો પણ જો મેળવે તો વ્યક્તિ જીવનમાં ઉચ્ચતર સ્થાન મેળવીને સફળ બની શકે છે. આવાં મૂલ્યો પુસ્તકો કે ઈન્ટરનેટનાં સાધનોમાંથી નથી મળતાં બલકે આવાં તમામ મૂલ્યો આપણને આપણા પ્રથમ-બીજા અને ત્રીજા ગુરુ એટલે કે માતા-પિતા અને ગુરુ જ આપી શકે.
જીવનમાં આવનારા પ્રશ્નો, મુશ્કેલીઓને સરળતાથી અને સમાધાનકારી વલણથી ઉકેલવાના સંસ્કાર એ આપણા ગુરુ જ આપી શકે છે અને જ્યારે વ્યક્તિ પોતાનાં માતા-પિતા, શિક્ષક અને ગુરુ પાસેથી વિનય, નમ્રતા, સુસંસ્કાર વગેરે પ્રાપ્ત કરીને પોતાના જીવનના પાયાને મજબૂત બનાવે છે ત્યારે એ સંસ્કારના પાયા ઉપર ઊભી થતી પદ અને પ્રતિષ્ઠાની ઈમારતની ચોતરફ, સમાજમાં વાહવાહ થઈ જાય છે. આવા સંસ્કારવાળી વ્યક્તિની ઓળખ એક અલગ પ્રકારની જ હોય છે. સમૂહના ટોળામાં માતા-પિતા, શિક્ષક અને ગુરુના સંસ્કાર પ્રાપ્ત કરેલી વ્યક્તિ પોતાની એક અલગ સુગંધથી જુદી તરી આવે છે.
એક સુંદર પ્રસંગ છે. સંત કબીરદાસ ગુરુની બાબતમાં પોતાના વિચાર જણાવે છે કે, મારી સામે સાક્ષાત્ ભગવાન અને મારા ગુરુ બંને ઊભા હોય તો હું સર્વપ્રથમ મારા ગુરુને પ્રણામ કરું ત્યાર પછી ભગવાનને પ્રણામ કરું.
ગુરુ ગોવિંદ દોનો ખડે, કીસ કો લાગુ પાય?
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.
આપણને ભગવાન સુધી દોરી જનાર આ ગુરુને પૂજવાનો પવિત્ર દિવસ અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા (આ વર્ષે 21 જુલાઇ) તરીકે પ્રચલિત થયો. મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ દિવસે જ થયો હતો. તેથી ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને અષાઢી પૂર્ણિમાએ સંસ્કૃતિના ઘડવૈયાઓને પૂજવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિનું ઘડતર અનેક ઋષિમુનિઓએ પોતપોતાના વિચારો પ્રમાણે સુંદર રીતે કર્યું, જેમાં મહર્ષિ વેદવ્યાસજીએ તમામ પાસાનો અભ્યાસ કરીને તમામ વિચારોનું સંકલન કરીને માનવ સમાજને સંસ્કૃતિના જ્ઞાનકોષ રૂપ ‘મહાભારત ગ્રંથ’ આપ્યો. મહાભારત ગ્રંથને પાંચમા વેદની ઉપમા મળી છે. વ્યાસજીએ મહાભારતના માધ્યમ દ્વારા સંસ્કૃતિના વિચારો, દૃષ્ટાંતો સહિત સરળ ભાષામાં સમાજ સમક્ષ મૂક્યાં તેથી જ તો ભગવાન શ્રીકૃષ્ણએ વેદવ્યાસજીને ‘મુનીનામપ્યહમ્’ કહીને સંબોધ્યા અને બિરદાવ્યા.
વેદવ્યાસના જીવનને અમર બનાવવા માટે તેમના અનુગામી ચિંતકોએ સંસ્કૃતિના વિચારોનો પ્રચાર કરનાર સહુને વ્યાસ તરીકે સંબોધવાનું નક્કી કર્યું અને સંસ્કૃતિના જે વિચારો જે પીઠ ઉપરથી વહેતા થાય તે પીઠ વ્યાસપીઠ તરીકે ઓળખાવા લાગી. આ વ્યાસપીઠની અનેક મર્યાદાઓ છે. વ્યાસજીને અમાન્ય હોય તેવો એક પણ વિચાર વ્યાસપીઠ ઉપરથી કહી શકાય નહીં. વ્યાસપીઠ ઉપર બેસનાર તમામ વ્યક્તિને સાહિત્યનો, ધર્મગ્રંથોનો, વેદો-પુરાણોનો ઊંડો અભ્યાસ હોવો જોઈએ. આ સ્થાન ઉપરથી ક્યારેય પણ નિંદા કે ખુશામત થઈ શકતી નથી. આ વ્યક્તિ માતા સરસ્વતીનો સાચો ઉપાસક હોવો જોઈએ. તેની વાણી વિલાસ તરીકે નહીં, પરંતુ ઈશ્વરભક્તિ રૂપે વહેતી હોવી જોઈએ. સરળ, સ્પષ્ટ, ઊંડી સમજણ અને સમાજ માટે ઉન્નતિકારક હોવી જોઈએ. વ્યાસજીમાં આ તમામ ગુણો હતા. તેથી જ તો વ્યાસપૂર્ણિમા ગુરુપૂર્ણિમા તરીકે ઓળખાવા લાગી.
વિજ્ઞાનના નિયમ પ્રમાણે, નિર્જીવ વસ્તુને ફેંકવા સજીવ માણસની જરૂર પડે છે. તેવી જ રીતે જ્ઞાનહીન અને પશુતુલ્ય બનેલા જીવને સાચું જ્ઞાન આપી મોક્ષ માટે પ્રભુ પાસે ધકેલવા ગુરુની જરૂરિયાત રહે છે.
ગુરુ એટલે શું?
ગુરુ એટલે લઘુ નથી તે અર્થાત્ લઘુને ગુરુ બનાવે એ જ સાચો ગુરુ. શાસ્ત્રમાં ગુરુના અનેક પ્રકાર બતાવેલા છે. ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુ શ્રીકૃષ્ણની ઉપાધિ મળેલી છે. ગીતાજીમાં ભગવાન કહે છેઃ ‘હે અર્જુન! તું તમામ વસ્તુ છોડી એકને એક માત્ર મારા શરણે આવ. હું જ તારો ઉદ્ધાર કરીશ.’
સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણંવ્રજ।
અહંત્વ સર્વ પાપેભ્યો, મોક્ષ ઈર્ષયામિ મા શુંચ:॥
મોક્ષ ઈચ્છનાર વ્યક્તિએ સંપૂર્ણપણે પોતાનું જીવન ગુરુરૂપી શ્રીકૃષ્ણને અર્પણ કરી દેવું જોઈએ. ભવબંધનોમાંથી દૂર રહીને જ્ઞાન સંપાદન માટે તૈયાર થવું જોઈએ. આજકાલ પ્રભુ પ્રત્યે કે સાચા ગુરુ પ્રત્યે અપૂરતી ભાવનાથી કરોડો લોકોનાં જીવન ધૂંધળાં થઈ ગયાં છે. આપણા ઉદ્ધાર માટે ગુરુનો હાથ ઝાલી ભગવાન શ્રીકૃષ્ણને આપણી જાત અર્પણ કરી દેવાથી આપણું જીવન મૂલ્યવાન બની જાય છે.
ચરણપાદુકા પૂજન
ગુરુની ચરણપાદુકાનું પૂજન પંચોપચારથી કરાય છે. પ્રથમ ગુરુનાં ચરણ કે ચરણપાદુકાને પંચામૃતથી પખાળવામાં આવે છે ત્યારબાદ ગંગાજળ કે શુદ્ધ શીતળ જળથી ધોવામાં આવે છે. ત્યારબાદ ચંદન, અબીલ-ગુલાબ અને ફૂલપાંદડી કે ફૂલ ચડાવવાનું વિધાન છે. અંતમાં ગુરુ કે ગુરુની ચરણપાદુકાની આરતી ઉતારીને ત્યારબાદ ઋતુ ફળ કે મીઠો પ્રસાદ ભેટસોગાદ અર્પણ કરીને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે.